Saturday, February 8, 2014

જગજીતસિંહ - ગઝલગાનમાં જગ જીતનાર સિંહ

73મી જન્મતિથિએ ગઝલ ગાયક જગજિતસિંહને અંજલિ આપતો લેખ, મનસુખલાલ સાવલિયા લિખિત પુસ્તક 'ભારતનાં મહાન સંગીતકારો'માંથી:



ઈ.સ. 1970ના દાયકામાં જગજીતસિંહે 'અનફરગેટેબલ' (અવિસ્મરણીય) નામથી તેમની એલ.પી. રેકોર્ડ બહાર પાડી તેમાં શાયર કાફિર આઝેર રચિત ગઝલ 'બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી' તેમણે એવી સંવેદનાપૂર્ણ મધુરતાથી ગાઈ છે કે ગઝલરસિકોને જીભ ઉપર તે આજે ય રમ્યા કરે છે! ગુજરાતના મહાકવિ નાનાલાલે તેમની એક કાવ્યપંક્તિ તથાપિ મૃત્યુ રસના નથી નથી'માં કહ્યા પ્રમાણે 'જે રસસભર હોય છે તેનું મૃત્યુ કદી નથી થતું.' એ કાલજયી બને છે. જગજિત સિંહે ગાયેલી આ ગઝલ તેમની બીજી કેટલીક ગઝલોની જેમ શ્રોતાઓની મનોભૂમિમાં ચિરસ્મરણીય રહેશે. એ ગાન 'Beyond Time' (સમયની પેલે પાર) પણ એવું જ તાજું અને જીવંત રહેવા સર્જાયેલું છે. આ જ વાતને કેન્દ્રમાં રાખીને જગજિતસિંહે પોતાનું આત્મવૃત્તાન્ત આલેખતું જે પુસ્તક લખ્યું છે તેનું શીર્ષક પણ યોગ્ય રીતે જ 'Beyond Time' રાખ્યું છે. જેમ સાચું સોનું સમયની આગમાં બળતું નથી પણ વધુ ઊજળું બનીને લોકોને આકર્ષે છે તેમ જગજિતસિંહે ગાયેલી ગઝલો પણ મહાકાળના અગ્નિમાં બળશે નહીં વધુ ઝગમગી ઊઠશે!

કોઈ વાર વિશ્વપ્રસિદ્ધ રામાયણી મોરારિબાપુએ કોઈ મધ્યસ્થ વ્યક્તિ દ્વારા જગજિતસિંહને બાપુના વતન તલગાજરડા (મહુવા)માં ગઝલગાયનના કાર્યક્રમ અંગે આમંત્રણ પાઠવ્યું તો જગજિતસિંહે કહ્યું: 'જેવી રીતે મોરારિબાપુ, રામકથાના ક્ષેત્રમાં સમ્રાટ છે તેમ હું ગઝલગાયનના ક્ષેત્રમાં સમ્રાટ છું. એક સમ્રાટ, બીજા સમ્રાટ સાથે સીધી વાત કરે તો આનંદ થાય.' હૃદયને ઝંકૃત કરતી અને મનને સંતૃપ્ત કરતી, જગજિતસિંહની ગઝલો જેણે સાંભળી હોય તે બધા જ એક અવાજે તેને 'ગઝલસમ્રાટ' કહ્યા વિના રહે નહીં એવા આ મહાન ગાયકનો જન્મ પંજાબમાં થયો હતો, તેઓ પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક થયા છે. મધુર કંઠ તો એમને જન્મજાત ઈશ્વરીય વરદાન હતું તેથી શિશુવયમાંથી જ તેઓ ગાવાનો શોખ ધરાવતાં હતાં. ગાયનકળામાં તેમની આવી અનોખી લગની જોઈને તેમના પિતાએ જ સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ અપાવવાનું આયોજન કર્યું હતું અને પ્રસિદ્ધ શિક્ષક પંડિત છગનલાલ શર્મા પાસે તેમને તાલીમ લેવા મોકલ્યા હતાં. આરંભમાં સંગીતમાં પ્રગતિ કરનાર જગજિતસિંહ ત્યારપછી ઉસ્તાદ જમાલખાન પાસેથી વિશિષ્ટ તાલીમ લેવા લાગ્યાં. સંગીતકલાની કેટલીક બેનમૂન ઉત્તમ ખૂબીઓ તેઓ ઉસ્તાદ જમાલખાન પાસેથી શીખ્યાં. શાળા અને મહાશાળાના અભ્યાસ દરમિયાન તેઓ સંસ્થાના કાર્યક્રમોમાં ગાતાં અને આ રીતે તેઓ ખૂબ લોકપ્રિય બન્યાં હતાં. કૉલેજના વાર્ષિક ઉત્સવોમાં તથા સમારંભોમાં તેમનું મોહક ગાન, અદભુત વશીકરણથી શ્રોતાઓને મુગ્ધ કરી દેતું. સંવેદનાના રસમાં ઝબોળાઈને પ્રગટતું, અપૂર્વ કંપનથી કાનમાં અમૃત સિંચતું એમનું મધુર ગાન, ગાંધર્વલોકની દિવ્યતા લઈને આવતું! પરિણામે એમની લોકપ્રિયતાએ આકાશવાણીના દરવાજે દસ્તક દીધાં, અને તેઓ આકાશવાણી ઉપર પણ ગાવા લાગ્યા. હવે તેમની કીર્તિ, વિદ્યુતતરંગો ઉપર સવાર થઈ સર્વત્ર ઘૂમવા લાગી! નાની ઉંમરમાં મોટી સિદ્ધિ મળી!

