Pages

Friday, October 31, 2014

કોશિશ કરી સૂવા ઘણી નીંદર છતાં આવે નહીં (નેહલ મહેતા)

કોશિશ  કરી  સૂવા  ઘણી  નીંદર છતાં આવે નહીં, 
બીમાર  મનને  સ્વપ્ન  કો'  કેમે  કરી  ભાવે  નહીં.

કડવાશ ફેલાતી ભલે જીવન તણાં આ પાત્રમાં, 
મધુરસ યદિ આપે મને તો ખાસ કૈં ભાવે નહીં. 

છૂપું  હશે  એમાં  પ્રયોજન  રત્નનાં  નિર્માણનું, 
કારણ વિના કો' દી અગન આંચે મને તાવે નહીં. 

રાખ્યો  સલામત  રામજીએ આપદામાં પણ મને, 
એની   કૃપાથી  કો'  મને  ચાખે  નહીં  ચાવે  નહીં.

હો  શક્ય  તો  ગવડાવ  મારા  ગીત કંઠે અન્યના, 
પીડા  સ્વયમ  મારી જ  આ ગાતાં મને ફાવે  નહીં.

(નેહલ મહેતા)

Wednesday, October 29, 2014

શબ્દો વિશે અછાંદસ કાવ્ય

શબ્દોથી કંટાળ્યો છું હવે
શબ્દોએ બહુ આશ આપી
શબ્દોએ બહુ પ્રાસ આપ્યા
શબ્દોએ બાહુપાશ આપ્યો

પણ........

જે કહેવા માંગતો હોઉં એ શબ્દો કહેવા દેતા નથી
લાગણીને સહજ રીતે શબ્દો વહેવા દેતા નથી
મૌન રહીને હું આંખોને જ બોલકી બનાવી લઉં
ઇચ્છાઓનો ઢંઢેરો પીટવાની ઢોલકી બનાવી લઉં
અને કંઈ બોલ્યા વિના જ 
મારું કામ થઈ જાય 
એવું બની ન શકે?

શબ્દમાં મને 'શબ' દેખાય છે, ઈરાદો કોઈ 'બદ' દેખાય છે
ગ્લિસરિન પી ગયેલા શબ્દો ગળગળાં અને ગદગદ દેખાય છે

કૂતરાનો માલિક એમ સમજે કે એ ખરેખર માલિક છે
પણ ખરેખર તો માલિક કૂતરા પાછળ 
ગુલામ બનીને ઢસડાતો હોય છે
એ જ રીતે શબ્દોને આપણે રમાડીએ છીએ કે
શબ્દો આપણને રમાડી જાય છે?
ગમતી વ્યક્તિને આપણાથી દૂર ભગાડી જાય છે?
અણગમતી વ્યક્તિને પરાણે ગમાડી જાય છે?

ફળ ખવાઈ ગયા પછી બાકી રહી ગયેલાં
લુખ્ખાં સુક્કાં ઠળિયાની જેમ
ઘણાં શબ્દો પોતાનું ઘનત્વ અને મમત્વ ગુમાવી ચૂક્યા છે
ગમે ત્યાં વાપરો, ગમે તેટલાં વાપરો તોય
આખરે તો ઠળિયાની જેમ મોળાં જ લાગે!

બાષ્પીભવન થઈ જતાં પ્રવાહીની જેમ
બધાં શબ્દો ક્યારેક શબ્દકોશમાંથી
એકસાથે હિજરત કરીને
અવ્યાખ્યેયના પ્રદેશમાં ચાલ્યા જાય તો કેવું?
પછી હું સ્તબ્ધતા, અવાકતા અને શૂન્યતાની
નવી નવી અર્થછાયાઓ
શબ્દકોશમાંથી નીકળી ગયેલાં શબ્દોના
અવશેષોમાં શોધ્યા કરું!

ઘણી વાર એમ થાય કે
પરણ્યા પછી નિ:સંતાન રહી ગયેલાં દંપતિની જેમ
હું પણ વાણી મળ્યા પછીયે રહી જાઉં
કાયમ માટે નિ:શબ્દ!

ઊલટી હો ગઈ હેપ્પી ન્યુ યર દેખ કે.....કુછ ના દવા ને કામ કિયા!

હેપ્પી ન્યુ યર એટલે ફરાહ ખાને પ્રેક્ષકો પર કરેલો દિમાગી ઊલટીનો અભિષેક. કદાચ ઝ્યાં પોલ સાર્ત્રની નોશિઆ (Nausea) કિતાબ વાંચતી વખતે પણ આટલાં ઉબકાં નહીં આવતા હોય. એમઆરઆઈ અને સીટી સ્કૅનના મશીનમાં પરીક્ષણ દરમિયાન આડા પડતાં જેટલી ગૂંગળામણ નહીં થતી હોય એટલી મણ મણની ગૂંગળામણ આ ફિલ્મ જોતાં સિનેમા હૉલમાં થઈ. પેલા મશીનમાં તો પરીક્ષણ માટે દાખલ થવું પડે અને એનું પરિણામ પણ મળે જ્યારે આ ફિલ્મ તો ત્રણ કલાક સુધી ધીરજ અને શાલીનતાની આકરી પરીક્ષા કરે છે. 

એઈટ પૅક ઍબ્ઝ, થોડી ઘણી બેબ્ઝ અને ઝાઝી એબ (ખામી)નો ભેગ થઈને આ ફિલ્મ બની છે. ભ્રષ્ટ માણસને પોતાના હાથ નીચે કામ કરતો માણસ તો પ્રામાણિક જ જોઈએ એમ સ્થૂળકાય ડિરેક્ટરને ફિલ્મમાં હીરો તો પાછો પૅક-પ્રચૂર જ જોઈએ. જંક અને પંક (ગુજરાતીમાં પંક એટલે કીચડ અને અંગ્રેજીમાં punk એટલે ઘટિયા) જેવી ફિલ્મો બનાવો અને બે હજાર ટંકના રોટલા ખાઓ. 

ઓમ શાંતિ ઓમમાં જય ભારત મનોજ કુમારની મજાક ઉડાવીને સંતોષ ન થયો તો અહીં સરોજ ખાન જેવા સન્માનનીય કોરિયોગ્રાફરની આપત્તિજનક ઠેકડી ઉડાવવામાં આવી છે. ભાઈ-બહેન (ફરાહ-સાજીદ)નો ધંધો જ ગામ આખાની મજાક કરવા પર ચાલતો હોય એવું લાગે છે. બોલીવૂડમાં જેમને જોઈને આદર થાય એવી ભાઈ-બહેનની જોડી ઝોયા અને ફરહાનની કહેવાય. પણ અખ્તર બેલડી સામે મુકાબલો કરવાનું ગજું ખાન જોડીનું નથી.

દીપિકા બેહદ ચીપ ચીપ ચીપિકા લાગે છે. સુંદરલાલ બહુગુણાએ વૃક્ષો બચાવવા ચીપકો આંદોલન કરેલું. દીપિકાએ આખી ફિલ્મમાં ચીપિકાની જેમ ડોલન કર્યું છે. ઘણાં દ્રશ્યોમાં દીપિકાની હાજરીથી અજાણ શાહરૂખ એના માટે જે ખરાબ શબ્દો વાપરે છે એને એ સાર્થક કરવા માંગતી હશે. દુ:ખ એ વાતનું થાય કે શું કમર્શિઆલાઈઝેશન એટલી હદ સુધી વકરી ચૂક્યું છે કે પ્રતિભાશાળી કલાકારો આ હદે વેડફાવા માટે તૈયાર થાય?

