Monday, May 12, 2014

અમદાવાદ નેશનલ બુક 'અફેર' 2014 !

છેલ્લી પંચવર્ષીય યોજના પૂરી થઈ ન હોય ત્યાં નવી યોજના આવી જાય, ગયા વર્ષનાં ગુજરાતી સામયિકોના દીપોત્સવી અંકો વંચાયા વિનાના પડી રહ્યા હોય ત્યાં નવા વર્ષની દિવાળી આવી જાય એમ હજી ગયા વર્ષના નેશનલ બૂક ફેઅરમાંથી લીધેલા પુસ્તકો મસ્તકમાં પૂરેપૂરા ઉતાર્યા ન હોય ત્યાં જ આ વર્ષનો બૂક ફેઅર પણ આવી ગયો ! (અમુક લોકો  પુસ્તક મેળાને બદલે બૂક ફેઅર શબ્દ વાંચે ત્યારે એમની દશા લાલ રંગને જોઈને ભડકતાં આખલા જેવી થાય છે એવું સાંભળ્યું છે! જો કે ટાઈટલમાં આ વખતે ફેઅર શબ્દને ઉલટસૂલટ કરીને અફેર શબ્દ લખ્યો છે! :P)



ઘણી ફરિયાદો સાંભળવા મળી છે કે આ વખતના મેળામાં પહેલાં જેટલી મજા ન આવી. પહેલાં બે મેળાઓની સફળતા નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રસ લીધો હતો એના કારણે હતી એવો મત એક મિત્રે વ્યક્ત કર્યો. આ વખતે સાહેબ વડાપ્રધાનપદ પામવાની હોડમાં વ્યસ્ત છે અને જનહિત માટે પ્રચારમાં રોકાયેલાં છે એ વખતે સાહિત્યનું હિત ન જળવાય એ સ્વાભાવિક છે. દિવ્ય ભાસ્કરે છાપેલાં બૂક ફેઅરવિરોધી વિવાદાસ્પદ સમાચાર અંગેનો ગણગણાટ એકાદ સ્ટૉલ આગળથી પસાર થતી વખતે કાને પડ્યો. એક હૉલમાંથી બીજા હોલમાં કે ફૂડ કૉર્ટમાં કે વૉશ-રૂમમાં જઈને પાછા પહેલાં હૉલમાં આવવું હોય તો આવી ન શકાય. લાંબું ચક્કર લગાવીને પાછા મુખ્ય પ્રવેશદ્વારથી આવવું પડે. આવી અગવડ 2015માં નહીં હોય એવી આશા રાખીએ. ગયા વર્ષે જે મફત શરબતની પરબ હતી એની ગેરહાજરી સાલી આ વખતે બહુ સાલી.



આખો હૉલ ભલે સેન્ટ્રલી એસી રહ્યો, પણ અમદાવાદ શહેર થોડું સેન્ટ્રલી એસી હતું? એટલે ગરમીનો પ્રશ્ન તો ખરો જ. આ વર્ષે ઘણાં પુસ્તકો ડોનેટ કરવાની ઈચ્છા હતી એટલે નાનું બાળક પિગી બેન્કમાં પરચૂરણ નાંખતું રહે એમ વર્ષ દરમિયાન ઘરે એક બૉક્સમાં આવા પુસ્તકો સમયે સમયે હું મૂકતો રહ્યો અને જે ભેગા થયા એ પુસ્તક પરબના કાઉન્ટર પર ભેટમાં આપ્યાં. એમાં ઈસ્કોનની બોરિંગ આધ્યાત્મિક ચોપડીઓ, ડોંગરે મહારાજની ભાગવત કથા, તારક મહેતાના ઊંધા ચશ્મા, ચંદ્રકાંત બક્ષીની એક સાંજની મુલાકાત (બક્ષીપ્રેમી મિત્ર મૌલિકા દેરાસરીએ ભેટ આપી હોવાથી મારી પાસે ડબલ થઈ હતી)નો સમાવેશ થતો હતો.

ફલક સાથે રીડિંગ કૉર્નરમાં


થેલાંનો બોજો હળવો કરીને પછી મુખ્ય હૉલમાં પ્રવેશીને અલગ અલગ સ્ટૉલ્સની મુલાકાત લેવાનું શરૂ કર્યું. નાના બાળકો માટેના સ્ટૉલ્સમાં સ્ટેશનરી, ઈન્ટરેક્ટિવ ડીવીડી, પુસ્તકોમાં બેશુમાર વૈવિધ્ય હતું. ફલક માટે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી જોડકણાંઓની થોડી ડીવીડી લીધી. હૉલમાં બાળવાર્તાઓના જાણીતાં પાત્રોના કટ-આઉટ્સ સરસ મૂક્યા હતાં.