સુવિખ્યાત ગઝલગાયિકા ચિત્રા શોભેનો ઈ.સ. 1967માં તેમને પરિચય થયો. બન્નેના સ્વભાવ, શીલ અને શોખ સમાન હતાં તેથી પરિચય પાંગરતો ગયો અને અંતે પરિણયમાં પરિણમ્યો. બંગાળી ચિત્રા શોભે, શ્રીમતી ચિત્રા સિંહ બન્યા. બંનેન્ના કંઠમાંથી વહેતાં મધુર ગીતના ઝરણાંઓ મળીને તેમાંથી લોકહૃદયને ભીંજવતી વેગવંતી સંગીત સરિતા બનીને વહેવા લાગી! જેમ રાત્રિથી ચંદ્ર શોભે અને ચંદ્રથી રાત્રિ શોભે અને રાત્રિ અને ચંદ્રના મિલનથી નભોમંડળ શોભે તેમ જગજિતસિંહથી ચિત્રા અને ચિત્રાથી જગજિતસિંહ શોભવા લાગ્યા અને બન્નેએ સાથે મળીને ગઝલગાયનના આકાશને દેદીપ્યમાન બનાવી દીધું!

જગજિતસિંહને આરંભમાં ફિલ્મોમાં ગીત ગાવાની ઈચ્છા ન હતી. શરૂઆત તો તેમણે જીંગલ ગીતોથી કરી હતી, પરંતુ ગઝલોનાં ચોટદાર શબ્દો અને હૃદયવિદારક ચિંતને તેમને આકર્ષ્યાં અને તેમણે ગઝલગાયનના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. એમનો વિશિષ્ટ કંપનયુક્ત મધુર અવાજ ગઝલગાન માટે વધુ પ્રભાવક હતો. વળી શાસ્ત્રીય સંગીતની જેમ ગઝલગાનને કોઈ નિશ્ચિત 'ઘરાના' નથી. ગઝલગાયક પોતાના રસ, રુચિ અને કંઠના કામણને અનુરૂપ શૈલીમાં ગાન કરવા સ્વતંત્ર છે. જો કે તેઓ યોગ્ય રીતે જ માને છે કે ઉત્તમ ગઝલગાન તો જ પ્રગટી શકે છે જો ગાયક, શાસ્ત્રીય સંગીતની વ્યવસ્થિત તાલીમ લઈ, નિયમ મુજબ કંઠને કેળવી શક્યો હોય. મધુર કંઠ હોવા માત્રથી ગઝલગાન પૂર્ણ કે પરિતૃપ્ત કરનારું બની શકતું નથી. ગઝલગાયનમાં જ્યારે જગજિતસિંહની કીર્તિ વિસ્તરતી હતી ત્યારે દેશ-વિદેશમાં મહાન ગઝલ ગાયકો મહેંદી હસન અને ગુલામ અલીની બોલબાલા હતી. તેઓ ગાયનકલાના બેતાજ બાદશાહો હતા. એના સામ્રાજ્યમાં પગપેસારો કરવો મુશ્કેલ પડકાર હતો. પરંતુ પરિશ્રમ, પ્રભુકૃપા, પૂરી શ્રદ્ધા અને કામણગારો કંઠ તથા અનોખી શૈલીથી જગજિતસિંહ ગઝલગાનમાં આગળ વધતા ગયા, વિસ્તરતા ગયા અને લોકહૃદયના સિંહાસેન બિરાજતા ગયા! જગજિતસિંહની નોંધપાત્ર ખૂબી એ છે કે કોઈ પણ ધુરંધર ગાયકના ગાનની અસર તેમના ગાયનમાં જોવા મળતી નથી. તેઓ શત પ્રતિ શત મૌલિક અને અલૌકિક છે!

