Thursday, July 17, 2014

Dawn of the Planet of the Apes: 21st Century Foxy Review

ફેસબુક પર ફિલ્મ રિવ્યૂખોરોનો રાફડો ફાટ્યો છે અને એમાં ઘણી વખત ફિલ્મના સારા-નરસાં પાસાં વિશે સમાલોચના કરવાના બદલે એકબીજાથી જલતાં રિવ્યૂખોરો "હું કહું એ સાચું" એવી હુંસાતુંસી પર ઉતરી પડે છે. ફિલ્મ સર્જકો વચ્ચે સારી ફિલ્મ બનાવવા માટે તંદુરસ્ત સ્પર્ધા ચાલતી હોય છે, ફેસબુક પર રિવ્યૂખોરોની વચ્ચે કોનો રિવ્યૂ વધારે સારો એ માટેની રોગિષ્ઠ સ્પર્ધા ચાલે છે. હમણાં ફેસબુક પર એકબીજાના કટ્ટર વિરોધી અને અવારનવાર એકબીજા સાથે ટક્કર લેતાં અને કોઈપણ ફિલ્મ બાબતે હંમેશા ઉત્તર-દક્ષિણની જેમ ક્યારેય મતૈક્ય ન ધરાવતા બે રિવ્યૂખોરોનો એક ફિલ્મ વિશેનો રિવ્યૂ મળતો આવ્યો ત્યારે કોઈ દુર્લભ ખગોળીય ઘટના આકાર લે એવી લાગણી થઈ. આ ફિલ્મ હતી: તાજેતરમાં રિલીઝ થયેલી પ્લેનેટ ઑફ ધ ઍપ્સ શ્રેણીની નવી ફિલ્મ: Dawn of the Planet of the Apes.

આપણાં ભાઈ-બહેનો, સગા-સંબંધીઓ કે મિત્રો જીવનમાં પહેલીવાર કોઈ જાહેર પર્ફોર્મન્સ આપતા હોય ત્યારે એમની હોંસલા-અફઝાઈ કરવા માટે આપણે હોંશે-હોંશે જતાં હોઈએ છીએ તો જેની સાથે આપણા 98.4% જીન્સ (જીન્સ એટલે પેન્ટાલૂન અને વેસ્ટસાઈડમાં મળે છે એ ડૅનિમ નહીં, પણ 12 સાયન્સની બાયોલૉજીવાળા જનીન!) મૅચ થતાં હોય એ વાનરોની ફિલ્મ તો જોવી જ પડે. જેને ગ્રે લંગુર અથવા હનુમાન લંગુર કહેવામાં આવે છે એ પ્રજાતિના વાનરો આજે પણ ઘરની આસપાસ હૂપાહૂપ કરતાં આવી ચડે છે તો ગમ્મત ખાતર સામે ચેનચાળા કે દાંતિયા કર્યા વિના ચેન પડતું નથી. (ડરામણા ચહેરા સાથે વાનર કૂદકો મારીને સામે ધસી આવે ત્યારે પરફેક્ટ ટાઈમિંગથી બારણું બંધ કરી દઉં છું એ અલગ વાત છે.) 

ગુજરાતી ચિત્રવાર્તા 'કપિના પરાક્રમો' પરથી પ્લેનેટ ઑફ ધ ઍપ્સ સિરીઝની પ્રેરણા મળી હશે કે પછી ફિલ્મ પરથી ચિત્રવાર્તા લખાઈ હશે એ સવાલ ચિકન-ઍગ સિચ્યુએશન જેવો પેચીદો છે (એ માટે કપિના પરાક્રમોની પહેલી આવૃત્તિની સાલ અને પ્લેનેટ ઑફ ધ એપ્સ શ્રેણીની પહેલી ફિલ્મના વર્ષની સરખામણી કરી લેવી.) 

