Wednesday, August 27, 2014

નિયમોના બંધન વિશેની એક અછાંદસ કવિતા

તમે નહીં માનો પણ હું બહુ સીધો માણસ છું...
આખી જિંદગી હું નિયમો પાળીને જીવ્યો છું.
લોકો આનંદ માટે પાલતુ પ્રાણીઓ પાળે એમ...

પણ જેમ કૂતરાનો માલિક ખરેખર તો એનો ગુલામ કહેવાય
એમ આ નિયમોએ મને ગુલામ બનાવીને પાળ્યો છે
ગળે વીંટળાયેલા નિયમોના ગાળિયાથી 
મેં મારી વિદ્રોહી ઇચ્છાઓને ફાંસીએ ચડાવી દીધી છે.

આહારના નિયમો, વિહારના નિયમો અને પ્રહારના પણ નિયમો... 
ઉઠવાના નિયમો, રુઠવાના નિયમો, બેસવાના નિયમો ને ક્યાંક પેસવાના પણ નિયમો...
તરવાના નિયમો, ચાતરવાના નિયમો, ખાતરવાના નિયમો, કાતરવાના-વેતરવાના-છેતરવાના નિયમો...
થશે સૌ સારાં વાનાં એવા બહાનાં આપતાં નિયમો...

નિયમો પાળવામાં મારે કોઈ અપવાદ નથી,
અપવાદ નથી એનો અર્થ એ નહીં કે વિખવાદ નથી.

નીતિથી વશ થઈને અને નિયમોથી વિવશ થઈને જીવવા માટે 
મારી અંદર ઊછાળા મારતી ઊર્મિઓના દરિયાને મેં સૂકવી દીધો છે
અને થૂંક ગળી જતા ઉપવાસીની જેમ ગળી જઈને
હૃદયમાં જલતી અસંતોષની આગમાં સ્વાહા કરી દીધો છે.

કઠિયારાએ કાપી નાંખેલા લીલા ઝાડની જેમ
મેં મારી ઇચ્છાઓની લીલી કૂંપળને ટૂંપો દીધો છે
ઝાડને પ્રોસેસ કરીને બનાવેલા કાગળમાંથી
તૈયાર થઈ છે એક નિયમોની નૉટબુક અને ઉપર સંયમનું પૂંઠું
ચીમળાયેલી કૂંપળો અને બાકી રહેલું ઠૂંઠું
નિયમોના નાઇટ્રોજનનું પોષણ મેળવીને
બરછટપણાંના વટવૃક્ષને વિસ્તારે છે. 

દિલાવરીના દરિયાને રદિયો આપીને
ખાબોચિયું સ્વીકારીને બોચિયું જીવન જીવવાનો
સંતોષ હવે મેળવી રહ્યો છું. 

તમને થશે કે નિયમ પ્રમાણે જીવતાં માણસ અને મશીનમાં શું ફેર?
સાચી વાત છે.
હું પણ જરાયે કમસિન નહીં એવા એક મશીન જેવો યાંત્રિક છું
જેની ગતિ અને દિશા સ્થગિત થઈ ગયા છે એવો એક યાત્રિક છું
નિયમની સ્વિચથી ચાલુ અને બંધ થતાં આ મશીન પર
સંયમ અને સદાચારનું 'શીન' (sheen) લાગેલું છે.

નિયમના પાડાનું પૂંછડું પકડ્યું છે તે કેમેય કરીને છૂટતું નથી
હા, તમે બરાબર વાંચ્યું.
યમના પાડાની નહીં પણ નિયમના પાડાની વાત છે
સંયમ-સદાચારના અતિરેકથી જીવનમાં પડેલા ખાડાની વાત છે.

યમ એના પાડા સાથે લેવા આવશે ત્યારે 
બેશક નીચી મુંડીએ ગાયની જેમ જવા તૈયાર થઈ જઈશ.
આખરે હું શું છું?
નિયમો પ્રમાણે કામ કરતું એક મશીન
રાહ જોઉં છું ક્યારે થઈશ જન્નતનશીન !

No comments:

Post a Comment