આ ફિલ્મ જોવા કરતાં તો આણંદના આસપાસના ગામોમાંથી ટ્રેક્ટરો ભરીને લક્ષ્મી ટૉકિઝમાં આવતા અનુસૂચિત જાતિ/જનજાતિના લોકો સાથે બેસીને "કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી" જેવી લાઈવ ફિલ્મ જોઈ હોત તો એ અનુભવ વધારે સુખદ બની રહેત. ઉર્દૂ શાયર મીર તકી મીરની એક પ્રખ્યાત ગઝલના મત્લાની પ્રથમ પંક્તિ "ઉલ્ટી હો ગઈ સબ તદબીરેં..... કુછ ના દવાને કામ કિયા..." એને બદલીને કહી શકાય કે "ઊલટી હો ગઈ હેપ્પી ન્યુ યર દેખ કે.....કુછ ના દવા ને કામ કિયા!"

અત્યાર સુધી આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર 123 કરોડ કમાઈ ચૂકી છે એ જોતાં કહી શકાય કે, "જેમ સત્ય બૂટની દોરી બાંધવા ફાંફા મારતું હોય ત્યાં સુધીમાં જૂઠ આખી દુનિયામાં ફરી વળે છે એ જ રીતે વિવેચકો રિવ્યુ લખવાની શરૂઆત કરે એ પહેલાં જ અમુક ફિલ્મો નકરો વકરો રળી લે છે."

Tuesday, October 28, 2014

કસરત : શરીરનો કસ કાઢવામાં રત રહેવાની ક્રિયા

અશ્વગધ્ધા: અશ્વ જેવી દોડવાની શક્તિ અને ગધેડાની જેમ લાત મારવાની શક્તિ આપતી દવા. અશ્વગંધાનું સુધારેલું સંસ્કરણ છે.

ઑક્સિમોરોન (Oxymoron): જે મોરોન (મૂર્ખ વ્યક્તિ)ને બુદ્ધિના ઑક્સિજનની જરૂર હોય તેને ઑક્સિમોરોન કહે છે.

કસરત: બૉડીબિલ્ડર બનવા માટે શરીરનો કસ કાઢવામાં રત રહેવાની ક્રિયા. જીમના સંચાલકો ઊંચી ફી વસૂલીને મૅમ્બરનો કસ કાઢવામાં રત હોય છે.

ઘેરસમજ: ગેરસમજ કરતાં અલગ પરિસ્થિતિ છે. અતાર્કિક ફિલ્મો કે કળાકૃતિઓમાંથી પસાર થતી વખતે સમજ ઘેર ગિરવે મૂકી દેવી પડે તેને ઘેરસમજ કહે છે.

ચોરપર્સન: કોઈ કંપનીના વડા કે અધ્યક્ષને ચેરપર્સન કહેવાય તો ચોરી કરતી વ્યક્તિને ચોરપર્સન કહેવાય?

જનરેશન: જન એટલે કે લોકોને આપવામાં આવતું રેશન.

ઝપ્પીદાસ: જાદુની ઝપ્પી આપવાની શોખીન વ્યક્તિ.

ટ્રાન્સલેશન (Translation): બાળક સ્કૂલનું લેસન કરતી વખતે ટ્રાન્સ (Trance: સમાધિ)માં આવી જાય તેને ટ્રાન્સલેશન કહે છે.

દિગ્ગજ: કોઈપણ વિષયમાં ઊંડું ડિગ (dig) કરવામાં, ખોદવામાં જેનો ગજ વાગતો હોય તેવી વ્યક્તિ. 

નાજનીન: મૃત્યુ પછી જેના જનીન સાચવી રાખવાનું મન થાય એવી અત્યંત ખૂબસૂરત સ્ત્રી.

પપ્પીદાસ: ઈમરાન હાશ્મીની જેમ પપ્પી કરવાની શોખીન વ્યક્તિ.

બોરિંગ ટોન: સાંભળતાં કંટાળો આવે એવો મોબાઈલનો રિંગ ટોન.

મૂર્ધન્ય: ડેમી મૂર જેવી અભિનેત્રીને પામીને ધન્ય બનેલો પુરુષ.

મોડેસ્ટ/લેટેસ્ટ (Modest/Latest): સૌથી મોડાં કે લેટ આવનાર માટેના સમાનાર્થી શબ્દો.

સાપુતારા: અહીં વરસો પહેલાં સાપોના ઉતારા હોવાનું મનાય છે.

Wednesday, October 22, 2014

મોનો ઈમેજ કાવ્યો ભાગ-3

(1)
મફત ભેટસોગાદો માટે
અંગ્રેજી મેગેઝિનોના લવાજમ 
ભરતો એક વાચક પોતે
અંગ્રેજીમાં લખવાના
વિચારો કરવા લાગ્યો

(2)
જાણીતા પણ અણગમતાં
મહેમાનો જેવી
બીમારી
5-7 દિવસ શરીરમાં રહીને
ચાલી જાય છે

(3)
થોર એટલે
ગુલાબના અંગરક્ષક બનવા માટે
ઘસીને ના પાડી દેવા બદલ
રણમાં તડીપાર થવાની
સજા ભોગવતો છોડ!

(4)
સમુદ્રના કિનારા પર
છીપલામાંથી મળી આવી છે
મત્સ્યકન્યાની વપરાયેલી
નેઈલ પૉલિશ અને લિપસ્ટિક

(5)
ફિલ્મની હિરોઈન પર
સ્નાનનું દ્રશ્ય ફિલ્માવવામાં આવે
ત્યારે સ્નાનાગાર 
પણ બની જાય
પ્રેક્ષાગાર!

(6)
ઉપયોગી અને જરૂરી
ઈ-મેઈલ્સ ક્યારેક
સ્પામ ફોલ્ડરમાં ચાલ્યા જાય એમ
એની શક્તિઓ
ખોટા માર્ગે વેડફાઈ રહી છે

(7)
વૃક્ષને કોઈ ભેટવા આવતું નથી
એટલે પાસે ઊભેલાં
બીજા વૃક્ષના જમીનમાં ઊંડા ઉતરેલાં
મૂળિયાં સાથે પોતાના મૂળિયાંથી
એ શેક હેન્ડ કરે છે

(8)
સવારથી સાંજ સુધી
મંદિરમાં દર્શનાર્થીઓ આવીને
કરે ઘંટનાદ
મંદિર બંધ થતાં
પૂજારી બની જાય ઘંટ !

(9)
એક અણઘડ માછલી
દરિયામાં પરસેવો પાડીને
તરતા શીખવાની
તાલીમ લઈ રહી છે

(10)
ફિલ્મી હીરોના
ડુપ્લિકેટ એટલે
અસલી ઘરેણાંની
ઈમિટેશન જ્વેલરી

Tuesday, October 21, 2014

થોડાં વધુ મનમોજી મોનો-ઈમેજ કાવ્યો

(1)
એવી રીતે એણે 
મારો ફોન કાપી નાંખ્યો
જાણે આપઘાત કરવા માટે
કોઈ ધોરી નસ કાપે!

(2)
રાત્રે મારેલા ઉંદરને સવારે
આવેલા તાજા દૂધમાં ક્રશ કરી
એક બિલાડી પીએ છે
નૉન વેજ થિક શેક !

