Pages

Saturday, August 31, 2013

આસારામ...તમાશારામ : સાધુ તો "મચલતા" ભલા?

જોધપુર આશ્રમમાં 16 વર્ષની છોકરી સાથે જાતિય દુષ્કર્મના આરોપો અંગે ધરપકડનો ભય જેમના પર ઝળુંબી રહ્યો છે એવા આસારામ બાપુ પર લાગેલી કલમો વિશે એક પત્રકાર ચાર-પાંચ દિવસ અગાઉ એમને પ્રશ્નો પૂછી રહ્યો હતો. આસારામ સાંભળ્યું- ન સાંભળ્યું કરીને આડાઅવળા જવાબો આપતાં રહ્યાં, "ડાયાબિટીસવાળી વ્યક્તિએ સવારે 9થી 11ની વચ્ચે ભોજન લઈ લેવું જોઈએ, રાત્રે 3થી 5માં જે માણસ જાગે છે એના સ્વાસ્થ્યને નુકસાન થાય છે..."  વગેરે વગેરે અને પછી ૐ ૐ ના જાપ બોલીને સત્સંગનો સમય થઈ ગયો હોવાનું કહીને પલાયન થઈ ગયાં.

જોધપુર પોલિસે બજાવેલા સમન્સની અવગણના કરીને સત્સંગમાં લીન હોવાનું નાટક કરતાં આસારામની ગમે ત્યારે ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ઈન્ડિયા ન્યુઝ ચેનલ પર એક રસપ્રદ હેડલાઈન જોવા મળી: आसाराम पूछताछ के लिए बीमार, प्रवचन के लिए तैयार ! કોઈક સમાચારમાં આસારામ માટે Self-styled Godman જેવું નવું વિશેષણ વાંચ્યું. લોકજીભે અને લોકહૈયે પ્રચલિત થતાં લોકગીતનાં મૂળ સર્જકનું જેમ નામ ખબર હોતી નથી અને એ ગીત લોકોનું બની જાય છે એ જ રીતે પત્રકારત્વમાં ઉછાળવામાં આવતાં રસપ્રદ શબ્દોના જન્મદાતાનું નામ ખબર પડતી નથી પરંતુ મીડિયાકર્મીઓમાં આવા વિશેષણો ચલણી સિક્કાની જેમ ફરતાં થઈ જાય છે.  

આસારામ : લાજવાને બદલે ગાજતાં સાધુ


હું 11-12માં ધોરણમાં ભણતો ત્યારે મારી બાલી ઉમર હતી અથવા એમ કહો કે બાલી ઉમર હતી એટલે 11મા, 12મા ધોરણમાં ભણતો હતો. એ વખતે એક મિત્રે આસારામ બાપુના સંતકૃપા ચૂર્ણથી પોતાને થયેલાં લાભોની વાત કરી હતી અને એ જ અરસામાં આસારામના એક પરિચિત ભક્તે ઋષિપ્રસાદ મૅગેઝિન બંધાવી આપ્યું હતું. (મૅગેઝિનમાં ઓશો ટાઈમ્સ સહિતનાં અન્ય પ્રકાશનોમાંથી ઉઠાંતરી કરેલી સામગ્રી પીરસાતી હતી.) એ પછી આસારામ પ્રત્યે એવો કોઈ લગાવ ન રહ્યો. એમના અમદાવાદના આશ્રમ પાસે બે બાળકોના અપમૃત્યુની વિગતો પ્રકાશમાં આવ્યા બાદ તો લગાવની લગીરે પણ શક્યતા ન રહી. મુગ્ધાવસ્થામાં રસપૂર્વક ઋષિ પ્રસાદ વાંચવાના કમનસીબ સમયગાળાથી માંડીને હવે ખુદ આસારામને પ્રસાદ આપવાનું મન થાય ત્યાં સુધીની બૌદ્ધિક તરક્કી કરી છે. 

આજે 31 ઑગસ્ટનાં રોજ ગત વર્ષે 16 ડિસેમ્બરે દિલ્હીમાં થયેલાં અત્યંત ચકચારી અને ઘૃણાસ્પદ નિર્ભયા ગૅન્ગ રેપ કેસના એક સગીર આરોપીને માત્ર ત્રણ વર્ષની કેદની સજા ફરમાવી ત્યારે IBN7માં જિંદગી લાઈવ ટૉક શોની સૌમ્ય, શાલીન અને ગરિમાસભર ઍન્કર ઋચા અનિરુદ્ધે ફેસબુક પર સરસ અવલોકન રજૂ કર્યું કે 72 વર્ષના આસારામ ધરપકડને ટાળી રહ્યા છે જ્યારે 17 વર્ષનો સગીર છોકરો 3 વર્ષની મામૂલી સજા પામે છે. આવું આપણાં ભારતમાં જ થઈ શકે."

આસારામની ધરપકડ ટાળવા માટે જાતજાતનાં બહાના રજૂ કરવામાં આવી રહ્યા છે. ભાજપનો કોઈ રાષ્ટ્રીય સ્તરનો નેતા આ મુદ્દે ખૂલીને બોલવા માટે તૈયાર નથી એનું આશ્ચર્ય છે. આસારામનો પુત્ર નારાયણ સાંઈ કહે છે કે બાપુને ન્યુરૉલૉજીકલ સમસ્યા થઈ છે. પત્રકારોના સવાલો ચાતરીને આસારામ જે રીતે જવાબો આપવાને બદલે સ્વાસ્થ્યની ટિપ્સ આપતા હતાં એ જોતાં નારાયણ સાંઈનો દાવો સાચો લાગે છે કે ખરેખર બાપુને ન્યુરૉલૉજીકલ સમસ્યા છે. અત્યારનાં તનાવગ્રસ્ત સંજોગો જોતાં લાગે છે કે સંતકૃપા ચૂર્ણ બનાવનાર આસારામ બાપુ પર પ્રભુની કોઈ કૃપા ઉતરે એમ લાગતું નથી.

Tuesday, August 27, 2013

મિડ-ડે મીલ અને ફૂડ સૅફ્ટી બિલ : આડઅસર ખોરાકની અને બિલની ચર્ચાની !

દોઢેક મહિના પહેલાં જુલાઈ 2013માં બિહારની એક શાળામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભોજન આરોગનારા શાળાનાં 23 બાળકોના મોતની કરૂણાંતિકા યાદ હશે. આજે લોકસભામાં ખાદ્ય સુરક્ષા બિલ એટલે કે ફૂડ સેફ્ટી બિલ પસાર થવા દરમિયાન 6 કલાકની ટ્રિપલ મૅરેથોન ચર્ચા (એક મૅરેથોન રેસમાં આશરે બે કલાક લાગે) દરમિયાન કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની તબિયત નાદુરસ્ત થઈ ગઈ અને એમને ઍઈમ્સ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં.

કોઈકને મધ્યાહન ભોજનની તો કોઈકને ભોજન વિશેની ચર્ચાની આડઅસર!

