Pages

Thursday, September 26, 2013

ધ લંચબૉક્સ વિશેની ઓરીજીનલ જોક્સનું ભાથું

શુક્રવારે મસ્જીદમાં સલત-અલ-જુમાની નમાજની બાંગ પુકારતી જાહેરાત કરવામાં આવે એમ દર શુક્રવારે ફેસબુક પર ફિલ્મ રિવ્યૂની ગુલબાંગ પોકારતાં લોકો ફિલ્મ વિશે આપણને એક એક પાસાંની બારીકાઈ સમજાવવા માટે રિવ્યૂ લઈને હાજર થઈ જાય છે. એક લેખકનાં ગમ્મતભર્યાં સૂચનને સિરિયસલી લઈએ તો ફિલ્મ ઍપ્રિશિએશનનો કોર્સ કર્યો હોય તો જ તમારો રિવ્યૂ રિવ્યૂ ગણાય બાકી એ રિઍક્શનમાં ખપાઈ જાય ! તુમ્હારા રિવ્યૂ રિવ્યૂ ઔર હમારા રિવ્યૂ રિઍક્શન? ફિલ્મ દેખને સે ડર નહીં લગતા સા'બ, રિવ્યૂ પઢને સે લગતાં હૈ ! જેમ સાચી સલાહ આપનારા સલાહકારો ઓછાં હોય છે પરંતુ વણમાંગી સલાહોનો ધોધ વરસાવનારા સલાહબાજો વધારે હોય છે એ જ રીતે ઊંડાણ ભર્યો રિવ્યૂ લખનારા રિવ્યૂઅર ઓછાં હોય છે પરંતુ બીજાને પોતાના ફિલ્મી જ્ઞાનથી આંજી દેવાની ખુજલી ધરાવતા રિવ્યૂખોરો બહુમતીમાં હોય છે. સમાચારો કરતાં સમાચાર પીરસનારી ન્યૂઝ ચૅનલ્સની સંખ્યા વધી ગઈ છે એમ સિનેમાનાં વ્યૂઅર્સ કરતાં રિવ્યૂઅર્સની સંખ્યા વધી જવા પામી છે.

હમણાં ગુજરાતનું નાક કાપે એવી નબળી ફિલ્મ "ધ ગુડ રોડ"ની પસંદગી ઓસ્કારમાં ઍન્ટ્રી માટેની ઑફિશિયલ ભારતીય ફિલ્મ તરીકે થઈ છે. એના કરતાં ઈરફાન ખાનને ચમકાવતી ધ લંચબૉક્સ ઓસ્કારની દોડમાં અનેકગણી લાયક હોવાનું જાણકારોનું કહેવું છે. ટિફિને જેમાં મહત્વનો ભાગ ભજવ્યો હોય એવી અગાઉ એક અદભુત ફિલ્મ "સ્ટૅનલી કા ડબ્બા" જોઈ હતી જે મૂળ બાળમજૂરીની થીમ પર આધારિત હતી. ધ લંચબૉક્સમાંથી સિનેમાનું ભાણું હજી મેં ખાધું નથી, પરંતુ એના વિશે કેટલીક હળવી રમૂજો સૂઝી છે એ અહીં શેર કરું છું: 

  • "ધ લંચબૉક્સ" જોયા વિના ઓસ્કારમાં ભારતની ઑફિશિયલ ઍન્ટ્રી માટે એની તરફેણ કરતાં લોકો પેલા કટ્ટરપંથીઓ જેવા છે જેમણે સલમાન રશદીની નવલકથા "ધ સૅતાનિક વર્સીસ" વાંચ્યા વિના એની નકલો બાળીને બહિષ્કાર કર્યો હતો ! (જો કે, મેં લંચબૉક્સ કે સૅતાનિક વર્સીસ બેમાંથી એકેય કૃતિ હજી માણી નથી!) People supporting Lunchbox for Oscar entry even without watching it are same as people who had boycotted and burnt Salman Rushdie's novel "The Satanic Verses" even without reading it! 