(3)
દુકાનદારો, કારીગરો
બધાને જરૂરી રકમ ચૂકવાઈ ગઈ
દિવાળી પહેલાં જ મારું ભારેખમ 
પાકીટ ડાયેટિંગ કરીને
સ્લિમ થયું

(4)
ધનતેરસે ધનતરસ્યું પાકીટ
પોતાની ભૂખ તરસ ભાંગવા
મારી પાસે
ATMમાંથી
કડકડતી નોટો કઢાવે

(5)
આઈટમ નંબર કરવા
વલવલતી રાખી સાવંતની જેમ
એક નવોદિત પોતાનું પુસ્તક
છપાવવા 
વલખાં મારી રહ્યો છે!

(6)
કાળની કબરમાં દટાયેલી
કૃતિને ખોદી કાઢીને
ઘોરખોદિયા જેવા વિવેચકો
આવી પહોંચ્યા છે
વિવેચન કરવા!

(7)
એક કાગળ બિલોરી કાચને
દોસ્ત માનીને ઝીલે છે
સૂર્યને નાના ટપકાં તરીકે
અને બળીને ખાખ થઈ જવાની
સજા મેળવે છે

(8)
અરેન્જ્ડ મેરેજ એટલે 
સમય થતાં પ્રતીક્ષાના ઝાડ 
નીચે બેઠાં બેઠાં ઝોળીમાં 
આપોઆપ આવી પડેલું 
પક્વ ફળ 

અને 

લવ મેરેજ એટલે 
નિયમો અને પરિણામોની 
ચિંતા કર્યા વગર 
ઝાડ પર ચડવાનું 
જોખમ લઈને તોડેલું ફળ

(9)
આંખમાંથી આંસુઓનું 
ઝરણું ફૂટે છે
થોડે દૂર વહેતી નદી સાથે વહીને
મહાસાગરમાં 
વિલીન થવા માટે!

(10)
સ્કૂલમાં જ્યારે
અઠવાડિયે એક દિવસ
ગણવેશ વિના આવવાની
છૂટ અપાય ત્યારે
બની જાય સૌ બાળકો
રંગબેરંગી પતંગિયાં!

(11)
દિવાળીએ પરાણે કોડિયાં
આપી જતાં અને
આંગણામાં ચોપાનિયા 
નાખી જતાં લોકો
મને ઈનબૉક્સમાં આવેલા
સ્પામ મેઈલ જેવા લાગે છે!

(12)
એક છોકરી મોબાઈલમાં 
ક્યારની મોઢું 
નાંખીને બેઠી છે
તરસ્યું હરણ નદી કિનારે
ડોક નમાવે એમ!

Monday, October 20, 2014

મનમોજી ઉપ્સ....મોનો-ઈમેજ કાવ્યો

ડૉ. મધુભાઈ કોઠારી લિખિત આધુનિક કવિતાનો ચહેરો પુસ્તક હમણાં વાંચવાનું ચાલે છે. એમાં મોનો ઈમેજ કહેવાતાં અને છંદના બંધનથી મુક્ત પાંચ-છ કડીનાં લઘુકાવ્યો વિશે વાંચવાની મોજ પડી. મોનો ઈમેજ કાવ્યોનું સ્ટ્રક્ચર જોતાં એ બૃહદ હાઈકુ અથવા મિનિ અછાંદસ કાવ્ય જેવું લાગે. ગુજરાતીમાં મધુ કોઠારી, રમેશ આચાર્ય, હસમુખ પટેલ, આનંદ મહેતા, ગિરીન જોષી, ભાનુપ્રસાદ પંડ્યા, મફત ઓઝા, આશિત હૈદરાબાદી વગેરે કવિઓએ મોનો ઈમેજ કાવ્યોના અસરકારક પ્રયોગો કર્યા છે. મોનો ઈમેજ કાવ્યોને સમજવા માટે પુસ્તકમાંથી એક પરિચ્છેદ ઉદ્ધૃત કરું છું:

હાઈકુની જેમ મોનો-ઈમેજમાં પણ લાઘવ ઉપર ભાર મૂકાય છે. મોનો-ઈમેજ અછાંદસમાં ઢળાતું હોવાથી કવિ અનિયંત્રિત બની જાય તેવો સંભવ બહુ રહે છે. તેથી સામાન્ય રીતે 5થી 6 કંડિકાઓમાં મોનો-ઈમેજ કાવ્ય રચવાનો ઉપક્રમ હોય છે. હાઈકુની જેમ મોનો-ઈમેજમાં પણ ચિત્રાત્મક શબ્દાવલિ હોય છે. જો કે મોનો-ઈમેજમાં માત્ર દ્રશ્ય-કલ્પનો જ નથી હોતાં, શ્રવણ અને ત્વક્ કલ્પનો પણ હોય છે. દા.ત. માછલી, વૃક્ષ, ફૂલ, મૃગજળ, સૂર્ય વગેરે દ્રશ્યકલ્પનો પર મોનો ઈમેજ રચાયાં છે. તો બરફ, થોર, તડકો જેવા ત્વચાને લગતા મોનો ઈમેજ પણ રચાયાં છે.

કવિ આશિત હૈદરાબાદી બંદૂકમાંથી વછૂટતી ગોળીને કઈ રીતે મોનો ઈમેજ કાવ્યમાં વર્ણવે છે એનું ઉદાહરણ:

ગોળી ઊડીને આવે છે
પરીઓની પાંખે
અને
ઊઘડી જાય છે
અજાણ લોકોના દરવાજા!

નાક વિશે ભાનુપ્રસાદ પંડ્યાનું મોનો ઈમેજ કાવ્ય:

વેંઢારી રહ્યા છે 
સૌથી લાંબુ નાક
એટલે શું પૂજાવિધિમાં
સ્થપાયા છે
અગ્રસ્થાને ગણપતિ?

થોડાંક કાવ્યોમાંથી પસાર થયા બાદ વિવિધ કલ્પનોની છબીઓ મારી નજરમાં આવી અને મેં પણ આવા કાવ્યો લખવાનો પ્રયાસ કર્યો. પ્રસ્તુત છે મારી મનમોજી...ઉપ્સ...મોનો ઈમેજ રચનાઓ:

(1)
રંગ ઊડી ગયેલા
ઘૂંટણે ફાટેલાં જીન્સ જેવા
મારા જીવનને
દુનિયા ફૅશનમાં ખપાવી
વાહવાહ કરે છે!

(2)
કસ્ટમમાં ઝડપાયો છે
સોનેરી કાવ્યોનો જથ્થો
તમે જ કહો
કવિને શું સજા કરીએ?

(3)
સવાર સાંજ બબ્બે કલાક 
મૃગજળનો નિયમિત સપ્લાય
આપે છે મને
ઠાલાં વચનોની નગરપાલિકા

(4)
પાણીથી લથબથ સ્પોન્જ જેવા
વાદળને નીચોવી
સ્વર્ગની બારીના કાચ
લૂછતી અપ્સરા
મેં હમણાં જ જોઈ!

(5)
મહેલની દીવાલોના કાનમાં
ઝીલાયેલો ઇતિહાસ
પૂર્વગ્રહોથી મુક્ત થઈ
નવેસરથી લખાવા ઇચ્છે છે
કોઈ સંનિષ્ઠ અભ્યાસુની કલમે

(6)
સમુદ્રના એક કાંઠેથી
મોજાં દોટ મૂકે છે
સામે કાંઠે રેતીમાં આળોટતી
ઉઘાડી યૌવનાની કાયાને અડીને
આબમાંથી શરાબ બનવાની
રેસમાં !

Thursday, October 16, 2014

"હું, ચંદ્રકાંત બક્ષી" રિટર્ન્સ !

