Friday, June 14, 2013

મૃત્યુનું ઍલાર્મ વાગે ત્યારે Snoozeનું ઑપ્શન હોતું નથી

હમણાં 4થી જૂને એક સ્વજનનાં લગ્નના સત્કાર સમારંભ યાને રિસેપ્શનમાં જવાનું થયું અને બીજે દિવસે 5મી જૂને બપોરે અન્ય એક સ્વજનનું મૃત્યુ થતાં અંતિમક્રિયામાં જવાનું બન્યું. ઉત્સવથી ઉદાસી સુધીની સામસામા છેડાની લાગણીઓ વચ્ચે ઝોલાં ખવડાવતાં પ્રસંગોમાં હાજરી પૂરાવવા દરમિયાન હમણાં યોગાનુયોગે સુરેશ દલાલનું એક વાક્ય વાંચ્યું હતું તે યાદ આવ્યું: "હું એક બેસણામાંથી લગ્નના સત્કાર સમારંભમાં એવી રીતે જઉં છું જેમ મારા ડ્રૉઈંગ-રૂમમાંથી બેડરૂમમાં જઉં છું."

રિસેપ્શન માટે વહેલી સવારે નીકળતાં પહેલાં ટીવી ઑન કર્યું અને અભિનેત્રી જિયાહ ખાનનાં આપઘાતનાં સમાચાર જાણ્યાં અને ફેસબુકનાં સ્ટેટસ અપડેટ્સમાં શ્રદ્ધાંજલિનો સફેદ રંગ છવાયેલો રહ્યો. મૃત્યુની ગરિમાને છાજે એવી રીતે શાલીનતા અને સ્વસ્થતાથી બધાં પાસાંઓને મૂલવીને જિયાહને શ્રદ્ધાંજલિ આપનારાં પણ જોયાં તો બીજી તરફ જિયાહના છેલ્લાં પત્ર અને અડવાણીનાં છેવટનાં પત્રમાંની ભારોભાર વેદનાની મૂર્ખતાભરી સરખામણી કરીને ટ્રેજીકૉમેડી સર્જનારા કટારલેખક પણ ભટકાયાં. એના છ દિવસ અગાઉ બંગાળી ફિલ્મ સર્જક ઋતુપર્ણો ઘોષનું અવસાન થયું હતું. બહુ જ ઓછા સમયમાં ફિલ્મ ઉદ્યોગની બે હસ્તીઓનું અકાળે અવસાન અને આ જ અરસામાં કેન્સરગ્રસ્ત સ્વજનની વિદાયને કારણે મૃત્યુ વિશે કંઈક લખવું જોઈએ એવું લાગ્યું.

ઉપરવાળો એક એક્ઝામિનર, સુપરવાઈઝર, મોનિટર છે અને એણે આપણને દુનિયામાં લાવીને એક પ્રશ્નપત્ર જેવી જિંદગી જીવવા-સુલઝાવવા માટે મૂકી દીધાં છે. જીવનનાં પ્રશ્નપત્રમાં મૃત્યુ એક એવો પ્રશ્ન છે જેને ઑપ્શનમાં છોડી શકાતો નથી. એના જવાબમાં ચિતા પર આંખો મીંચીને સૂઈ જવાનું હોય છે. ચિતા પર ભડભડ સળગી જવાની સાથે જ માણસે કરેલી ભૂલો, પાપો, કુકર્મોની ખરાબીઓ ધુમાડો થઈને હવામાં વિલીન થઈ જાય છે અને પાછળ અધૂરા અરમાનોનાં અસ્થિ અને સારપની રાખ રહી જાય છે. અગ્નિદાહથી દેહ ભસ્મીભૂત થાય છે પરંતુ જીવાતાં જીવનમાં રોજેરોજ જે દાહ સહન કરવો પડે છે એનાથી કાયમી મુક્તિ મળે છે. 

રોજ રાત્રે છથી આઠ કલાકની જે ઊંઘ લઈએ છીએ એ પણ આમ તો વર્ષો પછી દબાતાં પગલે આવનારા મૃત્યુનું રોજેરોજ થતું રિહર્સલ કે ડ્રાય રન જ છે ને? મોબાઈલમાં રાત્રે ઍલાર્મ મૂકીને સૂઈ જઈએ અને સવારે ઊઠતી વખતે આળસ આવતી હોય ત્યારે Snooze દબાવીને ઍલાર્મને પાછું ઠેલી શકીએ છીએ એ રીતે મૃત્યુને પાછું ઠેલી શકાતું નથી. કાળની ઘડિયાળમાં જ્યારે મૃત્યુના નિર્ધારિત સમયનું ઍલાર્મ વાગે છે ત્યારે Snooze દબાવવાનો મોકો મળતો નથી.