  •  "ધ લંચબૉક્સ"ની ઓસ્કારમાં ભારતની ઑફિશિયલ ઍન્ટ્રી તરીકે પસંદગી ન થઈ હોવાથી અમોને પેટમાં દુખ્યું છે. એના વિરોધમાં આ સાથે આમરણાંત ઉપવાસની જાહેરાત કરવામાં આવે છે. ઈરફાન ખાનને ટિફિન મોકલનારા બહેન પોતાના હાથે રસોઈ કરીને જમાડશે નહીં ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે.

  • દેશનાં કરોડો લોકોને એક ટંક ખાવાનું પણ નસીબ થતું નથી, ત્યાં લંચબૉક્સ જેવી ફિલ્મ બનાવવી એ એમની ભૂખનું અપમાન લાગતું નથી? મંગળ ગ્રહ પર જવાના મિશન બનાવીને પૈસાં વેડફવા કરતાં પૃથ્વીવાસીઓનું જીવન મંગળ બનાવવું વધારે યોગ્ય છે એ જ રીતે કરોડો રૂપિયા ખર્ચીને લંચબૉક્સ ફિલ્મ બનાવીને સિનેમાઘરોમાં રજૂ કરવી એના કરતાં જેમને એક ટંક ખાવાનું નસીબ થતું નથી એવા ગરીબોને લંચબૉક્સ પહોંચતું કરવું વધારે યોગ્ય ગણાય કે નહીં? 

  • જઠરાગ્નિ જાગે ત્યારે માણસ ખાવા માટે લંચબૉક્સ ખોલે, પરંતુ લંચબૉક્સ જેવી વખણાયેલી ફિલ્મ જોયા પછી ઘણાં સંવેદનશીલ લોકોનાં મનમાં વિચારોનો અગ્નિ પ્રદીપ્ત થાય છે!

Friday, September 13, 2013

નરેન્દ્ર મોદી : દિલ્હી હવે કેટલું નજીક?

આખરે મગનું નામ મરી પાડવામાં આવ્યું છે. ઘીના ઠામમાં ઘી પડ્યું છે. હકીકતોના હલેસાં વડે અનિશ્ચિતતાઓ અને અફવાઓના સાગરને પાર કરીને ભાજપની નૈયા એક નિશ્ચિત જમીની લક્ષ્યાંકનાં તટ સુધી સફળતાપૂર્વક પહોંચી છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નામની ઔપચારિક સત્તાવાર જાહેરાત આજે પક્ષ પ્રમુખ રાજનાથ સિંહે કરતાંની સાથે જ લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે પરંતુ મોદીના પ્રભાવથી આતંકિત થઈ ગયેલાં વિરોધીઓની રોકકળનો અંત જલદી આવે એમ લાગતું નથી.