12 ઑક્ટોબર 2014નાં રોજ માદરવતન આણંદમાં ધીરજલાલ શાહ ટાઉનહૉલ ખાતે "હું, ચંદ્રકાંત બક્ષી" નાટકનું મંચન થઈ ગયું. 'બે યાર' ફિલ્મને કારણે પ્રતીક ગાંધીની ખ્યાતિ સર્વત્ર પ્રસરી છે અને હાલમાં આ ફિલ્મ હજી આણંદ આઈનોક્સમાં ચાલી રહી છે એના એક એડવાન્ટેજના કારણે આણંદ જેવા પ્રમાણમાં બિનસાહિત્યિક અને બિનકલાત્મક સ્થળે 270 લોકો નાટક જોવા આવ્યા એ સંપૂર્ણ નહીં તોયે સારી એવી સફળતા ગણી શકાય. એકાદ મહિના અગાઉ જાહેરાત થઈ કે તરત પહેલવહેલું બૂકિંગ મારા તરફથી જ આવ્યું.

ટાઉનહૉલમાં ઠીકઠીક કહી શકાય એટલાં કાર્યક્રમો જોયા છે. અહીં કે.લાલનો સુપર હાઉસફુલ શો જોયો હતો જેમાં ટિકિટ ન મળતાં એક મિત્રને વીલે મોઢે પાછું જવું પડ્યું હતું. અહીં મંગલ જાદુગરનો શો પણ જોયો હતો. મંગલનું પ્રભાવશાળી પરફોર્મન્સ અને ઈમેજ હજી નજર સામે તરવરે છે. અહીં યુથ ફેસ્ટિવલની નાચ-ગાનની ઍક્ટ જોઈ હતી, અહીં 2001ના ભૂકંપ બાદ યોજાયેલ પુરુષોત્તમ ઉપાધ્યાયનો કાર્યક્રમ માણ્યો હતો અને અહીં દામોદાર રામદાસી અભિનિત 'યોદ્ધા સંન્યાસી વિવેકાનંદ' એકાંકી નાટક જોયું હતું.

'વાણિયા પ્રભુના ભાણિયા' જેવા નપાણિયા નાટકો પણ ટાઉનહૉલમાં ભજવાઈ ચૂક્યા છે. અમારા આણંદ-વિદ્યાનગરમાં શાસ્ત્રીય સંગીત સહિતના કોઈપણ ભારેખમ ઊંચા ટેસ્ટવાળા કાર્યક્રમનું આયોજન કરવું એ છીછરા પાણીમાં હોવરક્રાફ્ટ હંકારવા જેવો ઉદ્યમ છે. એ સંજોગોમાં, 'હું, ચંદ્રકાંત બક્ષી' નાટકને મળેલો સારો પ્રતિસાદ આશ્ચર્ય આપી ગયો. કલાકાર પ્રતીક ગાંધીએ બહુ સ્માર્ટ ટિપ્પણી કરી કે 'હું, ચંદ્રકાંત બક્ષી' નાટકને કારણે મને 'બે યાર'માં ભૂમિકા મળી અને હવે 'બે યાર'ને લીધે લોકો મને 'હું, ચંદ્રકાંત બક્ષી'માં જોવા આવે છે. નાટક પૂરું થયા બાદ હું મારી અર્ધાંગિની વિધિ સાથે પ્રતીક ગાંધીને મળવા ગયો ત્યારે એમને મળવા આવેલી કેટલીક કૉલેજીયન છોકરીઓને પ્રતીકભાઈએ પૂછ્યું કે, "તમે લોકોએ બક્ષીબાબુનું કશું વાંચ્યું છે?" ત્યારે છોકરીઓએ હાસ્ય વેરતાં નકારમાં જવાબ આપ્યો એ બતાવે છે કે ખાસ પ્રતીક ગાંધીને જોવાની જિજ્ઞાસા સાથે આવનારો એક વર્ગ હતો.

જુલાઈ 2013માં અમદાવાદના પ્રીતમનગર અખાડામાં રંગમંડલ દ્વારા આ નાટકનું મંચન જોઈ ચૂક્યો છું એટલે મારા માટે ખાસ કંઈ નવું ન હતું, પરંતુ એ વખતે પત્નીની પ્રસૂતિને બે દિવસ જ થયા હોવાથી એ આ નાટક જોવાનું ચૂકી ગઈ હતી. મારા બક્ષીપ્રેમથી કુતૂહલ અનુભવતી પત્નીને નાટક ન જોઈ શક્યાનો વસવસો રહી ગયો હતો અને છેવટે એકાદ વર્ષ બાદ એની ઇચ્છા પૂરી થઈ. અમદાવાદમાં જોયેલા શો વિશે એક બ્લૉગ પોસ્ટ પણ લખી હતી જેની લિંક આ રહી: http://mehtanehal.blogspot.in/2013/07/blog-post_23.html

હમશહર મિત્ર અને આણંદના સરદાર ગુર્જરી અખબારમાં 'મનોગ્રામ' કૉલમ લખતાં મેઘા જોશી, ચિત્રકાર કનુભાઈ પટેલ, કવિ જયેન્દ્ર શેખડીવાળા વગેરે હાજર રહ્યા હતાં. લેખક-દિગ્દર્શક શિશિર રામાવત અને મનોજ જોશી દેખાયા નહીં. નાટક દરમિયાન ક્યાંક ક્યાંક ખોટી જગ્યાએ હસતાં અને તાળીઓ પાડતાં પ્રેક્ષકો બક્ષીબાબુ જેવી વિરાટ પ્રતિભા અંગે અજ્ઞાન અને અણસમજ પ્રગટ કરતાં હોય એવું લાગ્યું. નેવરધલેસ, સમગ્રતયા જહેમતપૂર્વકનાં સુંદર આયોજન બદલ મિત્ર ભગીરથ જોગિયા અને દેવ કરંગિયાને અભિનંદન !

Friday, October 10, 2014

નિસર્ગલીલા અનંત : જયેન્દ્ર ત્રિવેદીનો સંસ્મરણાત્મક નિબંધ સંગ્રહ

આ બ્લૉગ નિયમિત વાંચતા હશો તો 14 સપ્ટેમ્બર 2014નાં રોજ સૌરભ શાહના નિબંધ સંગ્રહો વિશે એક પોસ્ટ લખી હતી એમાં જયેન્દ્ર ત્રિવેદીના સંસ્મરણાત્મક નિબંધ સંગ્રહ નિસર્ગલીલા અનંતની એમણે કરેલી પ્રશંસાનો ઉલ્લેખ હતો અને એ મંગાવવા માટેની લિંક આપી હતી એ યાદ હશે. એકાદ મહિના પહેલાં મંગાવેલો આ સંગ્રહ આજે સવારે વહેલા જાગીને વાંચ્યો અને બપોર સુધીમાં પૂરો કર્યો. સૌપ્રથમ તો આવા અદભુત પુસ્તકનો રેફરન્સ આપવા બદલ સૌરભ શાહનો જેટલો આભાર માનીએ એટલો ઓછો.

ભાવનગરમાં આંબાવાડી વિસ્તારમાં પંદરસો વારના જમીનના ટુકડા પર આવેલા લેખકના મકાનનું નામ 'નિસર્ગ' છે અને નિસર્ગલીલા અનંત એટલે આ નૈસર્ગિક આવાસના આસપાસના વાતાવરણ સાથેના ચૈતસિક સંબંધની અનુભૂતિ કરાવતું અને વાચનના દરેક રસિકે અચૂકપણે વાંચવા જેવું પુસ્તક. નેવુંના દાયકામાં નવનીત સમર્પણમાં આ લેખશ્રેણી પ્રકાશિત થઈ હતી. 

