Wednesday, June 1, 2016

જે રીતે ઘેરાય છે, બંધાય છે વાદળ ઉપર (રઈશ મનીઆર)

જે રીતે ઘેરાય છે, બંધાય છે વાદળ ઉપર
ઓ કવિતા! આવજે એમજ સહજ કાગળ ઉપર

સૌ કહે છે કે ટકી છે સૃષ્ટિ જેના બળ ઉપર
એ પ્રભુ પણ ખુદ ટકેલો છે અહીં અટકળ ઉપર

રાતે વંચાયું નહીં, દિવસે એ દેખાયું નહીં
નામ તારું કોતર્યું’તુ રાતભર ઝાકળ ઉપર

દોરી બંધનની સબળ થઈ તો સરળ ના રહી શકી
મજબૂતીના નામ પર બસ વળ ચડ્યા છે વળ ઉપર

નાવ કાગળની હતી, પણ પાર ઉતરી ગઈ ‘રઈશ’
પાડ માનો, કે હતી આખી સફર મૃગજળ ઉપર

(રઈશ મનીઆર)

No comments:

Post a Comment