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને બાદ કરતાં એનડીએના બધાં ઘટક પક્ષોની સાથે સંમતિ સાધીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની રાજનાથ સિંહે જાહેરાત કરી છે. લાલકૃષ્ણ અડવાણીને મનાવવા કરતાં રિસાયેલી પ્રેમિકાને રિઝવવાનું કામ વધારે સરળ છે અને ઓછું પડકારજનક છે. રાજ્ય કક્ષાએ કેશુભાઈ પટેલનો નરેન્દ્ર મોદી સામેનો વિરોધ અને અણગમો જાણીતાં છે. એ જ રીતે રાષ્ટ્રીય કક્ષાએ અડવાણીનો મોદી સામેનો વિરોધ અને અણગમો કોઈનાથી અજાણ્યાં નથી. આ હિસાબે અડવાણીને રાષ્ટ્રીય સ્તરના અસંતુષ્ટ કેશુભાઈ પટેલ કહી શકાય. એમણે ભાજપના પ્રમુખ રાજનાથ સિંહને પોતાની વ્યથા ઠાલવતાં લખેલાં પત્રોનું હવે સરસ કલેક્શન કરીને એક પુસ્તક બહાર પાડી શકાય. એનડીટીવી ઈન્ડિયા ચેનલનાં કાર્યક્રમ "રવિશ કી રિપોર્ટ"માં રવિશ કુમારે એક સરસ અવલોકન રજૂ કર્યું હતું કે વડાપ્રધાન બનવા ઈચ્છતાં દરેક સરદારની આડે કોઈકને કોઈક નેહરુ આવી જ જાય છે. અગાઉ 1996માં અને ત્યારબાદ 1998થી 2004 સુધી ત્રણ વખત વડાપ્રધાનપદે અટલબિહારી વાજપેયીની તાજપોશી થતાં અડવાણીની મનની મુરાદ મનમાં રહી ગઈ. મારા મતે 90નાં દાયકામાં પ્રથમ વખત અડવાણીએ કાઢેલી રથયાત્રા વખતનો જે સમય હતો એ અડવાણી માટે વડાપ્રધાન બનવાની એકમાત્ર આછીપાતળી તક પૂરી પાડતો સાનુકૂળ સમય હતો. હવે વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદીના નામની સત્તાવાર જાહેરાત થયા બાદ અડવાણી પાસે સંન્યસ્તાશ્રમનો અનિચ્છાએ પણ ફરજિયાત સ્વીકાર કર્યા વિના કોઈ આરો નથી. સંસદની લાયબ્રેરીનો સર્વાધિક ઉપયોગ કરનારા સાંસદોમાં મોખરે રહેલાં અડવાણી પાસે હવે સર્વપલ્લી રાધાકૃષ્ણનની જેમ રાજકીય સંન્યાસ બાદ રાજકારણથી અલિપ્ત થઈને વાચનની મનગમતી પ્રવૃત્તિ માટે સમય ફાળવવાનો ગરિમાપૂર્ણ વિકલ્પ બાકી છે. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાનપદે આરૂઢ થાય તો એમનાં 13 વર્ષનાં મુખ્યમંત્રીપદના કાર્યકાળનો અંત આવશે. સાથે સાથે લાલકૃષ્ણ અડવાણીના PM-in-waitingનાં લટકતાં ગાજર જેવા કાલ્પનિક પદનાં 10 વર્ષનાં ખયાલી પુલાવ જેવા કાર્યકાળનો મૃત્યુઘંટ વાગી ચૂક્યો છે.400થી વધુ લોકસભા બેઠકોનો ઊંડો અભ્યાસ કરનારા નરેન્દ્ર મોદી ભાજપને જીતાડવા માટે મહેનત કરવામાં કંઈપણ કચાશ બાકી ન રાખવાનું આહવાન કરે તો એ આહવાનની સત્યાર્થતા સામે આશંકા સેવવાનું કોઈ કારણ દેખાતું નથી. પ્રાદેશિક ઓળખ નહીં પરંતુ ચૂંટણી લડવા માટે પસંદ કરાતી લોકસભા બેઠકની દ્રષ્ટિએ જોઈએ તો 1964 અને 1966માં બે વખત તેર-તેર દિવસનાં અલ્પજીવી સમય માટે વડાપ્રધાનપદ ભોગવી ચૂકેલા સાબરકાંઠાનાં સાંસદ ગુલઝારીલાલ નંદાને ગુજરાતમાંથી મળેલાં પ્રથમ વડાપ્રધાન ગણાવી શકાય. ત્યારબાદ, 1977થી 1979 દરમિયાન વડાપ્રધાનપદે રહેલાં અને ચૌધરી ચરણસિંહની દગાબાજીને કારણે પદ ગુમાવનાર મોરારજી દેસાઈ પછી 35 વર્ષ સુધી ભારતને કોઈ ગુજરાતી વડાપ્રધાન જોવા મળ્યાં નથી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત થાય તો 35 વર્ષ પછી ભારતને એક ગુજરાતી વડાપ્રધાન મળશે.

