Thursday, January 22, 2015

લખું છંદમાં તો પણ છવાઈ નથી શકતો...(નેહલ મહેતા)

લખું  છંદમાં  તો  પણ  છવાઈ નથી શકતો,
કશે  સ્થાન  પામું નહિ, છપાઈ નથી શકતો!

ગગન આ નિરાળું છે, ગઝલ કેરી દુનિયાનું,
ન  ઊડી   શકું  ઊંચે,   કપાઈ   નથી શકતો!

ભલે  કષ્ટનાં  વાદળ    મને    ઘેરવા આવે,
હું  છું  સૂર્ય   જે  ડરથી લપાઈ નથી શકતો!

રખડવું  ભટકવું   બસ   લલાટે    લખાયું છે,
ઠરીઠામ   થઈ ક્યાંયે સ્થપાઈ નથી  શકતો.

હૃદયમાં  કદી  તારા  પ્રિયે  તું  વસાવી  જો,
શું   છે  એટલું  કદ   કે સમાઈ નથી શકતો?

મને માપશો શી રીતથી સંકુચિત ગજ લઈ?
ગહન   એટલો  છું  કે   મપાઈ નથી શકતો!

જગતથી  સહન  થાઉં નહીં તો નવાઈ શી?
સ્વયમ  હું જ મારાથી ખમાઈ નથી શકતો!

નિરાશા, અજંપો, આપદા, અશ્રુઓ છે બસ,
વધારે   કશી  પૂંજી  કમાઈ   નથી   શકતો!

નિરાંતે   સ્વયમની   ઊગવાનું  મને  ફાવે,
પરાણે   પ્રયત્ને  હું  વવાઈ   નથી   શકતો!

મળે ચીજ નાણાં આપતાં શક્ય તો છે પણ, 
કદી   આપલેથી  હું   અપાઈ  નથી  શકતો!

(નેહલ મહેતા)

No comments:

Post a Comment