ક્યારે કયા સ્વજનનાં મરણ વખતે રડવું આવશે કે નહીં આવે એનું કોઈ ચોક્કસ ગણિત હોતું નથી. ક્યારેક રડવું ધાર્યું ન હોય એવી જગ્યાએ હૈયાફાટ રુદન થઈ જાય છે તો જ્યાં રુદન અપેક્ષિત હોય ત્યાં આંસુઓ કાળમીંઢ ખડકની જેમ થીજી જાય છે ત્યારે એક સ્વરચિત પંક્તિ યાદ આવે છે :

લાગણીનો પ્રદેશ થયો છે કોરોધાકોર 
આંસુઓ હવે આવતા નથી નવાનક્કોર

મૌન ધારણ કરીને મૃત્યુ આપણી ચારેતરફ નાચી રહ્યું છે અને જ્યારે આસપાસમાં કોઈના મૃત્યુના ખબર મળતાં નથી ત્યાં સુધી એ નાચની થપાટો આપણને સંભળાતી નથી. થપાટ સંભળાયા પછી પણ ઔપચારિકતા નિભાવવા ખાતર ખોટો-ખરો ખરખરો કરી આવીને આપણે આપણાં રોજીંદા જીવનની ઘટમાળમાં ગૂંથાઈ જઈએ છીએ. રુગ્ણાવસ્થા અને જર્જરાવસ્થા જોઈને બધાં જ સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ બની જતાં હોત તો સંસારમાં વરણાગી લોકો કરતાં વૈરાગી લોકોની સંખ્યા અનેકગણી વધારે હોત. ગમે તેટલી વખતે સ્મશાનનાં ફેરા કરી આવ્યા હોય છતાં વૈરાગ્ય એટલી સરળતાથી આવતો નથી અને સંસારનું ચક્ર ખોરવાતું બચી જાય છે. આવા સંજોગોમાં વધુ એક સ્વરચિત પંક્તિ યાદ આવે છે:

કંઈકેટલીયે વાર કર્યો હશે સ્મશાનનો ફેરો 
હઠીલી માયા તોય તાણીને બેઠી છે તંબૂ-ડેરો  

હવે વાત કરવા માંગું છું, ગયા મહિને વાંચેલા ઉષા શેઠના સત્યઘટના પર આધારિત પુસ્તક "મૃત્યુ મરી ગયું" વિષે. કોઈનાં પણ સુઝાવ વિના માંત્ર આંતરસૂઝથી ખરીદેલી આ સત્યકથાના લેખિકા વિશે હમણાં થોડાં અરસાં પહેલાં ચંદ્રકાંત બક્ષીના બિંદુ ભટ્ટ વિશેના લેખમાં વખાણ વાંચ્યા ત્યારે મને મારી પસંદગી માટે આનંદ-ગર્વ થયો. (મીરાં યાજ્ઞિકની ડાયરી વિશેના લેખમાં બક્ષીબાબુએ લખ્યું હતું કે "ગુજરાતી નવલકથામાં તેજસ્વી સ્ત્રી નથી, આવી રહી છે. એકાદ ઉષા શેઠ, એકાદ હિમાંશી શેલત આવી જાય છે, વાંચવું ગમે છે. બાકી તો નામની આગળ 'પ્રો.' લગાવીને નવલકથાઓ લખનારાઓ પણ ગુજરાતીમાં છે.)

નવલકથા ખરીદી હશે દોઢેક વર્ષ પહેલાં, વાંચી ગયા મહિને. સરકારી યોજનાઓ કાગળ પર આકાર લે અને વાસ્તવમાં સાકાર થાય એની વચ્ચે જેમ લાંબું અંતર પડી જતું હોય છે, એમ હું કોઈ પુસ્તક ખરીદું પછી એનો વાંચવાનો વારો ક્યારે નીકળે એ નક્કી હોતું નથી.