છેલ્લે, ચંદ્રકાંત બક્ષીના પુસ્તક "ઇતિહાસ, ભાગ-1"માંથી ગાંધીજીનું એક વાક્ય નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદની દાવેદારીની સફળતાની સંભાવનાઓને લક્ષમાં રાખીને ટાંકું છું :

"સપ્ટેમ્બર 1919માં ગાંધીજીએ 'નવજીવન' શરૂ કર્યું ત્યારે 'અમારો ઉદ્દેશ' નામનો એક લેખ લખ્યો હતો. એ લેખમાંથી એક લીટી આ પ્રમાણે હતી : '...જન્મ અને કર્મથી ગુજરાતી હોઈ હું ગુજરાતના જીવનમાં ઓતપ્રોત થઈ જાઉં તો જ હું હિન્દની શુદ્ધ સેવા કરી શકું.'

ગુજરાતની વિધાનસભાની મોંઘી મોંઘી દીવાલો બગડી જવાનો ભય ન હોય તો આ વાક્ય સભાકક્ષમાં મોટા અક્ષરે કોતરી લેવા જેવું છે! 

Thursday, September 12, 2013

નાબાલિગ એટલે ગાલિબ સિવાયના શાયરો માટે વપરાતો શબ્દ

અગ્નિએસકા રડવાન્સકા (Agnieszka Radwańska): હાલમાં વિશ્વની ચોથી ક્રમાંકિત પૉલેન્ડની મહિલા ટૅનિસ ખેલાડી. અગ્નિ જેવું દઝાડી શકતું સૌંદર્ય ધરાવતી રડવાન્સકાના લગ્ન થશે ત્યારે ઍડવાન્સમાં કેટલાં લોકો રડશે તેની કલ્પના કરવી રહી.

અંકલેશ્વર: અંકલને ઈશ્વર તરીકે નિહાળવાની દિવ્યદ્રષ્ટિ.

Intellectual : Nowadays a PC with original Intel processor is called "Intel(l)actual".

કબાબ મેં હડ્ડી : ભાજપ શાસિત રાજ્યમાં કોંગ્રેસના ગવર્નર હોય એવી સ્થિતિ.

કમલા બેનીવાલ: રાજ્યકક્ષાનાં પ્રતિભા પાટીલ.  

કારનામા: કારની આત્મકથા?

કૉપર ટી: તાંબું ભેળવેલું હોય એવી ગર્ભનિરોધક ચા. 

ચિંતા: ઊંઘની ઈમારતને કોરી ખાતી ઊધઈ.

ટૉર્નેડો: પશ્ચિમ આફ્રિકાના કાંઠાઓ પર ઉદભવતો ઝંઝાવાતી સનેડો.  

દિલફેંક: ટ્રાયલ ઍન્ડ ઍરર મેથડથી અલગ અલગ છોકરીઓ સાથે સૅટિંગ કરવા માટે દિલની ફેંકાફેંક કરનાર વ્યક્તિ.

ધાણાદાળ : દાળભાતવાળી ફેમસ દાળની ઉપર ધાણાં ભભરાવવામાં આવે તેને ધાણાદાળ કહે છે.

નાબાલિગ : ગાલિબ સિવાયના શાયરો માટે વપરાતો એક સામાન્ય શબ્દ. 

પરણેતરનો મેળો: તરણેતરનો જેમ મેળો હોય છે એમ પરણેલી સ્ત્રીઓ ભેગી થાય એને પરણેતરનો મેળો કહે છે.

પીડિઍટ્રિશન: બાળકોને થતી પીડા અને ન્યુટ્રિશનની જરૂરિયાતો સમજી શકે તેવા ડૉક્ટર.

ફરિયાદશક્તિ : યાદશક્તિનો એક પેટાપ્રકાર. આ શક્તિ ધરાવતી વ્યક્તિને ફરિયાદો કરવાનું વધારે યાદ રહે છે. 

બનિયાન: બગ્ઝ બની કૉમિક્સના વિખ્યાત સસલાને વિહાર કરવા માટેનું યાન. (અંદરોઅંદર વેર હોય એને અંડરવેર કહેવાય એવી વ્યાખ્યા અક્ષય અંતાણી આપી ચૂક્યા છે એટલે બનિયાન પર પસંદગી ઉતારી છે.)

