Friday, July 15, 2016

‘શરૂ’ અને ‘જરૂર’ અને ત્રગડાવાળો ‘રૂ’ (મધુ રાય)

An article highlighting anomalies in spellings of Gujarati words by Madhu Thaker published in Divya Bhaskar Kalash Supplement on 13th July, 2016:

આ છાપાનું લૂણ ખાઈએ છીએ એટલે નહીં, પણ હકીકત છે એટલે, અહીં હમો જાહેરમાં કહીએ છીએ કે વાચકશ્રી તથા વાચકશ્રીમતી, અન્ય દૈનિકો કરતાં આ દૈનિકમાં જોડણી અને ભાષા ઉપર વધુ ધ્યાન અપાય છે અને યસ યસ ‘શ્રીમતી’ રાઇટ છે, ‘શ્રીમતિ’ રોંગ છે. 

શંકરની જટામાં ગંગાની જેમ ગગનવાલાના માથે જોડણીનું ભૂસ્મુત સવાર છે. એમની જોડણીની કોઈ ભૂલ બતાવે તો સામેવાળાના ચરણ ચાંપે છે, પણ હામેવાળો રોંગ હોય તો લંગડા ત્યાગીની જેમ મૂછ મરડીને હેહેહે કરે છે. જૂન 29ના લેખમાં ‘શરતચૂક’ છપાયેલું તે બાબત વાચક જિજ્ઞેશ જોષીએ ગિલ્લોલ તાકી છે કે સાચું ‘સરતચૂક’ છે. હા, હમોએ ‘સરત’ચૂક લખેલું પણ છાપવાવાળાએ શરતચૂક કરી છે. હેહેહે. બિકાજ ઘણા માને છે કે ‘સારું’ કરતાં ‘શારું’ વધુ સારું લાગે છે.

છેલ્લાં પાંચેક વરસથી હમો પણ એક ‘મમતા’ નામે વાર્તાનું છાપું ચલાવીએ છીએ. તેમાં વિનય, વિનંતી, હાજીજી ને કાલાવાલા કરીને લેખકોને કહેતા આવ્યા છીએ કે તમારા લખાણને પૂરતું સન્માન આપો, ચોક્ખા અક્ષરે ટાઇપ કરીને મોકલો, સાચી જોડણી વાપરો, પણ અમને મળતી લાગણીભીની, સીનાની ટીસ, કાયાના તલસાટ અને દડદડ આંસુડાંની કહાણીઓમાં હોય છે: ‘શાંકળચંદ શાયેબ, તબીયત શારી?’ ‘શેવકને દેરાશરનું શપનું આવેલું?’ ને કેટલાકને હ્રસ્વ ઉ ને દીર્ઘ ઊમાં કયો, કયો? તેનો આઇડ્યો? નથી! તેથી સાતડાવાળો ઉ ને એકડાવાળો ઊ કહી યાદ રાખે છે.

ઘણા હ્રસ્વ ઉ ને ‘રસવહુ’ કહે છે ને કોઈ રસિકવરો હ્રસ્વ ઉ ને શોફિસ્ટિકેટેડ માનીને ‘તારું’, ‘મારું’, ‘અમારું’ ‘સારું’ કે ‘ગુરુ’ના વાદે ‘જરુર’ ને ‘શરુ’ લખતા હોય છે, પણ ‘જરૂર’ અને ‘શરૂ’માં ત્રગડાવાળો રૂ સાચો રૂપિયો છે. આ જફાથી વાજ આવીને ઘણા સામયિકો અને લેખકોએ ફક્ત સાતડાવાળો ઉ અને જમણી ઈ (જેને વેદિયાઓ દીર્ઘ ઈ કહે છે) જ વસાવી લીધી છે. સૌથી મોટો વરઘોડો માથે મીંડામાં છે, લેખકો એક જ વાક્યમાં ‘લખતા’ અને ‘લખતાં’ લખતા હોય છે. જે બંને ઇઝ રાઇટ, પણ બંનેના મિનિંગો ડિફરન ડિફરન છે.

નરજાતિના બહુવચનમાં મીંડાં ન આવે, ‘ભાઈઓ બો–લ્યા’, પણ ‘બહેનો હૌ બો–લ્યાં’. નારી જાતિ કે નાન્યતર જાતિના બહુવચનમાં હૌ મીડાં આવે. ‘મીંડું કેવું’ તેથી નાન્યતર જાતિ છે અને વન ‘મીંડા’માં વન મીંડું આવે ને ‘મોર ધેન વન મીંડાં’માં મોર ધેન વન મીંડા આવે, યું ફોંલોં? પ્લસ, નર સાથે નારી/નાન્યતરની છેડાછેડી હોય તો મીંડું નેશેશરી, હોં કે? આ બબાલથી કંટાળીને ઘણા આતવારે મંગળવારે મીંડાં મૂકી દેતા હોય છે અને ઘણા શ્કોલરો મીંડાને ડિશમિશ કરવાની ચળવળ ઉપાડે છે. મોરોવર, ઘણા લેખકો (લેખકો પ્લસ લેખિકાઓ મીન્સ ‘ઘણાં’ માથે મીંડું) જોશમાં આવીને ‘અદ્્ભૂત’ને બદલે ‘અદ્્ભૂત’ લખતા હોય છે, ને તેથીયે જોરાવરો ‘અધભૂત’ લખી બેસે છે. 

ગુજરાતીમાં અંગરેજી શબ્દો લખતી વખતે ઊંધી માત્રાનું અધભૂત અંધેર છે: ઘણા દરેક અંગરેજી શબ્દમાં માત્રા મરડીને મૂકે છે: સૅક્સ, લૅક્સિકોન, પૅટ્રોલ, ચૅસ, ફૅડરલ વગેરે રોંગ છે, ઓકૅ? જોડણીકોશ મુજબ અંગરેજી સ્પેલિંગમાં ‘e’ આવતો હોય તો માત્રા ઊંધી થાય; અને ‘o’નો ઉચ્ચાર પહોળો થતો હોય તો ઓકાર ઊંધો થાય. કમ્પ્યૂટર ટાઇપિંગમાં ‘અ’ સાથે ઊંધી માત્રા જોડવાની શગવડતા નથી એટલે અહીં તે દર્શાવાય તેમ નથી. ‘સગવડ’ ઇઝ સાચું છે ‘સગવડતા’ નોટ સાચું, પરંતુ ઘણાં (ઇન્ક્લુડિંગ ધિસ રાઇટર અને ધિસ પેપર) માને છે કે ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં અંગરેજીના ઉચ્ચારો જુદા જુદા છે અને ગુજરાતીની મધર સંસ્કૃત બાંધણીમાં કે બોલીમાં ઊંધી માત્રા નથી, તેથી જોડણીકોશ ચાબાઈ કરતો હોય તો પણ ગુજરાતીમાંથી ઊંધી માત્રાને ડિપોર્ટ કરો!

No comments:

Post a Comment