Thursday, May 26, 2016

હઝલ (ગંભીર ચિંતકો વિશે હળવી રચના) (રઈશ મનિઆર)

ગજબનો ચિંતકો યોગાનુયોગ રાખે છે
ગઝલથી છોછ ને ગાલિબના ક્વોટ રાખે છે

જરૂર પૂરતા જિહ્વાગ્રે શ્લોક રાખે છે
એ બાકી ભાષણોમાં ઠોકાઠોક રાખે છે

એ ગાલ લાલ અને ઊંચી ડોક રાખે છે 
રુઆબ છે કે કોઈ ભેદી રોગ રાખે છે

એ ટોકટોક પરિવારજનની રોજ કરી, 
સુખી જીવનની છડેચોક ટૉક રાખે છે

કડક સજે સદા કોંટ્રાસ્ટ પૅર વસ્ત્રોની
ને મનમાં અવળા વિચારોની જોડ રાખે છે

ઊડે છે ફ્યુઝ કદી, થાય છે કદી કંફ્યુઝ
એ એટલો બધો ભેજામાં લોડ રાખે છે

એ ગાયમાતાની આરાધના સભામાં કરે
વિદેશી બ્રીડનો એ ઘરમાં ડૉગ રાખે છે

એ ખપ પડ્યે કદી અલ્લાનું નામ પણ લઈ લે, 
અને એ ક્રિશ્ચિયનો માટેય ગૉડ રાખે છે

અહિંસા, ગાંધીની લાઠી વિષે સભાઓ કરી.. 
પલંગ નીચે એ ધાતુનો રૉડ રાખે છે

એ પ્રેમ ચાર દિવસ પણ કરી નથી શકતા 
કોઈના નામના ટેટુનો શોખ રાખે છે

એ વધતી વયને સ્વીકારે છે ભાષણોમાં સદા
એ ખુદના પી.સી. મહીં ફોટોશૉપ રાખે છે.
(રઈશ મનીઆર)

આપણી ગરવી ભૂમિ પર એવા ગંભીર ચિંતક-રત્નો પાક્યા છે. આ આખી હઝલ કોઈ એક મહાનુભાવ વિશે નથી. આમ પણ આપણી ટીપ્પણી કોઈ વિશેષ ગુણ કે અવગુણ બાબતે હોય, કોઈ વ્યક્તિવિશેષ માટે નહીં.