BMI અને EMI : પરિણીત લોકોને સવિશેષ અસર કરતી પરિસ્થિતિઓ છે. લગ્ન પછી સ્થૂળ થતી સ્ત્રીનો BMI (બૉડી માસ ઈન્ડેક્સ) અને હપ્તા પર લીધેલી વસ્તુઓનું કર્જ ચૂકવતા પતિદેવ માટે EMI (ઈક્વેટેડ મન્થલી ઈન્સ્ટૉલમૅન્ટ્સ) વધી જાય છે.

બ્લૂ બ્લડેડ (Blue blooded): અંગ્રેજીમાં ઊંચા ખાનદાની લોકો માટે બ્લૂ બ્લડેડ શબ્દ છે. ઈલિટ (elite) ક્લાસના ઍરિસ્ટોક્રેટ માણસો. જો કે આ બ્લૂ બ્લડેડ લોકો પણ બ્લૂ ફિલ્મ જોઈને ભૂરા રંગની ઉત્તેજના અનુભવી શકતા હોય એ બનવાજોગ છે.  

મેલોડ્રામા: સ્વચ્છ નહીં પણ મેલો એવો ડ્રામા ધરાવતી ફિલ્મને મેલોડ્રામા કહે છે.

રદિયોગ્રાફી: ઍક્સ-રે લેવાની પ્રક્રિયા રેડિયોગ્રાફી કહેવાય છે. જો કે, નેતાઓ પોતાના ગઈકાલે કરેલા બેજવાબદાર નિવેદનોને આજે રદિયો આપી દે એને રદિયોગ્રાફી કહે છે.

રીડિયા-રમણ: હીર-રાંઝા, રોમિયો-જુલિયેટ, શીરી-ફરહાદ, લૈલા-મજનૂ અને સોહની-મહિવાલ જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રેમીઓની જેમ રીડિયા અને રમણ એ બે ભૂલાઈ ગયેલાં પ્રેમપંખીડાની ગુજરાતી જોડી છે. 

રૂપજીવિની: તન વેચીને વેતન કમાતી સ્ત્રીને રૂપજીવિની કહે છે.

રૂપગર્વિતા: રૂપજીવિની કરતાં ઊંચી કૅટેગરીમાં આવે છે. રૂપની સાથે બુદ્ધિનો સંગમ થયો હોય તો તન વેચવાની લાચારીને બદલે મનગમતું વેતન મેળવીને ખુમારીથી જીવવાની સ્થિતિ પ્રાપ્ત કરે છે.

લેખિકા: ચહેરા પર મેક-અપને બદલે કાગળ પર શબ્દો અને વાક્યોનો થપેડો કરવો ગમતો હોય એવી સ્ત્રી.

લૅપટૉપ: કોઈના ખોળાં (lap)માં માથું મૂકીને ટોચ (top) પર પહોંચવું તે.  

વિદ્યાભાસ: વિદ્યાભ્યાસ નહીં પરંતુ વિદ્યાભાસ. વિદ્યા મેળવવા માટે સાચેસાચ કરવામાં આવતો અભ્યાસ નહીં પરંતુ ઉપર ઉપરથી થતો વિદ્યા મેળવ્યાના ઠાલા સંતોષનો આભાસ.

શંખજીરૂ: શંખની અંદર પડેલો જીરૂનો ભૂકો. 

સગીર: ગીરના જંગલમાં એકલી ફરવા ન જઈ શકે એવી વ્યક્તિ.  

સટ્ટાવાળા: પ્રશાસન, ઑથોરિટી, ઍડમિનિસ્ટ્રેશન માટે સત્તાવાળા શબ્દ વપરાય છે. સટ્ટો રમનાર માટે સટ્ટાવાળા શબ્દ છે.

સિબલિંગ (Sibling): મૂળ અંગ્રેજી શબ્દનો અર્થ ભાઈભાંડું થાય છે પરંતુ બંગાળીઓ શિવલિંગનો ઉચ્ચાર સિબલિંગ કરે છે. 

હરિકૅન: આમ તો વાવાઝોડાનો એક પ્રકાર છે પણ હરિ આપણા માટે કંઈક કરી શકે એમ છે એવી શ્રદ્ધા એટલે Hari can. ઓબામાનાં યસ, વી કૅનની જેમ અપનાવવા જેવું એક પ્રેરણાદાયી સૂત્ર.