બગાસું ખાતાં પતાસું મોંમાં આવે એમ અલ્ઝાઈમર્સ રોગની સારવાર માટેની રસીના પ્રયોગો દરમિયાન વાંદરાઓ પર એની અલગ અસર થતાં એ માનવી જેવા બુદ્ધિશાળી અને બોલતા-વિચારતાં-અભિવ્યક્ત કરતા થાય છે અને છેવટે દુનિયામાં માનવોની સર્વોપરિતાને પડકારી શકે અને માનવો સામે મુકાબિલ થઈ શકે એવા કાબિલ બને છે. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન નેહરુ બનેલા એમ વાનરોના ગઢ ગણાતા સ્વતંત્ર પ્લેનેટ ઑફ ધ એપ્સનો પ્રથમ વડો સીઝર નામનો વાનર બને છે. એક છોકરીનો ખરાબ અનુભવ થાય એટલે સમગ્ર સ્ત્રીજાતને દોષ દેતા પુરુષો અને એકાદ (કે ઘણાંબધા! :P) પુરુષનો ખરાબ અનુભવ થાય એટલે સમગ્ર પુરુષજાતને દોષ આપતી સ્ત્રીઓ જેવી ટિપિકલ માનસિકતા સીઝરની નથી. એટલે એ સમગ્ર માનવજાતને ધિક્કારવાને બદલે એનાથી સલામત અંતર રાખીને "વેઈટ ઍન્ડ વૉચ"ની મૅચ્યોર્ડ નીતિમાં માને છે. જેમ નરેન્દ્ર મોદી કહે છે કે પડોશી દેશો સાથે આંખ ઝુકાવીને કે આંખો ઊંચી કરીને નહીં પણ આંખો મિલાવીને વાત કરીશું એવો જ વ્યવહાર સીઝરનો માનવજાત સાથે છે. 

અનુક્રમે સીઝર અને કોબા નામનાં વાનર


જેમ રાજનાથ અથવા જેટલી મોદી પછી નંબર ટુ છે એમ સીઝરનો સાથી એવો કોબા કહેવાતો એપ (એપ એટલે વાનરની જાતિ: મોબાઈલની ઍપ નહીં) સીઝર પછી નંબર ટુ છે. પણ સીઝરથી તદ્દન વિરોધી સ્વભાવવાળા કોબાની નસ નસમાં માનવજાત માટે ખુન્નસ ભરેલું છે જેટલું હાફિઝ સઈદને હિન્દુસ્તાનીઓ માટે છે એવું જ! અથવા તો એમ કહી શકાય કે સુન્નીને જોઈને કોઈ શિયા મુસ્લિમ શિયાવિયા થઈ જાય કે શિયાને જોઈને કોઈ સુન્ની સુન્ન રહી જાય એવું ! કોબાને ફિલ્મમાં એકદમ કાબો બતાવ્યો છે! 

થીમ એવી છે કે એપ્સના પ્રદેશમાં વીજળી પેદા કરવા માટેનો એક હાઈડ્રોઈલેક્ટ્રિક ડેમ અવાવરુ કન્ડિશનમાં છે. (કોલસાના અભાવે ભારતમાં ઘણાંખરા થર્મલ પાવર સ્ટેશન બંધ પડ્યા છે એમ જ!) આ પ્રોજેક્ટ ફરી શરૂ થાય તો જ્યાં માણસો રહે છે એ શહેરી વિસ્તારની વીજળીની સમસ્યા દૂર કરી શકાય. આ માટે એપ્સ સાથે મંત્રણા કરવા માટે એક માણસ જાય છે. ઈરાન સાથે ગેસ પાઈપલાઈન શરૂ કરવામાં વચ્ચે આપણને પાકિસ્તાન નડે એવી કંઈક સ્થિતિ છે. પણ આ મંત્રણા હાફિઝ સઈદ અને વેદપ્રતાપ વૈદિક જેવી આ સામાન્ય મંત્રણા નથી. પ્રવેશદ્વાર પર ખૂંખાર ગોરિલાઓ ચોકીપ્હેરો ભરતા હોય ત્યારે લાંબી સિક્યુરિટી પાર કરીને વડાપ્રધાન સીઝર સુધી સહીસલામત પહોંચો ત્યારે પોએટ્રી ઈન મોશન, ઈમોશનને બદલે કમોશન (commotion) અને લૂઝ મોશન યાદ આવે! આગળના ઘટનાક્રમ માટે ફિલ્મ જોવી જ રહી. 

2011માં આવેલી પ્રિક્વલનું નામ Rise of the Planet of the Apes હતું. આ ફિલ્મ Dawn of the Planet of the Apes છે. Rise એટલે જાગવું અને Dawn એટલે મળસકું, પ્રભાત. આપણામાં કહેવત છે કે જાગ્યા ત્યાંથી સવાર. આ ફિલ્મના નિર્માતાઓને આપણી ગુજરાતી કહેવત ખબર હોવી જોઈએ તો જ આ બંને ફિલ્મોને આટલું સિમ્બૉલિક શીર્ષક આપી શકે. હવે ત્રણેક વર્ષ પછી Afternoon of the rise of the fall of planet of the Apes જેવી ફિલ્મની રાહ જોઈએ. Just kidding...oops...monkeying ! 

No comments:

Post a Comment