Sunday, August 17, 2014

ચંદ્રકાંત બક્ષીના પ્રાપ્ય-અપ્રાપ્ય પુસ્તકો વિશે થોડુંક...

કોઈ ગાયકે આજીવન ગાયેલા ગીતો કે કોઈ અભિનેતાએ આજીવન કરેલી ફિલ્મોનો ચોક્કસ આંકડો નક્કી કરવામાં દુવિધા થતી હોય એ પ્રકારની સ્થિતિ ચંદ્રકાંત બક્ષીના પ્રગટ થયેલા કુલ પુસ્તકો અને ખરેખર પ્રાપ્ય હોય એવા પુસ્તકોની ચોક્કસ સંખ્યા નક્કી કરતી વખતે થતી હોય છે.

નવલકથાઓ, વાર્તાસંગ્રહો, આત્મકથા તથા અલગ અલગ શ્રેણીઓ હેઠળ પ્રકાશિત થયેલાં લેખસંગ્રહો, સંસ્મરણો, પ્રવાસ વર્ણનો વગેરેની સંખ્યા ગણીને એક ચોક્કસ આંકડા પર આવવાની કોશિશ કરી રહ્યો છું. આજથી દાયકા પહેલાં મેં અમદાવાદમાં બુકશેલ્ફમાંથી બક્ષીસાહેબના ઘણાંખરાં પુસ્તકો ખરીદી લીધેલાં, એટલે એમાંથી અત્યારે કેટલાં પ્રાપ્ય છે એ ખ્યાલ નથી, પરંતુ મારા સંગ્રહમાં હોય એ બધા પુસ્તકોના આધારે પ્રાપ્ય પુસ્તકોની સંખ્યા જોઈએ.

26 નવલકથાઓમાંથી 'યાત્રાનો અંત' એ અનુવાદ ગણાવવામાં આવે છે અને આજ સુધી એ પુસ્તક ક્યાંય નજરે ચડ્યું નથી. જાતકકથા, આકાશે કહ્યું અને વંશ જેવી નવલકથાઓ બક્ષીપ્રેમી મિત્ર મૌલિકા દેરાસરીએ સુરતની લાયબ્રેરીમાંથી લાવી આપી જેની મેં તરત ઝેરોક્સ કરીને સ્પાયરલ બાઈન્ડિંગ કરાવીને મૂળ પુસ્તકો પરત કર્યા હતાં. એટલે કુલ નવલકથાઓ 25 છે.

વાર્તાસંગ્રહોમાં કેટલીક અમેરિકન વાર્તાઓ, બક્ષીની કેટલીક વાર્તાઓ, આજની સોવિયેત વાર્તાઓ, 139 વાર્તાઓ ભાગ-1 અને 2 તથા છેલ્લે 2003માં પ્રકટ થયેલી બક્ષીની વાર્તાઓ મળતી નથી. જ્યુથિકા અને પરાજય એવા બે નાટક એમણે લખ્યા છે, એમાંથી કોઈ નાટક મળતું નથી. જીવનવૃતાંતમાં બિપિન આશર અને દક્ષેશ ઠાકરે બક્ષીના સાહિત્ય વિશે લખેલા શોધનિબંધો અપ્રાપ્ય છે. અન્ય ભાષામાં અનૂદિત પુસ્તકોમાં મરાઠી, કન્નડ ભાષામાં આપણને રસ ન હોય એ સ્વાભાવિક છે, પરંતુ હિન્દી અને અંગ્રેજીમાં અનૂદિત થયેલી કૃતિઓમાંથી સરલા જગમોહને કરેલાં લીલી નસોમાં પાનખરના અંગ્રેજી અનુવાદ Lost Illusions સિવાય મને કશું મળ્યું નથી. બક્ષીબાબુનો બીજો એક અનુવાદ 'સુખી હોવું' પણ અપ્રાપ્ય છે. ઇતિહાસ/સંસ્કૃતિ શ્રેણીના પુસ્તકોમાં મેસોપોટેમિયા, ગ્રીસ, ચીન, યહૂદી, ઈજિપ્ત, રોમન વગેરે દરેક સંસ્કૃતિ પરના અલગ અલગ પુસ્તકો મળતાં નથી. પિકનિક, વાતાયન, સ્પીડબ્રેકર અને ક્લોઝ-અપ પણ નહીં.

