Sunday, June 1, 2014

વીજપ્રવાહ અને વિચારપ્રવાહ...થોડી સરખામણી

ઈલેક્ટ્રિશિયનના થેલામાં રહેલાં રંગબેરંગી વાયરોના જોડાણથી વીજપ્રવાહની એક સર્કિટ બને છે, જ્યારે વિવિધ રંગબેરંગી શબ્દોના જોડાણથી હું વિચાર પ્રવાહની સર્કિટ બનાવું છું.

દીવાલમાં કન્સીલ્ડ કરેલાં વાયરમાં દોડતાં ઈલેક્ટ્રોનના વાયરાથી સર્જાતો વીજપ્રવાહ જેમ જોઈ શકાતો નથી એમ જ મસ્તિષ્કના આવરણમાં છુપાયેલા દિમાગમાં દોડતાં શબ્દકણોથી સર્જાતો મારો વિચારપ્રવાહ બહારના લોકો જોઈ શકતા નથી, પણ આ વીજપ્રવાહ અને વિચાર પ્રવાહની બીજાને કરંટ આપવાની અને શૉક લગાડવાની ક્ષમતા લગભગ એક જેવી જ છે. ;)  વીજપ્રવાહ તો સ્વિચબૉર્ડ પરની સ્વિચ દબાવવાથી શરૂ થાય છે, પણ મારા વિચારપ્રવાહને સક્રિય કરતી ચાંપ કોણ દબાવે છે એ હું ચાંપતી નજર રાખવા છતાં હજી સુધી જાણી શક્યો નથી.

વીજ પ્રવાહને ઓહ્મનો નિયમ (Ohm's Law) લાગુ પડે છે, જ્યારે હું શબ્દપ્રવાહમાં વહી જાઉં છું અને જાતને ભૂલી જાઉં છું ત્યારે મને ૐનો નિયમ લાગુ પડે છે.

ઈલેક્ટ્રિકલ શૉક ન લાગે તે માટે સલામતી ખાતર અર્થિંગ દ્વારા વીજપ્રવાહને જમીનની અંદર ઉતારવો પડે છે, પરંતુ ક્યારેક એવું બને છે ખરું કે મારા મનનો વિચારપ્રવાહ સામી વ્યક્તિને સમજાયા વિના એના માથા ઉપરથી પસાર થઈ જાય છે.

વપરાશ વિના લાંબો સમય પડી રહેલાં પ્લગનાં કાણાંઓમાં ઘણી વખત ભમરી દર બનાવે છે એ રીતે વપરાશ વિના પડી રહેલા જડ દિમાગમાં પૂર્વગ્રહોની ડમરી ઉડતી હોય છે. 

No comments:

Post a Comment