ખેર આ વખતે જે પુસ્તકો નજરમાં વસ્યા અને ખરીદ્યા એની વર્ગવાર યાદી આ પ્રમાણે છે:

(1) ભાષા અને સાહિત્ય:

ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ (જયંત કોઠારી) : ગુજરાતી વ્યાકરણ સહિત ભાષાના બધા સ્વરૂપો પર ચર્ચા કરતું પુસ્તક. કાશ, છપાઈ વધારે સારી હોત અને લેખકે ઉંઝા જોડણીનો આગ્રહ રાખ્યો ન હોત તો વધારે મજા આવત !

ગુજરાતના સર્જકોનું પ્રાથમિક શિક્ષણ (દર્શના ધોળકિયા) : ચંદ્રકાન્ત બક્ષી સહિત 24 ગુજરાતી સર્જકોના પ્રાથમિક શિક્ષણની રસપ્રદ વાતો આ પુસ્તકમાં છે. છેલ્લે ગાંધીજી અને દર્શકની દ્રષ્ટિએ પ્રાથમિક શિક્ષણના વિચારો પણ આપ્યા છે.

બાળસાહિત્ય : વિચાર અને વિમર્શ (ઈશ્વર પરમાર) : ગુજરાતી બાળસાહિત્યમાં મૌલિક બાળવાર્તાઓથી આગવું પ્રદાન કરનાર ડૉ. ઈશ્વર પરમાર અહીં બાળવાર્તા લેખનની પ્રક્રિયા વિશે ઝીણવટપૂર્વક વિચાર કરે છે.

ગુજરાતી જોડણીની સમજ (સાંકળચંદ પટેલ): અનુસ્વાર, હ્રસ્વ ઇ, દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ, દીર્ઘ ઊની જોડણીના નિયમો, અપવાદો વગેરે વિશે ટૂંકમાં સરસ સમજ આપી છે.

વાર્તાનું શાસ્ત્ર (ગિજુભાઈ બધેકા): આજે જેમનું ગજુ નથી એવા બધિર લોકોનો સાહિત્યમાં રાફડો ફાટ્યો છે ત્યારે એવા માહોલમાં શિક્ષણ સાહિત્યના ક્રાંતિકાર અને મૂછાળી માનું પ્રેમાળ બિરુદ મેળવનારા ગિજુભાઈ બધેકા આ પુસ્તકમાં વાર્તાકથનના અનુભવ અને વાચનનો નિચોડ આપે છે.

  
 (2) હેલ્થ ઈઝ વેલ્થ:

શું ખાવું શું ન ખાવું (પ્રીતિ દવે) : વિવિધ રોગોમાં ડાયેટનું કેવું કૉમ્બિનેશન લેવું જોઈએ એની માહિતી આપેલી છે.

વજન ઘટાડવાનો સફળ પ્રયોગ (શાંતિલાલ સાવલિયા) : ચોંકશો નહીં. આ પુસ્તક મારા માટે નથી. પત્નીના આગ્રહથી એના માટે લીધું છે. ભગવાને મને ભલે ચંદ્રકાંત બક્ષી સાથે હૉટલાઈનની જેમ ડાયરેક્ટ કનેક્ટ થઈ શકતો આત્મા આપ્યો હોય, પરંતુ શરીર જ્યોતીન્દ્ર દવે જેવું આપ્યું છે અને ભૂખ કનૈયાલાલ મુનશી જેવી આપી છે. ઢમઢોલમાંથી બેબી ડૉલ બનવા શું કરવું જોઈએ એની સમજ આ પુસ્તકમાં આપેલી છે.

Diet and Diet Reform (M. K. Gandhi) : યંગ ઈન્ડિયા અને હરિજન સાપ્તાહિકોમાં ગાંધીજીના ખોરાક વિશે પ્રગટ થયેલાં વિચારો આમાં સંકલિત કરવામાં આવ્યા છે.



(3) બાળઉછેર:

આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?/તમે અને તમારું નીરોગી બાળક/બાળઉછેરની બારાખડી (ડૉ. રઈશ મનીઆર): ઉત્તમ કવિ તરીકે જાણીતાં ડૉ. રઈશ મનીઆર ડેવલપમેન્ટ એન્ડ બિહેવિયરલ ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ છે અને એ જ્યારે કવિતા સિવાયના એમના મૂળ વિષયની વાત કરે ત્યારે એમના વિચારો જાણવાની તાલાવેલી જાગે એ સ્વાભાવિક છે. રોજ રાત્રે આ પુસ્તકોમાંથી થોડું થોડું પઠન કરીને પત્નીને સંભળાવું છું. કોઈ ભારેખમ આદર્શવાદી વિચારો નહીં. વ્યવહારુ અને ઉપયોગી બને એવી શૈલીમાં સરળ રજૂઆત !