જગજિતસિંહની બીજી કામણગારી કમાલ એ છે કે જે ગઝલો તેઓ ગાયન માટે પસંદ કરે છે તેના શબ્દો અને તેમાં વ્યક્ત થતા ભાવો અને વિચારો ઉપર વિશેષ ધ્યાન આપે છે. આથી તેઓ મોટે ભાગે સર્વોત્તમ ગઝલકારોની ગઝલો જ પસંદ કરે છે. મિર્ઝા ગાલિબ, મીર તકી મીર, ફિરાક ગોરખપુરી, જિગર મુરાદાબાદી, ગુલઝાર, તારીક બદાયુની, જાવેદ અખ્તર, સૈય્યદ રાહી, અમીર મીનાઈ જેવા સુવિખ્યાત શબ્દસ્વામીઓની ગઝલો, જગજિતસિંહના કંઠમાંથી પ્રગટીને વિશ્વસ્તરે વિસ્તરી છે. કોઈક પત્રકારે એમને પૂછ્યું હતું: 'તમે ગઝલગાયનમાં આવું અનોખું અને અસરકારક દર્દ કેવી રીતે લાવી શકો છો?' જગજિતસિંહે પ્રત્યુત્તર આપ્યો: 'આ માટે હું કોઈ વિશેષ અભ્યાસ નથી કરતો. જે અલગ અલગ સંવેદનાઓ હું ભીતરમાં અનુભવું છું તે ગઝલ ગાતી વખતે પ્રગટ થાય છે અને પરિણામે એમાં દર્દ ઘૂંટાઈને આવે છે! અકબર ઈલાહાબાદીનો એક ચોટદાર શેર આ બાબતમાં નોંધવા જેવો છે:

ઈશ્ક કો દે જગહ દિલ મેં અકબર!
ઈલમ સે શાયરી નહીં આતી.

જે રીતે દિલમાં પ્રેમ ઊભરાય તો એ જ શાયરી રૂપે ઢળી પડે છે, તે જ રીતે ગાયકનું હૃદય પણ જ્યારે પ્રેમથી છલકાય છે ત્યારે એ ગઝલગાનમાંથી દર્દભર્યું માધુર્ય રેલાય છે!

ઉપર જણાવ્યું તે પ્રમાણે આરંભમાં જગજિતસિંહને ફિલ્મમાં ગાવાની ઈચ્છા ન હતી. પરંતુ પછીથી તેને લાગ્યું કે ફિલ્મ અતિ લોકપ્રિય અને અત્યંત સબળ અને સફળ માધ્યમ છે. તેની ઉપેક્ષા કરવાથી ફિલ્મોને ઉત્તમ ગઝલો નહીં મળે અને ઉત્તમ ગઝલો, સમાજના તમામ સ્તરના લોકો સુધી પહોંચી નહીં શકે. પરિણામે ઈ.સ. 1965માં તેમણે સિનેસૃષ્ટિમાં પદાર્પણ કરવાનો પ્રયત્ન કર્યો પણ પ્રારંભમાં સફળતા ન મળી. પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગીતમંચ ઉપર એમની ગાયનકલા રંગ જમાવવા લાગી ત્યારે ફિલ્મી દુનિયાના અનેક માંધતાઓ જગજિતસિંહ તરફ આકર્ષાયા અને તેઓએ ફિલ્મોમાં ગાવાનો પ્રારંભ કર્યો, ફિલ્મ 'પ્રેમગીત'માં તેમનું ગીત 'હોઠોં સે છૂ લો તુમ' દર્શકો અને શ્રોતાઓમાં પ્રેમનું પાત્ર બન્યું છે અને 'અર્થ' ફિલ્મમાં તેમણે ગાયેલી ગીતરચના 'ઝૂકી ઝૂકી સી નઝર' પણ શ્રવણીય તથા અર્થસભર છે. આ ઉપરાંત પણ કેટલીક ફિલ્મોમાં એમણે ગાયેલી ગઝલો, લોકોએ મન ભરીને માણી છે. તેમ જ શ્રીમતી ચિત્રા સિંહની સાથે ફિલ્મ 'સાથ સાથ'માં તેઓનું યુગલગાન 'યે તેરા ઘર યે મેરા ઘર' પણ શ્રોતાઓએ માણ્યું છે અને વખાણ્યું છે. પરંતુ બન્ને કલાકારોને ફિલ્મો કરતા 'સ્ટેજ પ્રોગ્રામ'માં જ વિશેષ રસ છે અને તેમની જમાવટ પણ અપૂર્વ હોય છે.