પહેલી ઘટનામાં ભોજનમાં જંતુનાશકો હોવાને કારણે થયેલાં ફૂડ પૉઈઝનિંગને લીધે બાળકો મૃત્યુ પામ્યા. બીજામાં ફૂડ સૅફ્ટી બિલની ચર્ચાની કદાચ આડઅસર થઈ હશે એટલે સોનિયાજીને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં. મિડ-ડે મીલ હોય કે ફૂડ સૅફ્ટી બિલ હોય, સાલું આજકાલ ખાવા-પીવાની બાબતમાં કોઈ સલામતી રહી નથી. જ્યોતિષની કૉલમમાં "પડવા-વાગવાથી સાચવવું"ને બદલે "ખાવા-પીવાથી સાચવવું" એવું વાંચવા મળે તો નવાઈ નહીં.

ફૂડ સૅફ્ટી બિલ આમ તો ગરીબો માટે રાહત દરે અનાજ પૂરું પાડવાનું સુનિશ્ચિત કરવા માટેનું બિલ છે, પરંતુ ચાર નહીં ચારસો હાથોથી માલ-મલીદો ખાવામાં ચકચૂર યુપીએ સરકાર માટે આ બિલ "ખાવાનું" સેફ બનાવતી વધુ એક યોજના બનીને રહી જાય તો નવાઈ નહીં !

સોનિયા ગાંધી અસ્વસ્થ થયા અને એમને સ્વસ્થ કરવાના "એઈમ"થી એઈમ્સ હૉસ્પિટલમાં લઈ જવાયા કે તરત જ બધું ફોકસ ફૂડ સૅફ્ટી બિલ પરથી હટીને સોનિયા મૅડમ પર આવી ગયું. છેલ્લાં સમાચાર પ્રમાણે સોનિયાની હાલત સ્થિર છે, દરમિયાન દેશની હાલત, ઍઝ યૂઝુઅલ, અસ્થિર છે!

Monday, August 19, 2013

ચંદ્રકાંત બક્ષી : સલ્ફ્યુરસ મિજાજનાં ફ્યુઅરિઅસ, ફરોશસ અને સરફરોશ લેખક

20 ઑગસ્ટ 2013, ચંદ્રકાંત બક્ષીની 81મી જન્મજયંતિ...

ચંદ્રકાંત બક્ષી. આ નામ કાને પડતાં જ ગુજરાતી વાચકોનાં મનમાં એક સાથે કેટલાંક આઘાત-પ્રત્યાઘાતના વમળો સર્જાય. બક્ષી એટલે એક ટાવરિંગ પર્સનાલિટી. ગગનચુંબી સ્કાયક્રેપરના સૌથી ટૉપ ફ્લોર પર નજર કરવા માટે ડોક તાણવી પડે એમ ચંદ્રકાંત બક્ષીની વૈચારિક ઊંચાઈને માપવા માટે બહુ ઊંચે સુધી મીટ માંડવી પડે. લેજેન્ડ શબ્દનો ઉપયોગ એમના માટે કરવાનું મન થાય પણ 2001માં બક્ષીબાબુના લેખનની સુવર્ણ જયંતિ નિમિત્તે જય વસાવડાએ લખ્યું હતું કે, "લેજેન્ડ મરે છે એટલે બક્ષીને લેજેન્ડ ન કહી શકાય". વાત સાચી પણ છે. એમની નવલકથાઓ, વાર્તાઓ, કટાર લેખોને દાયકાઓ વીતી ગયા હોવા છતાં વાસીપણું આભડી શક્યું નથી. 1500 વર્ષથી કાટ લાગ્યા વિના અડીખમ ઊભેલાં દિલ્હીનાં લોહસ્તંભ અને બક્ષીની કલમનું મૂળ તત્ત્વ એક જ હોવું જોઈએ. જીવાતાં જીવનના પ્રવાહોને પારખીને વાચકોના મનમાં વિચારકંપ સર્જી શકનાર લેખકનું ભલે દૈહિક નિધન થાય, પણ ચૈતસિક રીતે એ હંમેશા વાચકોના મનમાં સદા સરતાજ બની રહે છે.

સ્મૃતિના આધારે અને ગુજરાતી બુક્સ વેબસાઈટ પર આપેલી લેખકોની યાદીના આધારે ગુજરાતીમાં ચંદ્રકાંત નામવાળા લેખકો આટલાં છે : ચંદ્રકાંત બક્ષી, ચંદ્રકાંત શેઠ, ચંદ્રકાંત ટોપીવાળા, ચંદ્રકાંત પટેલ, ચંદ્રકાંત શાહ, ચંદ્રકાંત મહેતા, ચંદ્રકાંત વાગડિયા, ચંદ્રકાંત પંડ્યા, ચંદ્રકાંત દેસાઈ, ચંદ્રકાંત અમીન, ચંદ્રકાંત આનંદપરા, ચંદ્રકાંત ત્રિવેદી, ચંદ્રકાંત પરમાર, ચંદ્રકાંત પાઠક, ચંદ્રકાંત રાવ, ચંદ્રકાંત રાઠોડ અને ચંદ્રકાંત ઠક્કર.  પરંતુ આમાં શાશ્વત કીર્તિને વરેલું રસપ્રદ અને ચર્ચાસ્પદ નામ એક જ છે : ચંદ્રકાંત બક્ષી !


પડઘા ડૂબી ગયા...1957માં લખાયેલી આ નવલકથા સાથે ગુજરાતી સાહિત્યનાં નવલકથાવિશ્વમાં ચંદ્રકાંત બક્ષીનો પ્રવેશ થયો ત્યારથી આજ દિન સુધી એમના વિધ્વંસક અને વિસ્ફોટક વિચારોના પડઘાં ડૂબ્યા નથી, બલકે હજીપણ ગૂંજી રહ્યા છે. ચંદ્રકાંત બક્ષીને સમર્પિત બ્લૉગ "બાકાયદા બક્ષી", એમના ક્યાંય ન મળતાં આઉટ ઑફ પ્રિન્ટ પુસ્તકો ઈ-બૂક્સ તરીકે વહેતા મૂકવાનો ઉપક્રમ, એમના જીવન પર આધારિત નાટક "હું, ચંદ્રકાંત બક્ષી"નું તાજેતરમાં થયેલું મંચન....ચાહકો સાયબર વર્લ્ડ અને વાસ્તવિક વિશ્વમાં બક્ષીબાબુના વૈચારિક અસ્તિત્વને જીવંત રાખી રહ્યા છે. સતર્ક વાચકો ખુશકિસ્મત લેખકોને મળે છે એવું એમણે એમની એક ડિટેક્ટિવ નવલકથા "હનીમૂન"ની પ્રસ્તાવનામાં લખ્યું હતું. જો કે, આપણાં જેવા વાચકોની ખુશકિસ્મતી છે કે આપણને બક્ષીબાબુ જેવા લેખક મળ્યાં જેમના દાયકાઓ પહેલાંનાં લખાણમાં આજે પણ એટલી જ તાજગી વર્તાય છે. હજી થોડાં મહિનાઓ પહેલાં જ અમદાવાદમાં ફતેહપુરા, પાલડી વિસ્તારમાં એક માર્ગ આગળથી પસાર થતો હતો ત્યારે ત્રણેક મધ્યવયસ્ક મિત્રો અહોભાવથી ચંદ્રકાંત બક્ષીની કલમનાં ચુંબકીય આકર્ષણની વાતો કરતાં હતાં એ અનાયાસે કાને પડતાં ચહેરા પર ચમક આવી જવી સ્વાભાવિક હતી.