નિસર્ગલીલા અનંતમાં શું છે? અહીં ખિસકોલી બહેન સાથે કોબ્રાલાલનું સહઅસ્તિત્વ છે, પર્ણો અને વૃક્ષ વચ્ચેનો સંવાદ છે, ચુસ્ત નાઝી સૈનિક સાથે સરખાવવામાં આવેલા મંકોડા છે, વીંછી કરડ્યાની વેદનાનું રોચક વર્ણન છે, કીડીઓ પર એક મસ્ત વિસ્તારપૂર્વકનું પ્રકરણ છે, વનસ્પતિઓ-ઔષધિઓના ઉલ્લેખો છે, પર્ણોનું અધ્યયન કરવા માટેના દુર્લભ પુસ્તકનો રેફરન્સ છે, નવનીત સમર્પણમાં કીડી વિશે લેખ લખવાથી પોતાની સિનિયોરીટી જોખમાતાં ગુસ્સે ભરાયેલાં મંકોડાએ લેખકને ચટકો ભરીને ટીપું લોહી કાઢ્યું એનો હળવી શૈલીમાં લખાયેલો મસ્ત લેખ છે, વિવિધ પક્ષીઓના ગાન પરનો એક લેખ છે, બે-ચાર ઢેલને લઈને નિસર્ગમાં ચણવાં આવી જતાં મયૂર મહારાજ છે, ગાય અને બુલબુલના આઈ.ક્યુ.ની સરખામણી કરતો રમૂજી પ્રસંગ છે, સરગવા પર રહીને શુદ્ધ શાકાહારી વૈષ્ણવજન લાગતી ખિસકોલી છે તો ફૂદાંઓને ચાંઉ કરી જઈને જુગુપ્સા જન્માવતી ગરોળી પણ છે.

દરેક પ્રકરણમાં લેખની વચ્ચે વચ્ચે વિવિધ કવિઓની ભાવોચિત પંક્તિઓ વાચનને વધુ રસપ્રદ બનાવે છે. જેમ કે, લાભશંકર રાવળ, આદિલ મન્સૂરી, સુમિત્રાનંદન પંત, સૂરદાસ, પ્રહલાદ પારેખ, આધુનિક હિન્દી કવિ દેવ, નરસિંહ મહેતા, નીનુ મજુમદાર, માખનલાલ ચતુર્વેદી, મકરન્દ દવે, દેવજી મોઢા, હરિવંશરાય બચ્ચન. તો હિન્દીના પ્રયોગશીલ વાર્તાકાર જૈનેન્દ્રકુમારની 'તત્સત' વાર્તા મરવીન સ્કીપરની મીટિંગ પૂલની યાદ અપાવે છે જેના વિશે જય વસાવડાએ એક અલાયદો લેખ લખ્યા બાદ તરત લોકમિલાપ પ્રકાશને "તળાવડીને આરે" નામે એનો સંક્ષિપ્ત ભાવાનુવાદ પ્રગટ કર્યો હતો.  

કુલ પૃષ્ઠ સંખ્યા: 92, પ્રાપ્તિસ્થાન: http://imusti.com/#!/books/book/6437/Nisargleela-Anant

હંમેશની આદત મુજબ પુસ્તકમાંથી ગમેલાં લખાણનો શક્ય એટલો ટૂંકમાં આસ્વાદ કરાવીને રજા લઈશ:

(1) વીંછી કરડવાની વેદના:

મને નાનપણમાં બે વાર વીંછી કરડ્યા છે. કાળી વેદના થાય. પિતાજીની દવા તરત રાહત આપે. વારતહેવારે આંગણામાં રાસડા લેવાય તેમાં 'હંબો હંબો વિછુડો'નું લોકગીત જામે. 'લાકડાં વીણવા ગઈ'તી ને વિંછુડે ચટકાવી, હંબો હંબો વિંછુડો.' પછી વીંછીનું ઝેર ઊતરે જ નહીં. સસરો આવે, જેઠ આવે, દિયર આવે પણ ઝેર ન ઊતરે અને 'પરણ્યો' આવે કે પટ દઈને ઊતરી જાય! જાતીય સભાનપણું એ વયે વિકસેલું નહીં એટલે વિંછુડો એ શેનું પ્રતીક છે એની ગતાગમ પણ ન પડે. પણ ઢાળ યાદ રહી જાય અને વીંછી કરડ્યાની વેદના સ્વાનુભવની એટલે પીડાની વાત સમજાય પણ આ પીડા 'પરણ્યા'ના આવવાથી શમે તે સમજાય નહીં. મને તો બાપુજીના મલમથી જ પીડા શમી જતી! આમ નિસર્ગ સાથે જ બાળપણ વીત્યું, કૌમાર્ય વીત્યું અને યૌવન જામ્યું અને સાહિત્યશોખ વિકસ્યો અને 16, રેલવે દવાઘર, ભાવનગર પરાથી રવાના થયેલા લેખો, વાર્તા વગેરે 'ફૂલછાબ' કે 'જીવનપ્રકાશ' કે એવાં સામયિકોમાં છપાવા માંડ્યાં એટલે છપાવવાનો વિંછુડો કરડ્યો જેની પીડા આજ સુધી ભોગવું છું. (પાન નં. 14)

(2) સુરેશ જોષી વિશે:

સુરેશ જોષી વારંવાર કહેતા કે જેમ ઘો મરવાની થાય ત્યારે વાઘરી વાડે જાય તેમ કવિતા મરવાની થાય ત્યારે પાઠ્યપુસ્તકમાં પસંદગી પામે! સુરેશ જોષી મારી માનીતી વ્યક્તિ હતા. તેમને પણ 'નિસર્ગ' પ્રિય હતું. નિસર્ગમાં બેઠાં બેઠાં મેં તેમની સાથે ખૂબ ગોષ્ઠીઓ, ક્યારેક તો ખૂબ અંગત ગણાય તેવી ગોષ્ઠીઓ - તેમના ગમા-અણગમાની તેજ ધારને સ્પર્શતી ગોષ્ઠીઓ કરી છે. પણ પ્રભુ તેમના આત્માને શાંતિ આપે, કવિતા વિષેનું તેમનું વિધાન તેમના ઘણાં આત્યંતિક વિધાનો જેવું જ લાગ્યું છે. મારો તો અનુભવ છે કે કવિતા વર્ગમાં ભણાવાય ત્યારે તે પાઠ્યપુસ્તકમાંથી બહાર નીકળી વર્ગને ખરેખર સ્વર્ગ બનાવે છે. એમાંય જ્યારે કવિએ જે ક્ષણે કવિતા લખી હોય તે ક્ષણ સાથે અધ્યાપકની વેવ-લેન્થ જોડાઈ જાય ત્યારે તો જનાન્તિકે જનાન્તિકે રહેતું નથી અને વિદ્યાર્થી અને અધ્યાપક કોઈ અન્ય લોકમાં ખોવાઈ જાય છે. (પાન નં. 16) 

નોંધ: સુરેશ જોષીની કવિતા વિશેની વાતથી બક્ષીબાબુની પેલી વાત યાદ આવી કે ખરાબ, વાસી, સડેલું લખાણ ગુજરાતી સાહિત્યના ઈનામોને લાયક થઈ જાય છે? 