જગજિતસિંહ અને ચિત્રા સિંહના સ્ટેજ કાર્યક્રમો ભારતના લગભગ તમામ મહાનગરોમાં યોજાયા છે અને યોજાતાં રહેશે. એમને સાંભળવા અને માણવા તે જીવનનો અપૂર્વ લહાવો ગણાય છે. આ ઉપરાંત વિદેશોમાં પણ તેમણે ગઝલગાયનની ધજા ઊંચી કાઠીએ ફરકાવી છે. જાપાનમાં, દૂર મધ્યપૂર્વના દેશોમાં, આફ્રિકામાં, બ્રિટનમાં અને જ્યાં ભારતીયો વસતા હોય તેવા દિગદિગંતના દેશોમાં પણ તેઓએ તેમના કંઠના કામણથી લોકોને સંમોહિત અને સંતૃપ્ત કર્યાં છે. શબ્દો અને સૂરોની સુસ્પષ્ટતા, સુમધુરતા, અંતરમનને સ્પર્શી જાય તેવા તાલલય, આત્માને અભિભૂત કરે તેવું સંગીત, સૂરાવલિમાં કારૂણ્યયુક્ત અનોખું સ્પંદન અને ગાયકીની વિલક્ષણતા તથા આધુનિક ઓરકેસ્ટ્રાનું અદભુત સંમિશ્રણ જગજિત-ચિત્રાની ગઝલગાયકીને પંચામૃત જેવું માધુર્ય બક્ષે છે! અને પરિણામે સંગીતના શિરમોર હોય કે સામાન્ય-સર્વ પ્રકારના શ્રોતાઓને આનંદની સમાધિમાં લીન કરી દે છે!

'મિર્ઝા ગાલિબ' ટી.વી. સિરિયલમાં જગજિતસિંહે તથા ચિત્રાસિંહે સ્વતંત્ર રીતે ગાયેલી તથા યુગલગાનના મધુર સૂરોમાં વહાવેલી ગાલિબની અમર ગઝલોએ લોકચાહનાનો અપૂર્વ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ ગઝલો અનંતકાળ સુધી સાંભલવી ગમશે એવું તેનું ચમત્કારિક સંમોહન છે. જગજિતસિંહના કંઠના કામણથી ઝબોળાઈને વહેતી ગઝલો 'આહકો ચાહીએ ઈક ઉમ્ર અસર હોને તક', તથા 'હજારો ખ્વાહિશે ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નીકલે' અને 'વો ફિરાક ઔર વો બિસાલ કહાં' તેમજ ચિત્રા સિંહની મધુર સૂરાવલિ ઉપર સવાર થઈને પ્રગટેલી ગઝલ 'યે ન થી હમારી કિસ્મત' તેમજ 'ઈશ્ક મુજકો નહીં' તદુપરાંત બન્નેના યુગલગાનમાં રજૂ થયેલી ગઝલ 'દિલે નાદાન તુઝે હુયા ક્યા હૈ?' - મહાન શાયર મિર્ઝા ગાલિબની આ બેનમૂન ગઝલોને આ બન્ને મહાન કલાકારોએ, લોકસ્મૃતિમાં કાયમ અંકિત કરી દીધી છે. આ ગઝલોના પ્રભાવક ગાને, જગજિત અને ચિત્રાની સત્કીર્તિને દિગદિગંતમાં પ્રસરાવી છે! 