ઉસ્તાદ વિલાયત ખાન અને ઉસ્તાદ શાહિદ પરવેઝ ખાન સિતાર પર કોઈપણ રાગ છેડે ત્યારે પોતાના પાક્કાં ઈમ્પેકબલ (impeccable) પર્ફૉર્મન્સથી જે તે રાગના નિષ્ણાંત હોવાની એક અમીટ છાપ મૂકી જાય એ જ રીતે બક્ષીબાબુ એમની કટારમાં કોઈપણ વિષય હાથમાં લે ત્યારે જે તે વિષયને ન્યાય આપતી અનન્ય માવજત દ્રષ્ટિગોચર થયા વિના રહે નહીં. નવલકથા, ટૂંકી વાર્તા કે કટાર લેખો - બક્ષીબાબુએ લેખનનાં જે સ્વરૂપમાં ખેડાણ કર્યું એ સ્વરૂપને એક નવી ઊંચાઈ બક્ષી. "જહાં હમ ખડે હોતે હૈ, લાઈન વહીં સે શુરૂ હોતી હૈ"... લેખના અંતે મૂકાતો ટેઈલપીસ હોય કે કૉલમ સાથે પ્રગટ થતો લેખકનો ફોટો હોય, બિગ બીનાં આ વિખ્યાત ડાયલોગની જેમ બક્ષીસાહેબ નવો ચીલો ચાતરે એટલે અન્ય લેખકો અનુસરણ કરવા પ્રેરાય.

ધીમી ગતિએ આગળ વધતો વાર્તાપ્રવાહ,  પ્રોટૅગનિસ્ટ પર હાવી થઈ જતું પોતાનું જ વ્યક્તિત્વ, વગેરે માઈનસ પૉઈન્ટ્સને કારણે ચંદ્રકાંત બક્ષીની નવલકથાઓના વાચકોની સંખ્યા એમના કટાર લેખોના કાયલ કમ્પલ્ઝિવ વાચકોની સંખ્યાની સરખામણીએ ઓછી રહી. જો કે, આ ખામીઓને નજરઅંદાજ કરીએ તો પણ એમણે નવલકથાઓમાં પ્રયોજેલા રૂપકો, બિમ્બો, પ્રતીકો, લોકાલનાં વર્ણનો અને પાત્રો વચ્ચેનાં રસપ્રદ સંવાદોમાંથી ચકોર વાચક કંઈક ને કંઈક વિલક્ષણ અને વિચક્ષણ અવલોકનોનું અત્તર પામ્યા વિના રહી ન શકે. કુટુંબવત્સલ પિતા અને પત્નીવ્રતા પતિ તરીકેનું  શિસ્તસભર સુખી અને સફળ સાંસારિક જીવન જીવનાર ચંદ્રકાંત બક્ષીએ એમની નવલકથાઓમાં સમાજનાં બંધનો ફગાવીને જીવતાં બળવાખોર પાત્રો સર્જ્યા છે એ રસપ્રદ વિરોધાભાસ  નોંધનીય છે. કેસર, ચંદન, કસ્તૂરીના કદરદાનો મર્યાદિત હોય એમ બક્ષીબાબુની નવલકથાઓ ખાસ વાચક વર્ગ સુધી મર્યાદિત રહી. પલ્પ ફિક્શનની ખાટીમીઠી પીપરમીંટ ચૂસવામાંથી ઊંચા ન આવતા વાચકો બક્ષીબાબુની નવલકથાઓને મૂલવવામાં વામણાં સાબિત થાય એ દેખીતી વાત છે. એકતા કપૂરની ટીવી સિરિયલ્સના લંબાયે જતાં ઍપિસોડ્સની જેમ પંદરસોથી બે હજાર પાનામાં ફેલાયેલાં બબ્બે ત્રણ-ત્રણ ભાગોમાં નવલકથાનો અતિશય લંબાણપૂર્વક બિનજરૂરી પથારો અને ઠઠારો કરનારા લેખકોની વચ્ચે બક્ષીની ચુસ્ત અને કૉમ્પેક્ટ સાહિત્યકૃતિઓ એક સુખદ અપવાદ બની રહેશે.

2001માં એક લેખમાં એમણે લખેલું કે મૃત્યુને પાંચ-સાત વર્ષ દૂર ઊભેલું જોઈ શકું છું. મૃત્યુ હાર્ટ-અટૅકથી થશે એવો સંકેત પણ એમણે આપેલો. બરાબર પાંચ વર્ષ પછી 2006માં એમણે એમના વિચારકંપની તો-ફાની દુનિયામાંથી વિદાય લીધી. જીવનને સભરતાથી અને સહજતાથી ભરપૂર જીવી શકે એવી સિદ્ધ વ્યક્તિ જ કદાચ આટલી સચોટતાથી મૃત્યુની આગાહી કરી શકે એવું હું માનું છું. બક્ષી જેવા ગ્રેટ માણસને રિગ્રેટ શાનાં? સ્વ. સુરેશ દલાલ, ભગવતીકુમાર શર્મા, તારક મહેતા જેવા લેખકોની જેમ ડિક્ટેટ કરીને અન્ય મદદનીશ પાસે લેખો લખાવવાની નોબત આવે એવી મોહતાજીની ક્ષણ પહેલાં જ બક્ષીબાબુની કલમે વિરામ લઈ લીધો.

1952નાં સંઘર્ષના દિવસોમાં બક્ષીબાબુએ મુંબઈના દવાબજારમાં સલ્ફાડાયઝીનના ડબ્બા ઉપાડીને મ્યુનિસિપાલિટીમાં આપવા જવાની નોકરી કરી. સલ્ફાડાયઝીન એ એક ચેપમાં બેક્ટેરિયાનો ખાત્મો કરતી દવા છે. જેની આડઅસરોમાં ઉબકાં, પેટમાં ગરબડ, ભૂખ મરી જવી અને ચક્કરનો સમાવેશ થાય છે. સલ્ફાડાયઝીનથી સમકાલ (છેલ્લી નવલકથા) સુધીની સફરમાં બક્ષીબાબુના સાહિત્યનું વિવેચન કરવા નીકળી પડેલાં માયોપિયાથી પીડાતાં અલ્પદ્રષ્ટિ બબૂચક વિવેચકોને અહીં લખેલી બધી આડઅસરોનો અનુભવ થયો. સલ્ફ્યુરસ મિજાજનાં ફ્યુઅરિઅસ (furious), ફરોશસ (ferocious) અને સરફરોશ લેખક ચંદ્રકાંત બક્ષીની કલમમાંથી નીકળતી તેજાબી મિજાજની ધુમ્રસેર દાયકાઓ સુધી લાખો વાચકો માટે વાચનનાં પ્રાણવાયુ સમાન બની રહી.