બાળકોને Develop કેવી રીતે કરશો? (અવંતિકા ગુણવંત): જેમ ઘણાં લોકો ગુજરાત સમાચારના નેટવર્કવાળા ગુ.છો.શાહને વિચારોના વૃંદાવનવાળા ગુણવંત શાહ સાથે કન્ફ્યુઝ કરી નાંખે છે એમ અવંતિકા ગુણવંત કદાચ ગુણવંત શાહના પત્ની હશે એવો ભ્રમ મને હતો, પણ એક મિત્રે કહ્યું કે એવું નથી. લગ્ન વિશેના એમના પુસ્તકો ગમ્યા હતાં એટલે આ પુસ્તક પણ ખરીદ્યું.


(4) કવિતા:

સુરેશ વિશે વિશેષ: જેમ મિસિંગ બક્ષી પુસ્તકમાં જાણીતા ગુજરાતી સર્જકો દ્વારા બક્ષીબાબુને અંજલિ આપતાં લેખોનો સંગ્રહ છે એમ અહીં અન્ય લેખકોએ સુરેશ દલાલના જે વ્યક્તિચિત્રો આલેખ્યા છે એનો સંગ્રહ છે. કૉલેજમાં વિજ્ઞાન પ્રવાહમાં સ્નાતક કક્ષાએ ભણતો હતો ત્યારથી સુરેશ દલાલની ઝલક કૉલમને ચાતકની તરસથી માણતો આવ્યો છું. ઈમેજના ઉત્તમ પ્રકાશનો હંમેશાં મેજ પર રાખવાની મોજ આવે જ. :) (આજે પણ ચંદ્રકાંત બક્ષી અને સુરેશ દલાલનો ઉલ્લેખ કરવાનો આવે ત્યારે બંનેના નામ આગળ સ્વ. લગાવવો ગમતો નથી.)

કવિતા એટલે (સુરેશ દલાલ): સુરેશભાઈએ પ્રકાશિત કરેલી ઘણી નવતર શૈલીની પુસ્તિકાઓની જેમ આમાં પાને પાને કવિતાની અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે.

ગઝલ પ્રવેશિકા (રાજેશ વ્યાસ 'મિસ્કીન'): નવોદિત ગઝલકારોને ગઝલલેખનમાં અને ઉત્તમ ગઝલોના આસ્વાદમાં ઉપયોગી નીવડે એવું પુસ્તક.

(5) હાસ્ય:

અમર હાસ્યનિબંધો (સંપાદક: વિનોદ ભટ્ટ): આર.આર. શેઠ પ્રકાશન કંપનીએ ગુજરાતી સાહિત્યનો અમર વારસો સિરીઝમાં અમર શેર, અમર ગઝલો, અમર ગીતો, અમર મુક્તકો, અમર બાલકથાઓ, રેખાચિત્રો, પ્રવાસનિબંધો જેવા કુલ અગિયાર પુસ્તકો પ્રકટ કર્યા છે એ પૈકીનું આ એક છે. આખી શ્રેણી દરેક ગુજરાતી સાહિત્યપ્રેમીએ વસાવવી જ જોઈએ એવું અદભુત સંકલન છે. જૂની પેઢીના હાસ્યલેખકો નવલરામ પંડ્યા, રમણભાઈ નીલકંઠથી માંડીને અત્યારની પેઢીના નિર્મિશ ઠાકર સુધીના હાસ્ય લેખકોના લેખો સમાવવામાં આવ્યા છે. વિનોદ ભટ્ટ જેમને સાહિત્યકાર જ ગણતાં નથી એવા અશોક દવેના લેખને પણ સમાવીને સંપાદનમાં ખેલદિલી બતાવી છે.

જ્યાં ત્યાં પડે નજર મારી!/પાનનાં બીડાં/રેતીની રોટલી/મારી નોંધપોથી (જ્યોતીન્દ્ર હ. દવે): જેમની કૉમેડી નિહાળીને સિટ ડાઉન કહેવાનું મન થાય એવા ભદ્દી અને રદ્દી સ્ટૅન્ડ-અપ કૉમેડિયનોના સ્થૂળ હાસ્યથી ટેલિવિઝનનો નાનો પડદો અને આવા કોમેડિયનોની પ્રિન્ટેડ આવૃત્તિ જેવા અટ્ટહાસ્યલેખકોની કૉલમોથી ગુજરાતી છાપાં ખદબદી રહ્યા છે ત્યારે જ્યોતીન્દ્ર દવેનું નિર્દંશ, નિર્દોષ અને વિદ્વતાપૂર્ણ સૂક્ષ્મ હાસ્ય આજે પણ ખડખડાટ હસાવી જાય છે. 

No comments:

Post a Comment