જતાં જતાં...

પ્રશ્ન: દૂરદર્શનની વર્ષો જૂની નુક્કડ સિરિયલ અચાનક જોવાની ઈચ્છા થાય એને પ્રાકૃત ભાષામાં શું કહે છે ખબર છે?

જવાબ: ઈચ્છામિ નુક્કડમ!

Tuesday, September 10, 2013

નબળો વડાપ્રધાન વિપક્ષ પર શૂરો...

29 માર્ચ 2013નાં રોજ જૂની અને નવી કહેવતો, પંક્તિઓ, કડીઓની સરખામણી કરતી બ્લૉગ પોસ્ટ મૂકી હતી. બદલાતાં સમયને ધ્યાનમાં રાખીને ફેરફાર કરેલી નવી કહેવતો, પંક્તિઓ, વાક્યોનો બીજો ભાગ પ્રસ્તુત છે:જૂની કહેવતો/રૂઢિપ્રયોગો/પદો/પંક્તિઓ
નવી કહેવતો/રૂઢિપ્રયોગો/પદો/પંક્તિઓ
છીંડે ચડ્યો ચોર
છાપે ચડી સિલેબ્રિટી....
નબળો ધણી બૈયર પર શૂરો
નબળો વડાપ્રધાન વિપક્ષ પર શૂરો...
આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું....
ઍકાઉન્ટ હૅક થાય ત્યારે પાસવર્ડ બદલવાનું વિચારવું.
મન ચંગા તો કથરોટ મેં ગંગા
તન નંગા તો ટીઆરપી એકદમ ચંગા...
ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળું મારવું
સિસ્ટમમાં હૅકિંગ થયા પછી સિક્યોરિટીના પગલાં લેવાં...
ઝાઝી કીડીઓ સાપને તાણે
(ફેસબુક પર) ઝાઝાં (સુંદર) ફોટાં લાઈક્સને તાણે.
શેઠની શિખામણ ઝાંપા સુધી....
લેખ વાંચ્યાની અસર છેલ્લાં ફકરાં સુધી..
અથવા
જનરલ નૉલેજનું વાચન IAS થાઓ ત્યાં સુધી...
જેની રૂપાળી વહુ એના દોસ્તો સહુ.
ફેસબુક પર જેના રૂપાળા ફોટા એના ફ્રેન્ડલિસ્ટ મોટાં.
કોઈનો પ્રેમ ઓછો હોતો નથી, માત્ર આપણી અપેક્ષાઓ વધારે હોય છે.
(હરીન્દ્ર દવે)
કોઈની લાઈક્સ કે કમેન્ટ ઓછી હોતી નથી, માત્ર આપણાં સ્ટેટસ અપડેટ્સ વધારે હોય છે.
સળી માટે શ્રાદ્ધ અટકવું....
એકાદ ટકા બાકી હોય અને ડાઉનલોડિંગ અટકી જવું....
હાર્યો જુગારી બમણું રમે...
હાર્યો સટોડિયો બમણો સટ્ટો રમે...
એક ઈશ્વરને માટે મમત કેટલી
એક શ્રદ્ધાને માટે ધરમ કેટલાં
(શૂન્ય પાલનપુરી)
એક સ્ટેટસને કમેન્ટ કેટલી...
એક કમેન્ટ માટે લાઈક કેટલી... 

સુરાથી લઈ ને મેં કોશિશ કરી નમાઝ સુધી,
પણ એક સરખી કશામાં મજા નથી મળતી
(મરીઝ)
'ઘાયલ'થી લઈને મેં કોશિશ કરી 'બેફામ' સુધી.... મરીઝ જેવી એકસરખી મજા કશામાં આવતી નથી...

એક દર્દ હતું જેને સિગારેટની જેમ મેં ચૂપચાપ પીધું છે.
(અમૃતા પ્રીતમ)
એક ઢોકળું હતું જેને મેં રબરના ટાયરની જેમ ચૂપચાપ ચાવ્યું છે.
(અશોક દવે)