મનમાં ઘૂમરી લેતાં અમર્યાદ વિચારોના વ્યાપને વાચા આપવા માટે બક્ષીબાબુને ગુજરાતી શબ્દોના પાયદળમાં યોગ્ય અભિવ્યક્તિ કરી શકાય તેવા શબ્દોની ખોટ વર્તાઈ એટલે એમણે ઉર્દૂ-હિન્દીના વેધક શબ્દોની પલટનને વિચારોની રણભૂમિમાં લડવા માટે મોકો આપ્યો. ખુદને ગુજરાતી સાહિત્યની પરંપરાના એક સૈનિક તરીકે ઓળખાવનાર બક્ષીબાબુને 81મી જન્મજયંતિએ એમના 181 પુસ્તકોની અખૂટ વૈવિધ્ય ધરાવતી વાચન સામગ્રી નહીં પણ વિચારોનો પલીતો ચાંપતી વાચન જામગરી માટે સલામી !

Monday, August 12, 2013

ઝલકની અકલ્પ્ય વિદાય અને મૃત્યુના આઘાતની એક ઝલક

છેલ્લાં દસેક વર્ષમાં ઘણાં સ્વજનોનાં મૃત્યુ થયાં, એમાંથી એકાદ અપવાદને બાદ કરતાં કોઈનું મૃત્યુ મને રડાવી શક્યું નથી. રોજેરોજ જેમને મળતાં હોઈએ, આપણી આસપાસ વસતાં હોય એની સાથે વૈચારિક દૂરી હોવાને કારણે આત્મીયતા ઓછી હોઈ શકે. બીજી તરફ, જેની સાથે ભૌગોલિક અંતર વધારે હોય પણ વૈચારિક રીતે આત્મીયતા અનુભવાતી હોય એ દૂર હોવા છતાં આપ્તજન જેવું લાગે એમ બનતું હોય છે. મારા ફેસબુક લિસ્ટમાં સામેલ આવી જ એક માસૂમ દોસ્તનાં કમળાની બિમારીથી 10 ઑગસ્ટનાં રોજ અકાળે અવસાનનાં આઘાતજનક સમાચારથી આંખો છલકાયા વિના ન રહી શકી.

ઝલક પાઠક એનું નામ. ઉંમરનો ચોક્કસ આંકડો મારી પાસે નથી પણ 22થી 24 વર્ષની આસપાસ હોઈ શકે. ઉત્સાહ, ઉમંગ અને ઊર્જાનાં ત્રિવેણીસંગમ જેવું વ્યક્તિત્વ. ફેસબુકનો એક લાડીલો અને લોકપ્રિય ચહેરો. વાંચનપ્રેમી અને વિચારશીલ જીવ. જય વસાવડા અને અશ્વિની ભટ્ટ સહિતનાં ઘણાં એનાં પ્રિય લેખકો. ફિલ્મો જોવાની શોખીન. હમખયાલ અને હમશૌકીન મિત્રો સાથે જોયેલી દરેક ફિલ્મ અંગે ફેસબુક પર નિયમિત અપડેટ મૂકે અને પોતાનું વિશ્લેષણ રજૂ કરીને નિખાલસ અભિપ્રાયો વ્યક્ત કરી જાણે. ઉંમર સહજ તોફાન, મસ્તી, નિર્દોષતા છતાં વ્યક્તિત્વમાં ક્યાંય આછકલાઈ કે આડંબર જોવા ન મળે. શરમાળ કે વાચાળ એવી કોઈપણ વ્યક્તિને જલ્દીથી એની સાથે ગોઠી જાય એવું માયાળુ વ્યક્તિત્વ. સર્જનાત્મકતા અને સંવેદનશીલતાનો એનામાં સુંદર સમન્વય થયો હતો. 

માર્ચ-એપ્રિલ 2013નાં મહિનાઓ દરમિયાન મેં મારી ફેસબુક પ્રોફાઈલ ડિઍક્ટિવેટ જ નહીં પરંતુ ડિલીટ પણ કરી નાંખી હતી. મે મહિનામાં હું ફરીથી સક્રિય થયો ત્યારે તરત મારી હાજરીની નોંધ લઈને એણે સામે ચાલીને ફરીથી મિત્ર બનવા માટે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ફેસબુક પર ઘણી વખત મિનિટો સુધી લાઈક કે કમેન્ટ વિનાં રેઢાં પડી રહેલાં સ્ટેટસ અપડેટ્સ પર પહેલી લાઈક ઝલકની આવતી ત્યારે મારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતો. મારા દીકરા ફલકનો જન્મ થયો ત્યારે ઝલકની સાથે ઉચ્ચારમાં મળતું આવતું નામ વાંચીને એણે પોતાના નામની જોડણી ZaLuckની જેમ FaLuck લખીને શુભેચ્છાઓ પાઠવી હતી એ ભૂલાશે નહીં. :)એના અવસાનનાં સમાચાર સાથે જ ફેસબુક પર મિત્રો, સ્વજનોના શોક સંદેશાઓ સ્ટેટસ અપડેટ્સ અને કમેન્ટ્સમાં જોઈને ગ્લાનિ થવી સ્વાભાવિક છે કે આટલી નાની ઉંમરે કેટલાંય લોકોની લાડકી છોકરીની જીવનલીલા સંકેલાઈ જાય એની પાછળ કુદરતના કયા ક્રૂર સમીકરણો કામ કરતાં હશે? એને ગુમાવનાર કુટુંબીજનો અને થોડાં સમય પહેલાં જ જેની સાથે એની સગાઈ થઈ હતી એ યુવકને લાગેલા આઘાતની કલ્પના જ કરવી રહી.

ત્રણેક મહિના અગાઉ ફેસબુક પર ઝલકે લખેલી "શંકા" શીર્ષક હેઠળની કવિતા સાથે એને ભાવભીની વિદાય:


જ્યારે પણ તેં દીપ પ્રગટાવ્યા
દુર થયા છે કાળા અંધારા
તો પછી કેમ મનમાં શંકા તારા

ધીરજ ખોઇ નાંખે પોતે જ
ને ક્રોધ કે આમ કેમ થાય છે
નિયતી ઝપટે એના પર જ
જે શ્રધ્ધાથી એક ટેક ચાલે રે
તો પછી કેમ મનમાં શંકા તારા

વીર પરાજીત થઇ શકે છે
નથી છોડતા આશા જય ની
થાકીને આજે ડુબ્યો છે સૂરજ
તેજયુક્ત થઇ ઉગશે ફરી
તો પછી કેમ મનમાં શંકા તારા

માન જૂઠ અપમાન જૂઠ છે
જીવનનું અભિમાન જૂઠ છે
ઇચ્છાઓ ની પ્રત્યંચા પર
માયાઓ પ્રેરીત તીર છે
તો પછી કેમ મનમાં શંકા તારા

(ઝલક પાઠક)