(3) શિક્ષણપદ્ધત્તિ વિશે:

જડ લાકડા પર બેઠેલ ચેતનવંતા બાળકોના દિમાગને જડ શિક્ષણપદ્ધત્તિથી ભણાવતાં ભણાવતાં ઉજ્જડ બનાવી દેતા ભારતીય પગારખાઉ શિક્ષકોને માની છાતીએ દૂધ ચડે તેમ ભણાવવાનું પોરસ ચડે એવી પરિસ્થિતિ પેદા શું શું કરવું જોઈએ! વાલી-વિદ્યાર્થી-શિક્ષકનો ત્રિકોણ સમત્રિબાહુ બને તો શિક્ષણના ઘણા પ્રશ્નો ઉકલે. કોઈ અંગ્રેજ શિક્ષકોએ 'Kid stuff' - a rock opera' નામે રચેલી કવિતાની પંક્તિઓ વાંચો:

"we are locked into desks in a dull routine,
we learn to function as a spoon-fed machine!
we are all neatly numbered, and we are put into a mould,
knowledge is product that is packaged and sold
school is such a bore and they are building more!"

(4) ઈશુ ખ્રિસ્ત અને મહાવીર:

કહે છે કે ઈશુ ખ્રિસ્તનો બાપદાદાનો ધંધો સુતારનો હતો તે એક સુતારે બનાવેલ ક્રોસ પોતે જ ઉપાડવો પડ્યો અને સુતારના ભાઈબંધ લુહારે બનાવેલા ખીલા ખાવા પડ્યા. ભગવાન મહાવીરે કાનમાં ખીલા ખાધેલા અને ઈશુએ હથેળીમાં! (પાન: 26)

(5) બ્યુટી પાર્લર:

હૉટેલ-રેસ્ટોરાંની જેમ જ ગલીએ ગલીએ શહેરોમાં બ્યુટી-પાર્લરો ખૂલવા માંડ્યા છે. બ્યુટીની પરિભાષા હંમેશા પરિવર્તનશીલ રહી છે. મારા એક પરિચિતની પુત્રીના લગ્નમાં હું ગયેલો. 'કન્યા પધરાવો સાવધાન'ની બૂમો પડવા છતાં કન્યાકુમારી મંડપમાં ન પધાર્યાં ત્યારે સ્વજનોને ઘડીભર ચિંતા થઈ ગઈ. કોઈના પ્રેમમાં પડીને કન્યાએ હિન્દી ફિલ્મની નાયિકાનું અનુકરણ તો નહીં કર્યું હોય ને એવી ચિંતા પણ વરપક્ષના લોકો કરવા માંડ્યા; પણ પછી ઘટસ્ફોટ થયો કે બ્યુટી-પાર્લરમાં ક્યૂ હતી એટલે વારો મોડો આવ્યો છે અને હવે થોડી વારમાં જ કન્યાની પધરામણી થશે. હવેથી કંકોત્રીઓમાં મંડપમુહૂર્ત, ગ્રહશાંતિ, હસ્તમેળાપ વગેરેના સમય લખ્યા હોય છે, તેમ બ્યુટી-પાર્લરમાં જવાનું મુહૂર્ત પણ લખાવું જોઈએ; જેથી મોડુંવહેલું થાય તો વડીલોનું બ્લડ-પ્રેશર વધી ન જાય અને સાજનમાજનને શરબતનો એક ગ્લાસ વધુ પીવા મળે. (પાન:30) 

(6) વૃક્ષના પાંદડાં:

આપણી આસપાસનું વનસ્પતિ જગત પાંદડાંઓથી ભરેલું છે. માણસને ફળ-ફૂલમાં જેટલો રસ છે તેટલો દુર્ભાગ્યે પાંદડાંમાં નથી. વૃક્ષ પર પાંદડાં પણ શોભતાં હોય છે. એના રંગ, રૂપ, આકારમાં અજબગજબની વિવિધતા છે. માણસ કરતાંયે પશુજગતનો તો મુખ્ય આહાર જ પાંદડાં છે. કમળનું ફૂલ સુંદર છે પણ એનું પાન ઓછું સુંદર નથી. એક વાર સ્વ. રાષ્ટ્રકવિ મૈથિલિશરણ ગુપ્તને કોઈએ પૂછ્યું, કે 'આપની લાખો પંક્તિઓમાં સ્મરણીય તો માત્ર સેંકડો જ છે. આવું કેમ?' તેમણે લાક્ષણિક જવાબ આપેલો કે, 'વૃક્ષ પર પાન વધુ હોય છે અને ફળફૂલ ઓછાં પણ ફળફૂલ માટે પાન પણ જરૂરી છે.' (પાન: 38)

(7) લોહીનું દબાણ:

લોકો ભલે સહાનુભૂતિપૂર્વક જ્યારે એવો પ્રશ્ન કરે છે કે લોહીનું દબાણ ઊંચું રહે છે કે નીચું ત્યારે મને કોણ જાણે કેમ અપમાન જેવું લાગે છે. જવાબ ફટકારવાનું મન થાય છે કે 'ભાઈ મારા, જિન્દગીમાં કોઈ વાત નીચી રાખી નથી તે હવે લોહીનું દબાણ નીચું રાખું?' આમ તો ઘણી વાતમાં લૉ પ્રોફાઈલ રાખવી ગમે છે પણ લોહીના દબાણમાં તો બસ 'હાઈ' જ જોઈએ. હાઈ, હાયર અને સ્ટીલ હાયરનો મુદ્રાલેખ જો કે હું લોહીના દબાણ બાબત રાખતો નથી. માત્ર 'હાઈ'થી સંતોષ માનું છું. જેમ 'બૉમ્બે હાઈ' શબ્દથી આપણે પરિચિત છીએ, 'બૉમ્બે હાયર' કે 'બૉમ્બે હાયેસ્ટ' શબ્દો પ્રચલિત થયા નથી. તો જો મુંબઈ જેવું મુંબઈ માત્ર 'હાઈ'થી સંતુષ્ટ હોય તો મારી જેવા નગણ્યને 'હાયર' તરફ જવાનું કેમ પાલવે? (પાન: 42)

(8) રજત, સુવર્ણ અને હીરક જયંતિઓ:

માણસ સોના-ચાંદી, જર-ઝવેરાતનો કેવો ગુલામ છે! સંસ્થા પચીસ વર્ષે રજતજયંતી ઊજવે, પચાસ વર્ષે સુવર્ણ જયંતી, સાઠ વર્ષે હીરક મહોત્સવ અને પંચોતેર વર્ષે પ્લેટિનમ. માણસને પંચોતેર વર્ષ થાય ત્યારે વળી 'અમૃત મહોત્સવ' ઉજવાય. મૃત્યુની નજીક પહોંચવાનું આવે ત્યારે જ 'અમૃત' મહોત્સવ ઉજવાય ને? રજત-સુવર્ણ, હીરા-પ્લેટિનમ એવાં માપિયાને બદલી ન શકાય? (પાન:47)

(9) પંખીઓ, ટાગોર અને ગાંધી:

ટાગોરે જ્યારે લખ્યું કે આ વહેલી સવારે ગીતો ગાતાં ગાતાં ઊડતાં પંખીઓ નક્કી પ્રેમનું જ ગીત ગાતાં હોવા જોઈએ. ત્યારે હળવેકથી ગાંધીએ ટકોર કરી કે વીતેલા દિવસે સારી ચણ મળી હોય અને પેટ ભર્યા પછીની નિંદર માણી હોય તો એ ગીત પ્રેમનું હોય; નહીં તો કદાચ એ ભૂખની ચીસ પણ હોઈ શકે. 'હરિજન'માં ગાંધીની ટકોર વાંચીને 'મૉર્ડન રિવ્યૂ'માં ટાગોરે વાત કબૂલ રાખી પણ ઉમેર્યું કે પંખીને પોતાની ચણ શોધી લેવાની શક્તિ કુદરતે આપી છે, માણસે પોતે જ માણસ ભૂખ્યો રહે એવી સમાજવ્યવસ્થા ગોઠવી છે. બન્ને મહાનુભાવો પોતપોતાની રીતે સાવ સાચા હતા. (પાન:51)