ગાલિબે તેના એક શેરમાં કહ્યું છે: 'હૈ ઔર ભી દુનિયા મેં સુખનવર બહુત અચ્છે' - આ જગતમાં અનેક ઉત્તમ કવિઓ છે, પરંતુ કહેવાય છે કે ગાલિબનો 'અંદાઝ-એ-બયાઁ' જુદા જ પ્રકારનો છે. ગાલિબની ગઝલોને નવા જ અનોખા અંદાઝમાં પેશ કરનાર જગજિતસિંહ માટે પણ એમ કહી શકાય કે એમની ગઝલગાયકીની કલા કોઈ જુદા જ પ્રકારની છે! આ માટે સંગીત નાટક અકાદમીએ એમને ઍવૉર્ડ આપીને વિભૂષિત કર્યા હતા. અનેક નામાંકિત ઉર્દુ અને હિન્દી ગઝલકારોની ઉત્તમોત્તમ રચનાઓને મધુર ઢાળમાં ઢાળીને તેમણે આનંદની ભરતીથી લોકહૃદયોને પરિપ્લાવિત કર્યાં છે. તેમના પચાર ઉપરાંત આલ્બમો થયા છે, થયા કરે છે, અને ભવિષ્યમાં થયા કરશે. ફિલ્મો અને આલ્બમો વચ્ચે રહેલા તફાવતને સ્પષ્ટ કરતાં તેઓ જણાવે છે કે ફિલ્મમાં ગઝલગાયકને સિચ્યુએશન અને અભિનેતાની ભાવોર્મિને ધ્યાનમાં રાખીને ગાવાનું હોય છે તેથી એમાં કેટલાંક બંધનો છે. જ્યારે આલ્બમમાં ગાયક સ્વતંત્ર હોય છે અને પોતાની રુચિ અનુસાર ગાયનશૈલીને ઢાળી ઉપર આધાર રાખે છે. જ્યારે આલ્બમની ગઝલગાયકીને તેની સફળતા માટે બહારની કોઈ ઘટના ઉપર નિર્ભર રહેવું પડતું નથી. ઈ.સ. 1998માં મધ્યપ્રદેશની સરકારે તેમને લતા મંગેશકર ઍવૉર્ડથી સન્માન્યા હતાં. તો વળી ગઝલો ગાવામાં તેમને મળેલી સફળતા તેમને માટે અનેક ઍવૉર્ડ્ઝ, પારિતોષિકો અને સન્માનપત્રો લઈ આવીને એમના ચરણોમાં અર્પિત કર્યા છે. પરંતુ ઋજુ હૃદયના અને સરળ સ્વભાવના આ સ્થિતપ્રજ્ઞ કલાકારને આવી મોટાઈનો કોઈ મોહ થયો નથી. સંગીતસાધના અને ઉપાસના જ એમને મન સર્વસ્વ છે. એમનું ગઝલગાન, લોકોને ગમી જાય એ જ એનું ઉત્તમ ઈનામ છે!  


જગજિતસિંહની ગાયનકલાની સમાલોચના કરતાં એક જાણીતા ચિંતકે કહ્યું છે: 'જગજિતસિંહ તેના સૂરોને પરંપરાના શાસ્ત્રીય રાગોનાં પાયા ઉપર પ્રગટાવે છે અને પછી તેને આધુનિક ઓરકેસ્ટ્રાની સંગતમાં ખૂબ જમાવે છે. પરિણામે તેમની સંગીતકલામાં પુરાતન અને અદ્યતન પ્રણાલીનું પ્રભાવક સંમિશ્રણ જોવા મળે છે.' તેમના ગઝલગાને લોકસમુદાયને સવિશેષ મુગ્ધ કરીને આકર્ષ્યા છે તેના ઘણા કારણોમાંનું આ પણ એક કારણ છે. જેણે શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ મેળવ્યું છે અને જેની ગઝલોમાં શાસ્ત્રીય સંગીતની સૂરાવલિનું અમૃત ઘૂંટાઈને આવે છે તેવા અનુપમ ગઝલગાયકે કોઈપણ સમર્થ સંગીતકારનું ન તો અનુકરણ કર્યું છે, ન તો કોઈ ગાયક એમનું અનુકરણ કરી શકે છે. ગઝલની સોહામણી વનરાજીમાં વિહરતા જગજિત અને ચિત્રાનું સિંહયુગલ, ગઝલગાનની ગર્જનાથી અદ્વિતીય અને અજેય રહેશે!

(Source: ભારતના મહાન સંગીતકારો : મનસુખલાલ સાવલિયા, પ્રવીણ પ્રકાશન)

No comments:

Post a Comment