Tuesday, August 6, 2013

"અખિલેશ" બ્રહ્માંડમાં ભ્રષ્ટાચાર જૂજવે રૂપે અનંત ભાસે

રેતીની ખાણોમાંથી ગેરકાનૂની રીતે રેતી ખોદી કાઢતાં ઉત્તર પ્રદેશમાં સેન્ડ માફિયા પર કડક કાર્યવાહીની પસ્તાળ પાડનાર આઈએએસ ઑફિસર દુર્ગાશક્તિ નાગપાલને સસ્પેન્ડ કરીને ઉત્તર પ્રદેશ સરકારે એક પ્રામાણિક અધિકારીની કારકીર્દિની ઘોર ખોદી નાંખી. સુવર્ણ ચતુર્ભુજ હાઈવે બાંધકામ પ્રોજેક્ટમાં ગોલમાલ સામે લડવાની જુર્રત કરીને 2003માં મોતને વ્હાલું કરનાર સત્યેન્દ્ર દુબે હોય કે લોકપાલ બિલ માટે આંદોલન ચલાવીને ક્રાંતિનો ક્ષણિક જુવાળ ફૂંકીને ગુમનામીની ગર્તામાં પાછા ધકેલાઈ ગયેલાં અન્ના હજારે હોય, સિસ્ટમમાં ભ્રષ્ટાચારની સર્વવ્યાપકતા સામે મેદાને પડનારાં મુઠ્ઠીભર વ્હીસલબ્લોઅર્સની સિસોટીનો તમરાં જેવો તીણો અવાજ સમય જતાં ઝીણો થઈને પછી શાંત પડી જાય છે. વ્હીસલબ્લોઅર્સને બદલે રણશિંગું ફૂંકનારા રણશિંગાં બ્લોઅર્સ પણ આવે તો પણ રાજકારણીઓની જાડી ચામડી અને નઘરોળપણાં અને નફ્ફટાઈ સામે કોઈનું કશું ઉપજતું નથી. ભ્રષ્ટાચાર સામે ક્ષણિક ફૂંકાતાં રણશિંગાના કર્કશ અવાજને બદલે લોકોને તો બસ એકબીજા પ્રત્યેની સદભાવનાની સુરીલી શરણાઈઓ જ સાંભળ્યા કરવી છે.

સભ્યતા-સજ્જનતાનાં લીરેલીરાં ઉડાવતી અને સમાજને આઘાતનાં આફ્ટરશૉક્સ આપતી ઘટનાઓ અને એના આરોપીઓ સામેના આક્રોશ બાબતે મીડિયા દ્વારા શરૂઆતમાં અપાતું પ્રશંસનીય લીવરેજ અને કવરેજ એ હદે થતું હોય છે કે જાણે જનજાગૃતિનો જુવાળ આવ્યો જ સમજો અને સમાજની બધી ગંદકી દૂર થાય એ દિવસો હાથવેંતમાં છે. પણ આવું કશું થતું નથી. દુર્ગાશક્તિનો મામલો જે રીતે ચગ્યો છે એ જોતાં લાગે છે કે આજકાલ ક્લાસિકલ મ્યુઝિકનાં કાર્યક્રમોમાં પણ વાદકો અને ગાયકો રાગ દુર્ગા પર વધારે ભાર મૂકતાં હશે. સંસદની સ્પીચમાં શાયરીઓ ઠપકારવાના શોખીન ભ્રષ્ટાચારના ભસ્માસુરોથી માંડીને પોતાને પ્રામાણિકતાનાં પ્રહરી સમજતી હર કોઈ વ્યક્તિ દુષ્યંતકુમારની પેલી પાવરફુલ્લી પૉપ્યુલર પંક્તિઓનો દેશભક્તિના માસિક સ્ત્રાવ વખતે વ્હિસ્પરના સેનિટરી નેપકીનની જેમ ઉપયોગ કરે છે. પણ સમાજની રાની અને રોની સૂરત બદલાતી નથી બલકે હંગામો ખડો કરવાના મકસદ પછી ઊભો થયેલો જુવાળ હંગામી બની જાય છે. સત્યેન્દ્ર દુબેની જેમ ગોબાચારીની પોલ ખોલવા જાય એની જીવન નૈયા ડૂબે છે. ડાહ્યાડમરાં અધિકારીઓની જેમ કામ કરનારાં પાછલી લાઈફમાં શાંતિથી પેન્શન ખાય છે, જ્યારે દુર્ગાશક્તિ જેવા પ્રામાણિક અફસરોને સસ્પેન્શન મળે છે.   

સત્યેન્દ્ર દુબે અને દુર્ગાશક્તિ નાગપાલ : પ્રામાણિકતાનું એક પરિમાણ - કાર્યવાહીનું અલગ પરિણામ !


ફેસબુક પર લેખક જય વસાવડાએ આઘાતથી સ્તબ્ધ ઈમોટિકોન સાથેનું એક સ્ટેટસ મૂક્યું : 

मोडर्न महिषासुरमर्दन : दुर्गा की कर्तव्य शक्ति v/s पाले हुए ज़हरीले नाग ! નાગ એટલે સર્પન્ટ (Serpent) અને દુર્ગાશક્તિ એક સિવિલ સર્વન્ટ છે. એટલે આ લડાઈ પોલિટિકલ સર્પન્ટ અને સિવિલ સર્વન્ટ વચ્ચેની છે. બક્ષીસાહેબે એમની એક નવલકથામાં મિનિસ્ટર અને સિનિસ્ટરની સરસ શબ્દરમત કરી હતી. Sinister એટલે અપશુકનિયાળ. મિનિસ્ટર છે એટલે જ સિનિસ્ટર જેવો લાગે છે. :))

ઍની વે, ભ્રષ્ટાચારનાં આ ભયાનક ભોરિંગ વિશે વધારે લખીને બોરિંગ બનવું નથી. મારા જેવો અદનો અને નાના કદનો નાગરિક રોષ વ્યક્ત કરવા માટે એકાદ કવિતા જેવું લખ્યા સિવાય બીજું શું કરી શકે?  

દુર્ગમ સંજોગોનો સામનો કરી રહેલી દુર્ગાશક્તિ
ભ્રષ્ટાચારમાં ફાળો આપી રહેલા નેતાઓ યથાશક્તિ

આ તો મરજાદી રહેવા ટેવાયેલી પ્રજા છે પ્રજા
અહીં કોઈને ઉપાડવો નથી ક્રાંતિનો ઝંડો કે ધજા

જેણે જેણે અગાઉ ઉપાડી છે આવી ધજા
એની આબરૂના થયા છે ધજાગરા
 ભ્રષ્ટાચારથી મળેલી મીઠી નીંદ ગુમાવીને
અહીં કોઈને પણ કરવા નથી ઉજાગરા

હંગામો ખડો કરવાનો ભલે હોય મકસદ
આખરે તો પ્રામાણિકને મળે છે રુખસદ

અખિલેશ બ્રહ્માંડમાં ભ્રષ્ટાચાર, જૂજવે રૂપે અનંત ભાસે !

Sunday, August 4, 2013

ફ્રેન્ડશિપ ડેનો બેલ્ટ કે રક્ષાબંધનની રાખડી?