(10) મયૂર મહારાજ અને કેકારવનો સૂર:

આંબાવાડી વિસ્તારમાં મોરની વસ્તી સારા પ્રમાણમાં છે એટલે ચિન્મયકુમારને તો મજા આવી ગઈ. ગમે ત્યારે આ મયૂર પરિવાર પાણી પીવા કે કૂણા કૂણા અંકુર ખાવા કે શિંગના દાણા નાખીએ તો લહેરથી ચણવા આવી જાય છે. એમને ચણતાં જોઈને ચિન્મયની આંખોમાં જે ચમક આવે છે એ ચમક સદાશિવ અમરાપુરકરની આંખો સિવાય મેં ક્યાંય જોઈ નથી. તે પોતાની અભિનયકલાનો પચાસ ટકા અંશ તો પોતાની આંખોની ચમક દ્વારા જ દેખાડે છે. આ મોર પરિવાર ક્યારેક અર્ધી રાતે ટેંહુક ટેંહુક કરવા માંડે છે. કવિ જ્યારે કહે છે કે, 'મેં તો મધરાતે સાંભળ્યો'તો મોર.' ત્યારે એ સત્ય જ કહે છે. ક્યારેક મધરાતે કોઈ મોરની ઊંઘ ઊડી જાય તો એના કેકારવનો સૂર વિલંબિતને બદલે સીધો દ્રૂતમાં રજૂ કરી દે. ક્યારેક અનિદ્રાનો શિકાર બનતાં આ મયૂર-મયૂરીને ઊંઘવા માટે વેલિયમ ફાઈવની ટીકડીઓ ચણવા કોણ આપે? (પાન: 57)

(11) શકુંતલાના વિરોધાભાસી મનોભાવો:

જોતજોતામાં ખોળો ખૂંદનારી બાલિકા કેવી સૂક્ષ્મ રીતે કોઈના ઘરની વધૂ બનવાયોગ્ય બની ગઈ! શરીર વિકસતું તો નરી આંખે જોઈ શકાય છે પણ મનને વિકસતું કોણ જોઈ શકે છે? અચાનક વહાલસોઈ દીકરી કહી ઊઠે કે, 'મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ!' ત્યારે જ મા-બાપને ખ્યાલ આવે છે કે આ કળી તો વિકસી ગઈ! એક બાજુ 'મેરે તો ગિરધર ગોપાલ' અને બીજી બાજુ 'બાબુલ મોરા, નૈહર ન છૂટ્યો જાય!' આ બે અતિ તીવ્ર ભાવોનું તુમુલ યુદ્ધ પ્રત્યેક શકુંતલાને કણ્વનો આશ્રમ છોડતી વેળા થતું હોય છે!  (પાન: 68)

(12) ઉનાળાનો સૂરજ અને નદીની સાડી:

દાદીમા મને સમજાવતાં કે સૂરજ બે છે. શિયાળાનો સૂરજ નરમ અને ભલો હોય છે. ઉનાળાનો સૂરજ જાલીમ અને ક્રૂર હોય છે. ઉનાળાનો સૂરજ રોજ રોજ નદીની સાડી ખેંચવા લાગે છે અને સાડી સાવ ખેંચાઈ જાય ત્યારે નદી બિચારી શરમની મારી જમીનમાં સંતાઈ જાય છે. (સીતામાતાઓને ધરતીનો જ આશ્રય માંગતાં રહેવો પડશે શું? સૌરાષ્ટ્ર-કચ્છની નદીઓની લાજ ઢાંકવા એની મોટેરી નર્મદા જેવી બહેનો નહીં આવે શું?) (પાન: 71)

(13) ખરીદીનો ઉત્સાહ અને પાકીટનો અંકુશ:

નિસર્ગવાસીઓની એક નબળાઈ છે. બજારમાં નીકળે ત્યારે વેચાતી બધી વસ્તુઓ ખરીદવાનો અદમ્ય ઉત્સાહ તેમને ઘેરી વળે છે. તેમના મનમાં એ વખતે એવો કરુણાભાવ જાગે છે કે જો આપણે ખરીદી નહીં કરીએ તો બજારનું શું થશે? દુકાન માંડીને બેઠેલા વેપારીઓનું ભરણપોષણ કેવી રીતે થશે? સદભાગ્યે અમારા ઉત્સાહ પર ખિસ્સાના પાકીટનો કે હાથના પર્સનો અંકુશ હોય છે તેમ છતાં જે કાંઈ હોય તે વાપરી નાખવાની અલૌકિક પ્રેરણાને વશ થઈ જવાનું અમારા માટે સુલભ છે. (પાન:73)

(14) જીવનનું સત્ય અને વ્યાકરણનું સત્ય:

'ટુ હેવ' ને દુનિયા 'ટુ બી' કરતાં વધુ અગત્યનું ક્રિયાપદ સમજે છે તેવો ખ્યાલ પણ અમને આપવામાં આવ્યો ન હતો અને કાંઈ પણ કર્યા વગર માત્ર મૂડીના જોરે વધુ ને વધુ મૂડી ખેંચી લાવીને 'હેવ'ને 'હેવ મોર'માં ફેરવી નાખવાની રમત રમનારા આ દુનિયામાં હુશિયાર ગણાય છે તેનું જ્ઞાન પણ અમને બહુ મોડું થયું. એમાંય 'કાળ' બદલોના પાઠ આવતા ત્યારે અમને ખરેખર કાળ ચડતો. હાઈસ્કૂલના એક શિક્ષકે જ્યારે વર્ગમાં પૂછ્યું કે 'હું જુવાન છું' વાક્યમાં કયો કાળ વપરાયો છે ત્યારે એક વિદ્યાર્થીએ જવાબ આપેલો કે, 'સર, તે ભૂતકાળનું વાક્ય છે.' ત્યારે વૃદ્ધ સરે તેનો જવાબ ખોટો આપેલો. ત્યારથી અમને ખ્યાલ આવી ગયેલો કે જીવનનું સત્ય એ વ્યાકરણનું સત્ય નથી. (પાન:74)

Sunday, October 5, 2014

હાફ ગર્લફ્રેન્ડ - ફુલ સેટિસ્ફેક્શન !!