પ્રકીર્ણ શ્રેણીમાં 1947-1997 : 50 વર્ષમાં સામાજિક વિકાસ અને ચાણક્ય ગ્રંથમાળામાં હિંદુત્વ: દિશા 21મી સદી એ બંને પુસ્તકો પણ દુર્લભ છે. જ્ઞાન-વિજ્ઞાન શ્રેણીના 25 પુસ્તકોમાંથી મારી પાસે 8 હતાં. એ સિવાય લાયબ્રેરીમાંથી આ શ્રેણીના બીજા અગિયાર દુર્લભ પુસ્તકો લઈ આવીને દરેકની ઈ-બુક બનાવી છે. છતાં આનંદ રમૂજ, સ્ત્રી, ગુજરાત સહિતના છ પુસ્તકો હજી ખૂટે છે. બક્ષીબાબુના એ સમયના પુસ્તકોના લેખો મને બીજી કોઈપણ શ્રેણીના પુસ્તકો કરતાં વધારે ધારદાર લાગ્યા છે, એટલે આ છ પુસ્તકો મળી શકે તો સૌભાગ્ય ગણાય.

ચંદ્રકાંત બક્ષીના પુસ્તકો
સંખ્યા
ઉપલબ્ધ પુસ્તકો
નવલકથા
26
25
વાર્તાસંગ્રહ
15
9
નાટક
2
0
જીવનવૃતાંત*
5
3
અન્ય ભાષામાં અનૂદિત
14
1
આત્મકથા
1
1
અનુવાદ
1
0
યુવાનોને સપ્રેમ શ્રેણીના લેખસંગ્રહો
5
5
જીવનનું આકાશ શ્રેણીના લેખસંગ્રહો
7
7
ઇતિહાસ/સંસ્કૃતિ
17
7
ગુજરાત પ્રવાસ
8
8
રાજકારણ
6
6
પ્રકીર્ણ
7
6
ચાણક્ય ગ્રંથમાળા
1
0
જ્ઞાન-વિજ્ઞાન શ્રેણી
25
19
વિકલ્પ શ્રેણી
4
4
નવભારત શ્રેણી
6
6
વાગ્દેવી શ્રેણી
6
6
નમસ્કાર શ્રેણી
4
4
વાતાયન શ્રેણી
4
4
વર્તમાન શ્રેણી
5
5
અન્ય*
15
15
કુલ સંખ્યા
182
141


*ઉપરની યાદીમાં "જીવનવૃતાંત" શ્રેણીમાં 2012ના અમદાવાદના બુક ફેરમાંથી મળેલા દુર્લભ પુસ્તક ચંદ્રકાંત બક્ષી અને મધુ રાયની નવલકથાઓમાં નગરજીવન (લેખક: ગિરિજાશંકર જોશી) અને "અન્ય" શ્રેણીમાં તત્વમ પટેલ દ્વારા સંપાદિત "બક્ષી અને અમે" પુસ્તકોનો મેં સમાવેશ કર્યો છે. આ બંને પુસ્તકો બક્ષીસાહેબના કોઈપણ પુસ્તકની શરૂઆતમાં આપેલી યાદીમાં જોવા નહીં મળે. "બક્ષી અને અમે" પુસ્તક એ "મિસિંગ બક્ષી" પ્રકારનું પુસ્તક છે. મિસિંગ બક્ષીમાં જેમના લેખો મિસ થઈ ગયા હશે એમને આમાં સ્થાન અપાયું હશે એવું ધારું છું.

અન્ય લેખકોએ બક્ષી વિશે લખેલાં જીવનવૃતાંતો, અન્ય ભાષામાં અનૂદિત બક્ષીના પુસ્તકો તથા મિસિંગ બક્ષી, 'બક્ષી અને અમે' જેવા સંસ્મરણો, હિમાદ્રી મહેતાએ જેનું સંકલન કર્યું છે એ સ્ટૉપર, સ્પાર્ક પ્લગ અને એ-બી-સી-થી એક્સ-વાય-ઝી, નરેન્દ્ર પટેલે જેનું સંપાદન કર્યું છે એ "આદાન" અને "પ્રદાન" તથા અન્ય લેખકોએ સંપાદન કરેલાં ઈગો, કહેવત વિશ્વ, ક્લોઝ અપનું સ્માઈલ પ્લીઝ, સ્ત્રી-કવિતા જેવા પુસ્તકો બાદ કરીએ તો 182માંથી અધિકૃત રીતે માત્ર ચંદ્રકાંત બક્ષીએ લખેલાં કુલ પુસ્તકોનો સાચો આંકડો સંભવત: 152 છે, તેથી વિનોદ ભટ્ટે ચિત્રલેખામાં "વાંચવા જેવું" કૉલમમાં એક વખત એવું લખેલું કે "પ્રકાશકો બક્ષીના અવસાન બાદ વધુ પુસ્તકો પ્રકટ કરીને કુલ આંકડો 200 સુધી પહોંચાડવા માંગતા હોય એવું લાગે છે" એ વિધાનમાં અતિશયોક્તિ જણાય છે. નવા સંપાદનો પ્રગટ કરવાને બદલે જે જૂના પુસ્તકો દુર્લભ છે એને બક્ષીબાબુના ચાહક વર્ગ માટે રિ-પ્રિન્ટ કરીને ઉપલબ્ધ બનાવવા જોઈએ.

No comments:

Post a Comment