ફ્રેન્ડશિપ ડે.... ફેસબુકનાં ઑબ્સેસિવ કમ્પલ્ઝિવ અઠંગ અફીણી યુઝર્સ માટે સ્ટેટસ અપડેટ્સની ઝડી વરસાવવાનું વધુ એક નિમિત્ત ! કોઈ હૈયામાંથી વહેતાં મૈત્રીભાવના પવિત્ર ઝરણાંની વાત કરશે, તો કોઈ જુલિયસ સીઝરની પીઠમાં સીઝરને બદલે ખંજર હુલાવી દેનાર દગાબાજ મિત્ર વિશે હેમેન શાહની પંક્તિઓથી અભિવ્યક્તિ કરશે, કોઈ રમેશ પારેખની જેમ મિત્રોને ચુંબનની ઢગલી સાથે સરખાવીને ખરેખરાં હોઠોને બદલે શબ્દોથી ચુંબન કરીને ભાગી જશે...જેટલી વ્યક્તિઓ એટલી અભિવ્યક્તિઓ ! વર્ષો પહેલાં કોઈ અંગ્રેજી ક્વોટનું ગુજરાતી ભાષાંતર વાંચ્યું હતું કે આખી દુનિયા બહાર જતી રહે ત્યારે ઘરમાં આવે એ સાચો મિત્ર. જો કે મને આ ક્વોટ મિત્ર કરતાં કૉલ ગર્લની વ્યાખ્યા માટે વધારે બંધબેસતું લાગે છે. જસ્ટ કિડિંગ ! :)

મજાક બાજુમાં રાખીએ તો, દોસ્તી એટલે મારા માટે સાઝેદારી અને સમજદારીના સમાંતર સહ-અસ્તિત્વ સાથેનો સંબંધ. પ્રેમ કરતાં પણ દોસ્તીને હું વધારે માનની નજરે જોઉં છું. પ્રાયમરી સ્કૂલમાં ભણતી વખતે રિસેસમાં બાંકડાં પર બાજુમાં બેઠેલાં મિત્રે પ્રેમથી એક વાર ખભાં પર હાથ મૂક્યો, ત્યારે દોસ્ત પડખે બેઠો હોવાની હૂંફનો અહેસાસ શું છે એ પહેલી વાર સમજાયું હતું. મુગ્ધાવસ્થામાં પ્રથમ વખત થયેલો વિજાતીય વ્યક્તિના સ્પર્શનો રોમાંચ તો બાદમાં આવે. એટલે મૈત્રીને હંમેશાં પ્રેમની આગળ મૂકવા માટેનું મારી પાસે આ એક નક્કર કારણ છે. મૈત્રી એક પાસપૉર્ટ છે જે પ્રેમનાં વિઝા અપાવવામાં મદદ કરે છે. વિઝા અરજીનો સ્વીકાર પણ થઈ શકે અને નકાર પણ થઈ શકે, પરંતુ પાસપૉર્ટ એક ઓળખનાં પુરાવા તરીકે આપણને હંમેશાં સાથ આપે છે. એવી રીતે મિત્ર એટલે આપણને આપણાં સાચાં સ્વરૂપની ઓળખ કરાવતો જીવતો જાગતો દસ્તાવેજી પુરાવો !

મિત્રો તરેહ તરેહનાં હોય છે. ચીપ મજાક અને ટિપ્પણીઓ પર તાળી આપીને સૂર પૂરાવતાં તાળી મિત્રો, ભોજનમાં કંપની આપતાં થાળી મિત્રો, તાળી આપીને છટકી જતાં હાથતાળી મિત્રો, પાળી પર સાથે બેસીને ગાળાગાળી કરનારાનાં પાળી મિત્રો, પરીક્ષામાં રાત્રે વાંચવા માટે કંપની આપતાં રાતપાળી મિત્રો...આપણાં માટે ગુરખાની જેમ લડી લેનારાં નેપાળી મિત્રો...તોફાનમાં સાથ આપતાં ખેપાની મિત્રો.... શરારતમાં સપોર્ટ કરતાં શેતાની મિત્રો....સો ઑન ઍન્ડ સો ફૉર્થ....

'ભાગ મિલ્ખા ભાગ'માં રમખાણમાં સ્વજનો ગુમાવનાર, એથ્લેટિક્સની ટ્રેનિંગ દરમિયાન ક્યાંક બીજે લગ્ન કરીને શિફ્ટ થઈ ગયેલી પ્રિયાનો પ્રેમ ગુમાવનાર, અને આર્મીનાં કોચ સાથે ગોઠી ગયા પછી નેશનલ લેવલના કોચ સાથેની ટ્રેનિંગથી જૂના કોચનો સાથ ગુમાવનાર મિલ્ખા સિંઘ હતાશ થઈને એનાં કોચ કમ દોસ્તને કહે છે કે, "સબ, પીછે છૂટતેં જા રહે હૈ...".... જીંદગીનો પ્રવાહ જેમ જેમ આગળ વધતો જાય છે એમ એમ જ્યાંથી મિત્રતાની ગંગોત્રી શરૂ થઈ હતી એવા જૂનાં મિત્રો છૂટતાં જાય છે અને નવાં મિત્રો ઉમેરાવાની, બાદ થવાની કે યથાવત રહેવાની પ્રક્રિયા ચાલુ રહે છે. મૈત્રીની લાગણી કેન્દ્રમાં સ્થિર રહે છે, મિત્રોનું વર્તુળ નાનું મોટું થઈને ફરતું રહે છે, બદલાતું રહે છે.

પુરૂષ-પુરૂષની દોસ્તી અને પુરૂષ-સ્ત્રીની દોસ્તીમાં મને ક્રોનિક પેઈન અને ઍક્યુટ પેઈન જેવો તફાવત લાગે છે. ક્રોનિક પેઈન કે બિમારી લાંબો સમય સુધી ચાલે છે ઍક્યુટ પેઈન બહુ રિબાવે છે પણ એની આવરદા ઓછી હોય છે. ચૅટમાં એક મિત્રે પૂછ્યું હતું કે સ્ત્રી અને પુરૂષ વચ્ચે આજીવન શુદ્ધ દોસ્તીનો સંબંધ શક્ય છે? એના પર વિચાર કરતાં જવાબ જડ્યો કે કોઈક ચોક્કસ સમય સુધી દોસ્તી જેવો સંબંધ રહી શકે, એ પછી ક્યાંક ને ક્યાંક કૉમ્પ્લિકેશન્સ ઊભા થવાની શક્યતા સાવ નકારી શકાતી નથી. વિજાતીયતાની પારસ્પરિક વિરોધિતાને કારણે દોસ્તીના બીજમાંથી પ્રેમનાં ફણગાં ફૂટતાં વાર લાગતી નથી.

ભારત જેવા દેશમાં ગમતી છોકરીને પામવા માટે છોકરાઓએ દોસ્તીના પ્રસ્તાવથી શરૂ કરવી પડે છે. પ્રેમની મંઝિલ પામવા માટે દોસ્તી એક ગેટ-વે બને છે. "કુછ કુછ હોતા હૈ" ફિલ્મમાં શાહરુખ કહે છે કે "પ્યાર દોસ્તી હૈ" એને સાકાર કરવા માંગતા હોય એમ પ્રેમની પતંગને પકડવા માટે લોકો ફ્રેન્ડશિપના લંગસિયા અને ઝંડા લઈને દોડતા હોય છે. દોસ્તી અને પ્રેમ એ બંને લાગણીઓ વરસાદમાં પલળેલી કામણગારી કન્યાની ત્વચા પર ચપોચપ ચોંટી ગયેલા ભીના વસ્ત્રોની જેમ એકબીજા સાથે સજ્જ્ડ જોડાયેલી લાગણીઓ છે. પણ ફ્રેન્ડશિપ માટે બાંધવામાં આવેલો ફ્રેન્ડશિપ બેલ્ટ આગળ જતાં લગ્નનાં મીંઢળ અને નાડાછડીનું સ્વરૂપ લે એની સફળતાની ટકાવારી વાતાવરણમાં પાંખી હાજરી ધરાવતાં હિલિયમ, નિયોન, આર્ગોન જેવા ઉમદા વાયુઓની ટકાવારી જેટલી હોય છે.