છેલ્લે કોઈ કળાકૃતિમાંથી પસાર થયા બાદ ધ્રુસકે ને ધ્રુસકે રડવાનું બન્યું હોય એ ફિલ્મ "પાનસિંહ તોમર" હતી. ઘણાં સમય બાદ આ જ અનુભૂતિ ચેતન ભગતની લેટેસ્ટ નવલકથા "હાફ ગર્લફ્રેન્ડ"માંથી પસાર થતાં થઈ. આપણે ત્યાં અર્ધાંગિનીનો કન્સેપ્ટ છે પણ હાફ ગર્લફ્રેન્ડનો નવતર કન્સેપ્ટ ચેતન ભગત પહેલી વાર લાવ્યા છે. પૂરી ગર્લફ્રેંન્ડ મેળવતાં ઘણાંને "હાંફ" ચડી જાય છે. અહીં હાફની વાત છે. હાફ ગર્લફ્રેન્ડ એટલે પૂરેપૂરા કમિટમેન્ટ વિના, અધકચરા દિલથી, કોઈ સ્યૉરિટી વિના અનિશ્ચિતતા અને મૂંઝવણ વચ્ચે ઝોલા ખાતી અને ખવડાવતી ગર્લફ્રેન્ડ એવો અર્થ કરી શકાય. ટાઈટલ પહેલી નજરે જેટલું ચીપ લાગેલું એનાથી અનેકગણું ઊંડાણ વાર્તામાંથી પસાર થતાં અનુભવાયું. શુક્રવારે સવારે શરૂ કરેલી નવલકથા આજે શનિવારે મોડી રાત્રે પૂરી કરી. બક્ષી કહેતા કે વાચક બોરીવલીથી મોંમાં પાન મૂકીને ટ્રેનમાં નૉવેલ શરૂ કરે અને ચર્ચગેટ ઉપર નૉવેલ પૂરી થાય ત્યારે પાન પૂરું થાય તેને 'નૉવેલ' કહેવાય ! જો કે, ચેતન ભગતની નૉવેલ એટલી ઝડપથી પૂરી થઈ શકે એમ ન હોઈ પાનનાં એકથી વધારે બીડાં સ્ટૉકમાં હાજર રાખવા પડે અને પછી નૉવેલ પૂરી કરવાનું બીડું ઝડપવું પડે !નવલકથામાં સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં અલગ અલગ વિષય છતાં બાસ્કેટબૉલની કૉમન રૂચિને કારણે પરિચયમાં આવતા છોકરા છોકરી મને 'કુછ કુછ હોતા હૈ'ના રાહુલ-અંજલિની યાદ અપાવે છે તો બિહારના એક ગ્રામીણ વિસ્તારમાં જેને રિનોવેશનની તાતી જરૂરિયાત છે એવી એક શાળા માટે બિલ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા મળનારા સંભવિત અનુદાનની આશાએ નવલકથાનો નાયક બિલ ગેટ્સની હાજરીમાં જે સ્પીચ આપે છે એ 'બિલ્લૂ' ફિલ્મમાં એક શાળામાં શાહરૂખની ભાવુક કરી દેતી સ્પીચની યાદ અપાવે છે. અંગ્રેજી બહુ ખાસ ન આવડતું હોવાને કારણે અસલામતી અનુભવતાં બિહારી છોકરા સાથે આપણા ગુજરાતનાં ઘણાંખરાં છોકરાઓ તાદાત્મ્ય અનુભવી શકશે.

અમિતાવ ઘોષ અને સલમાન રશદી જેવા લેખકોની કક્ષાએ ભલે ચેતન ભગતની નવલકથાઓને મૂકવામાં ન આવે પણ અત્યાર સુધી એની તમામ છ નવલકથામાંથી પસાર થતાં એની બધી કૃતિઓમાંથી સ્ત્રીના આંતરમનમાં ડોકિયું કરીને લખાયેલાં વેધક, માર્મિક અવલોકનો આબાદ ઝીલાયા હોય એવું લાગે છે. આ નવલકથા પણ એમાંથી અપવાદ નથી. નિરાશાજનક અને કરૂણ પ્રસંગોમાં પણ હ્યુમરનો અંડરકરંટ ઠેકઠેકાણે વહે છે. અગાઉ લખ્યું એમ આ બધી નવલકથાઓમાંથી સ્ત્રીના માનસ વિશેના ક્વોટ્સ અલગ તારવીને એક અલગ સંપાદન કરવામાં આવે તો "અન્ડરસ્ટેન્ડિંગ વુમન" જેવો કાલ્પનિક મહાદળદાર અને આખેઆખી લાયબ્રેરી રોકી શકે એવો ગ્રંથ લખવાની જરૂરિયાત ટળી જાય અને સ્ત્રીના વિકટ અને જટિલ મનને સમજવા માટે ચેતન ભગતના ક્વોટ્સનું આ સંપાદન એક પથદર્શકની ગરજ સારે.

નવલકથામાં કેટલાં અદભુત અવલોકનો વેરાયેલાં પડ્યાં છે એ જોવા માટે થોડાં નમૂના કાફી થઈ રહેશે:

- છોકરી તમને એના લગ્નનું કાર્ડ આપે એ મોટા અક્ષરે વિડિયો ગેમમાં ઝબૂકતી "ગેમ ઓવર"ની સાઈન જેવું લાગે છે.
- ગર્લફ્રેન્ડ જીવનમાં આવતી જતી રહે છે પરંતુ મા ક્યારેય એના પુત્ર સાથે બ્રેક-અપ કરતી નથી એ સારું છે. (ગર્લફ્રેન્ડ કુ-ગર્લફ્રેન્ડ થાય પણ માવતર કમાવતર ન થાય! :P)
- છોકરીનો પરસેવો પણ પરફ્યુમ જેવો હોય છે. (બેફામનો એક શેર યાદ આવ્યો: એના ઘરનાં ફૂલો તો શું?/ એના ઘરનું ઘાસ પણ સુગંધી!)

બ્રેક અપ કરનાર છોકરીના અવાજની ઠંડી ઉદાસીનતાની દિલ્હીની ધુમ્મસવાળી રાતની ઠંડી સાથે અદભુત સરખામણી કરવામાં આવી છે.

પ્રેમમાં નિષ્ફળતા મળતાં ટીલાં-ટપકાં કરીને ભગત ચોક્કસ બની શકાય, પણ વાચકોને પ્રેમની દાસ્તાન કહીને જકડી રાખતાં ચેતન ભગત બનવા માટે અંગ્રેજી પરનો કમાંડ હોવો જ પૂરતો નથી, એ માટે આસપાસના વાતાવરણમાંથી અનુભૂતિને સૂક્ષ્મતાથી ઝીલતાં દિલ-દિમાગનાં 'કમાડ' પણ ખુલ્લાં રાખવા એટલા જ જરૂરી છે. બહુ જ જૂજ જગ્યાઓએ આવતાં બે-ચાર હિન્દી/ભોજપુરી શબ્દ-વાક્યપ્રયોગો કૃતિમાં આડખીલી બનવાને બદલે સળંગ કથારસ સાથે એકરસ થઈને કૃતિને ઉપકારક નીવડે છે. બાકી તો, લેખક-વાચક રાજી તો ક્યા કરેગા વિવેચક કાજી?

Wednesday, October 1, 2014

બૉય છે આ બૉય છે?

બીમાર ફલકને આજે ચિલ્ડ્રન્સ હૉસ્પિટલમાં બતાવવા માટે લઈ ગયા હતાં, ત્યારે એક નર્સ એને શરૂઆતમાં છોકરી સમજ્યા પછી હકીકત જાણ્યા બાદ એને જોઈને પ્રેમથી બોલ્યાં, "બૉય છે, આ બૉય છે?" આ એક વાક્ય પરથી એક નાની રચના સૂઝી એ પ્રસ્તુત છે:

બૉય છે, આ બૉય છે?
લોકોને રમવાનું ટૉય છે?

હરખનો તું ઉત્સવ છે કે
મા-બાપની હાયવોય છે?

ફૂલ સમ કોમળ સ્પર્શ છે કે
ત્વચાને ચુભતી સોય છે?

પળોજણ તો છે ઉછેરમાં,
પણ આમ જિંદગીનો જૉય છે!

સંસાર કેરી માયાજાળમાં
તું કોઈ પ્લૉટ છે કે પ્લૉય છે?

કૂકરની સીટીથી ડરે છે કે
ચોરને ભગાવતો સિપોય છે?

બૉય છે, આ બૉય છે?
લોકોને રમવાનું ટૉય છે?