ફ્રેન્ડશિપ ડેનો બેલ્ટ નસીબમાં ન હોય તો 17 દિવસ પછી રાખડી બંધાવવા માટે રક્ષાબંધનનો તહેવાર નજીક ઊભો જ છે. ભગવાને સમજી વિચારીને જ માણસ પાસે આ બંને તહેવારો નજીકનાં સમયગાળામાં રખાવ્યા હશે! ;)

દરમિયાન, સૌને ફ્રેન્ડશિપ ડેની શુભેચ્છાઓ !

Saturday, August 3, 2013

સમાનધર્મી અને સમાનમર્મી કાવ્યપંક્તિઓ....ભાગ-2

9 જુલાઈ 2013ની બ્લૉગ પોસ્ટમાં અભિવ્યક્તિ અને અંદાજની અલગતા છતાં જેમાંથી એકસરખો કેન્દ્રિય ધ્વનિ નીકળતો હોય એવી એક ડાળના પંખીઓ જેવી નજીક નજીકની સમાનધર્મી અને સમાનમર્મી કાવ્યપંક્તિઓ વિશે લખ્યું હતું. કવિશ્રી રઈશ મનીઆરનો ગઝલ સંગ્રહ "શબ્દ મારા સ્વભાવમાં જ નથી" વાંચ્યા બાદ આ પ્રકારની કેટલીક વધુ પંક્તિઓ મળી આવી છે. સાથે સાથે અન્ય કવિઓની રચનાઓ પર પણ નજર કરીએ:     

(1) કવિતામાં છુપાયેલી કરુણતા:

કવિ સર્જનમાં પોતાની વેદના-સંવેદનાને વાચા આપતો હોય છે, પણ દુનિયા એને ઘણી વખત એક કાવ્યકૃતિથી વિશેષ કશું માનતી નથી. સર્જનની પાછળ છુપાયેલી પીડાનું ગોત્ર સમજવાની પાત્રતા દુનિયામાં હોતી નથી. હરિવંશરાય બચ્ચનની પંક્તિઓ છે:

मैंने अपनी पीडा को रुप दिया
जग समझा मैंने कविता की

મહાકવિ મરીઝ પણ પોતે કરેલી દિલની વાતને માત્ર એક શાયરી સમજી લેવાની ચેષ્ટા સામે ફરિયાદ કરતાં કહે છે: 
દાદનો આભાર,કિંતુ એક શિકાયત છે મને,
મારા દિલની વાતને તે શાયરી સમજી લીધી.

(2)  અવ્યક્ત ઘૂટન-ગૂંગળામણ:

31 જુલાઈ 2013ના દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં બકુલ દવેની અક્ષયપાત્ર કૉલમમાં કવિ કાલિદાસનો સંસ્કૃત શ્લોક વાંચવામાં આવ્યો:

विविक्षितं हि अनुक्तं अनुतापं जनयति (અર્થ: જે કહેવાનું હોય તે ન કહીએ તો પાછળથી પસ્તાવો થાય છે.)

આ જ વાતનો પડઘો પાડતું એક અશ્વેત કવિયત્રી માયા એન્જેલુનું ક્વોટ એક મિત્રે Whatsapp પર મોકલ્યું:
There is no greater agony than bearing an untold story inside you. (તમારા દિલમાં એક વણકહેલી વાત ભંડારી રાખી હોય એનાથી વધીને બીજું કોઈ મોટું દુ:ખ નથી.)

ઉપરના બંને વિચારો પરથી મરીઝનો વધુ એક શેર યાદ આવી જવો સ્વાભાવિક હતો:

ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના
રહી જાય છે જે વાત સમયસર કહ્યા વિના

ખુલાસાં અને સ્પષ્ટીકરણની તક વિના પૂરો થઈ ગયેલો સંબંધ કેટલું ખાલીપણું આપે છે અને જીવનભર ન કહી શકાયેલી વાતોના પડઘા પડતાં રહે છે એ વ્યથા વ્યક્ત કરતો દિલીપ મોદીનો શેર પણ સરસ છે:

કાંઈ પણ બોલ્યા વિના છૂટા પડ્યા,
ઉમ્રભર એના પછી પડઘા પડ્યા.

જે કહેવાનું હતું એ ન કહી શકાયું તો એની અસર આજીવન કેવી રહી જાય છે એ કવિ અશોક ચાવડા 'બેદિલ'ના આ શેરમાં વ્યક્ત થાય છે:

કહી ન શકાયું ન કોઈને કોઈ કારણસર
રહ્યા કરે છે મને કાયમી અસર ભીની 

(3) હતાશાની ચરમસીમા:

ડૂબતાં માણસને એક તણખલાંનો પણ સહારો પર્યાપ્ત થઈ જાય છે એવું આપણે સાંભળ્યું છે. ઘણી વખત, કોઈ હતાશાભરી પરિસ્થિતિમાં કોઈ વિકલ્પો દેખાતાં ન હોય અને હિંમત હારીને હાથ હેઠાં મૂકી દેવાની તૈયારી હોય ત્યારે જ આશાનો સંચાર કરતો ચમત્કાર થતો હોય છે. હિતેન આનંદપરાનો એક શેર છે:

તૂટવાની અણી પર હો, 
એ જ વખતે આપણી શ્રદ્ધા ફળે, એ કેવું !

તો રઈશ મનીઆર કહે છે:

લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી;
જીવનની એ નવી જ શરૂઆત હોય છે.

આપઘાત એટલે મુખ્યત્વે તો જીવનની સમસ્યાઓ સામે ઝીંક ઝીલવાની બિલકુલ સહનશક્તિ ન હોવાને કારણે ધીરજ ખૂટવાથી ક્ષણિક આવેશમાં લીધેલું એક નાદાની ભરેલું પગલું. આવી નાજુક પળને સાચવી લેવામાં આવે તો સમસ્યાઓની સરવાણી વીત્યા બાદ સુખનું સરોવર આપણી રાહ જોતું બેઠું જ હોય છે. રઈશ મનીઆરનો જ બીજો એક શેર જોઈએ:

મરી જવાનું થયું મન, એ ક્ષણ વિતાવી લીધી;
પછીની ક્ષણમાં ઘણું જીવવા સમું નીકળ્યું


(4) સ્વરૂપદર્શન:

માણસે એવા લોકોની વચ્ચે રહેવું જોઈએ જે એને પોતાની લઘુતાનું નહીં પણ ગુરૂતાનું ભાન કરાવે. પોતાની આવડત, ક્ષમતા, કૌશલ્ય અંગે લોકોએ મારેલાં મ્હેણાં-ટોણાં અને વ્યંગબાણોની નકારાત્મકતાથી નાસીપાસ થયેલાં લોકોની હાલત મુખ્યત્વે ઘેટાનાં ટોળામાં ભળીને પોતાને ઘેટું માની બેઠેલાં અને સાચાં સ્વરૂપને ભૂલીને ભ્રમિત થઈ ગયેલાં સિંહબાળ જેવી હોય છે. આવા લોકોને યોગ્ય સમયે તેમનું સાચું સ્વરૂપદર્શન કરાવનારી વ્યક્તિ મળી જાય તો એના વિકાસની શક્યતાઓ ખીલી ઊઠે છે. રઈશ મનીઆર કહે છે:

તળાવ થઈ તું પહાડોની ભીંસમાં જીવ્યો,
મળ્યો જો ઢાળ તો તારું નદીપણું નીકળ્યું

હતાશ થઈને બેસી ગયેલાં લોકોને મરીઝ થોડાંક ઠપકાનાં સૂરમાં આવો જ બોધ આ પંક્તિઓમાં આપે છે:
 
આ હતાશા લઈને શું બેસી રહ્યો છે બહાર જા,
થોડું પાણી ઘરમાંથી નીકળી નદી થઈ જાય છે.

(5) વ્યક્તિત્વની અપૂર્ણતા:

100 ટકા શુદ્ધ સોનાનાં ઘરેણાં બનાવી શકાતા નથી. એમાં થોડાંક પ્રમાણમાં મિશ્ર ધાતુ ભેળવવી જ પડે છે. જીવનનું પણ એવું જ છે. 100 ટકા શુદ્ધ ચારિત્ર્ય સાથેનું જીવન સિફતપૂર્વક ભૂલાવી દેવાયેલાં સ્ખલનોના વર્ણન પર કાતર ફેરવીને લખાયેલાં જીવન ચરિત્રોમાં જ જોવા મળે છે. ટાઈડ પાવડરની જાહેરાતની જેમ ચોંકાવનારી સફેદીવાળાં વ્યક્તિત્વની માત્ર કલ્પના જ કરવી રહી. માણસમાં ખૂબી હોય તો ખામી અને ખરાબી પણ હોવાની. અ વાતનો પડઘો પાડતાં એક શેરમાં ભગવતીકુમાર શર્મા કહે છે:

થોડી તો મેલી જ હોવી જોઈએ મથરાવટી 
તો ફરિશ્તાઓના ટોળાથી માણસ અલગ પડે
 
જીવનને બહુ અણીશુદ્ધ ન રાખવાનો આગ્રહ કરતાં સુરેન ઠાકર 'મેહુલ' કહે છે:

જીવનને સાવ અણીશુદ્ધ ના રાખો મિત્રો 
અણીના ટાણે તસુભાર બટકતાં શીખો

(6) કેશ-ઝુલ્ફ:

ये है रेशमी, ज़ुल्फ़ों का अन्धेरा ना घबराइये 
जहाँ तक महक है मेरे केसुओं की, चले आइये
 
પ્રેમિકાનાં જુલ્ફોની વાત આવે અને 1965માં રજૂ થયેલી ફિલ્મ મેરે સનમનું મજરૂહ સુલતાનપુરીએ લખેલું અને મુમતાઝ જેવી મદહોશ કરી નાખે એવી અદાકારા પર ફિલ્માવેલું આ ગીત યાદ ન આવે એવું બને? ડેન્ડ્રફ એટલે કે ખોડો અને ખરતાં વાળાની સમસ્યાના અપવાદ સિવાય પ્રેમિકાની લટો પાછળ લટ્ટુ ન થયો હોય એવો કયો પ્રેમી હશે?

જેમના ઘરે હિન્દી-ગુજરાતી કાવ્યસંગ્રહોનું એક આખું અલગ કબાટ ભરેલું છે એવા કટારલેખક કાંતિ ભટ્ટના એક જૂના લેખમાં વાંચેલી કોઈ અજ્ઞાત કવિની પંક્તિઓ યાદ આવે છે:

कल उन्होने जमुना में न्हाके अपने बाल बाँधे 
हमनें भी अपने मन में क्या क्या ख़याल बाँधे 


હમણાં જ નાહીને આવેલી ફ્રેશ ફ્રેશ સદ્યસ્નાતા સ્ત્રીનાં ભીના વાળની ખૂશ્બૂથી તરબતર થતાં એક અનામી કવિ કહે છે:

કો’ક ભીના કેશ લૂછે છે પણે, 
રોમે રોમે હું અહીં ભીંજાઉં છું

કવિ અમૃત ઘાયલ મૂંઝવી નાંખતા જટિલ પ્રશ્નોની સરખામણી પ્રેમિકાના જુલ્ફોના વળ સાથે કરીને એક ચમત્કૃતિ સર્જે છે:

પ્રશ્નો નહીં તો હોય નહિ આટલા જટિલ,
ગયા જનમમાં તારી જુલ્ફોના વળ હશે

પ્રેમિકાનાં જુલ્ફની કેદ મળવાથી વિશ્વમાં કોઈ મોભાદાર ઊંચું સ્થાન મળ્યું એવા અહોભાગ્ય સાથે ગદગદિત થઈને બેફામ લખે છે: 

સદભાગ્ય છે કે કેદ મળી એના જુલ્ફની, 
મારો હવે આ વિશ્વમાં ઊંચો મુકામ છે

(7) પરદોષદર્શન:


ઈન્ટરનેટ ચાલુ હોય તો ઑપરેટિંગ સિસ્ટમ અને ઍન્ટી-વાયરસ નિયમિતપણે અપડેટ થતા રહે છે...એવી જ રીતે આપણા અંતરાત્મા સાથે આપણી કનેક્ટિવિટી હોય તો એ પણ આપણને રોજ સુધારવા માટે નવા નવા અપડેટ્સ મોકલે છે. એ ઈન્સ્ટૉલ કરવા કે નહીં એ આપણા પર છે. બીજાના દોષ ચીંધી બતાવીને નીચાજોણું કરાવવામાં આનંદ લેતો માણસ પોતાના દોષોને પારખીને એને દૂર કરવાની બાબતમાં એટલો ખુલ્લાં મનનો હોતો નથી. પરિણામે ઍન્ટી-વાયરસની ડેફિનિશન્સનાં અપડેટ વિના સ્થગિત થઈ ગયેલી સિસ્ટમની જેમ એનું મન રોગી બને છે. આ બાબતને વર્ણવતી અજ્ઞાત કવિઓની પંક્તિઓ જોઈએ:   

દેખે પરાયા દોષને, એવા લાખો લોક છે 
દ્રષ્ટિ કરે નિજ દોષ પર, એવા વિરલા કો'ક છે

*          *         *         *           *        *

વારી જાઉં આંખ, તારા આ અજબ ચાતુર્ય પર,
જે જોવાનું છે તે, તું કોઈ દિ' જોતી નથી 
વિશ્વમાં ઘૂમે ચોમેર, તીવ્રતમ તારી નજર 
જગ જુએ છે તું, ફક્ત નિજ દોષને જોતી નથી