'મૃત્યુ મરી ગયું' નવલકથામાં પતિ રમેશ અને બે પુત્રીઓ નીતા અને અલ્પા સાથે સુખી જીવન વીતાવતાં લેખિકાનો પરિવાર છે. આ કથામાં ઉંમર સહજ ઉત્સાહ, કૂતુહલ, જીવનને જાણવાના રોમાંચથી થનગનતી અને નાની બહેન અલ્પા માટે પ્રેરણાનો સ્ત્રોત બનેલી ટીન-એજમાં કદમ માંડતી નીતાને થયેલા સિસ્ટેમિક લ્યુપસ એરિથેમેટોસસ (Systemic lupus erythematosus ટૂંકમાં SLE) રોગ સાથેના લાંબા સંઘર્ષ બાદ થતાં મૃત્યુની વાત છે. ડૉક્ટર સાથેની અપોઈન્ટમેન્ટના દિવસે વાસ્તવિક નિદાનને હંમેશા હાથતાળી આપીને છટકી જતાં ગંભીર રોગના લક્ષણોની અહીં સામાન્ય માણસને સમજાય એવી શૈલીમાં માંડેલી વાત છે. સામાન્ય બિમારી માનીને તાવની દવાઓ આપીને રોગને હળવાશથી લેતાં ટૂંકી દ્રષ્ટિવાળા ડૉક્ટરોની લાપરવાહી અને કશીક ગંભીર બિમારી થઈ હોવાનો ગેબી સંકેત પામીને દીકરીની કાળજી લેવામાં જરા પણ પાછીપાની ન કરતી માતાની લાજવાબ શુશ્રૂષાની પણ અહીં વાત છે. વ્યવસાયની જરૂરિયાતને કારણે સતત પ્રવાસમાં વ્યસ્ત રહેતાં પતિની ગેરહાજરીમાં દીકરીની સારવારમાં એકલપંડે પૂરી નિષ્ઠાથી ફરજ બજાવતી માતાની આ હૃદયસ્પર્શી કથા છે. ગંભીર બિમારી છતાં ઉચ્ચ શૈક્ષણિક કારકીર્દિ ઘડવા માટે ખંતપૂર્વક અભ્યાસ કરીને પ્રબળ જીજીવિષા દાખવતી નીતાએ મૃત્યુનાં ડર પર મેળવેલા વિજયનું અહીં સરસ આલેખન થયું છે.

એક દિવસ એક મેગેઝિનમાં એસએલઈ નામના જટિલ રોગ પર વિજય મેળવનાર નૃત્યાંગના વિષે પ્રકટ થયેલાં  લેખમાં રોગના લક્ષણો વાંચીને લેખિકાને પોતાની દીકરીને આ રોગ થયો હોવાની આશંકા જાગે છે. નવમા ધોરણમાં એડમિશન બાદ નીતા સ્કૂલે જવાનું શરૂ કરે છે એનાં માંડ પંદર દિવસ બાદ સતત તાવ, ગરમી, ગભરામણ જેવા લક્ષણો દેખા દે છે. બાળપણથી નીડર રહેલી નીતા આસપાસ ન હોય એવા કાલ્પનિક આકારો ભાળીને ડરી જાય છે. છેવટે એક દિવસ વાસ્તવિક રોગનું નિદાન થાય છે અને માંની આશંકા સાચી પડે છે. નિદાનમાં પણ ડૉક્ટર ડર ઓછો કરવા માટે રુમેટોઈડ થયું હોવાનું કહે છે જે એસએલઈ રોગના મથાળા હેઠળ આવતો ઓછો જોખમી રોગ છે. રોગની ટૂંક સમજ આપીએ તો કહી શકાય કે તેમાં રોગપ્રતિકારક તંત્ર પોતેરોગના જંતુઓ સામે લડવાને બદલે શરીરના તંદુરસ્ત કોષોનો નાશ કરે છે. રક્ષક પોતે જ ભક્ષક બને એ આનું નામ. ચામડીને અસર થાય ત્યારે ચહેરા પર રીતસર પતંગિયા જેવા દેખાતા આકારનું ચકામું થાય છે.

એક સમયે નૃત્યની શોખીન એવી નીતાને જમીન પર પગ મૂકતાં અસહ્ય પીડા થવા માંડે છે. કાર્ડિયોગ્રામ, ફેફસાં અને હૃદયનાં એક્સ-રે, લોહીની તપાસનો સિલસિલો શરૂ થાય છે. દવાઓ અને ઈન્જેક્શનોને કારણે હાલતમાં ધીરેધીરે સુધારો આવતો જાય છે પરંતુ બિમારીને કારણે આવેલાં નિયંત્રણો જેમના તેમ રહે છે. છએક મહિના બાદ શાળાએ જવા માંડે છે, પરીક્ષા આપીને પાંચમો ક્રમ મેળવે છે ડાન્સ ક્લાસિસમાં હજીપણ જઈ ન શકવાનો અફસોસ રહે છે. હવે ઝડપભેર સુધરી રહેલી તબિયત વચ્ચે નીતા એસએસસીનો અભ્યાસ ઉત્સાહથી કરે છે અને 74 ટકા મેળવે છે. 11માં ધોરણમાં શાળાનો એકપણ દિવસ ફાજલ જવા દીધો ન હતો પરંતુ રોગના લક્ષણો કોઈકને કોઈક સ્વરૂપે ઝબકી જતાં. ગમે ત્યારે રોગ ફરીથી ઉથલો મારી શકે એવી આશંકા વચ્ચે અગિયારમું ધોરણ પણ 74 ટકા સાથે પાસ કરે છે. 

નીતા લગભગ સાજી થઈ જાય છે અને કૉલેજ શરૂ થવાને માંડ એકાદ અઠવાડિયું રહે છે ત્યાં જ રોગ ફરીથી ઉથલો મારે છે. વાંસાનો દુ:ખાવો થાય છે, લોહીની તપાસમાં સૅડિમેન્ટેશનનાં પ્રમાણમાં વધારો જોવા મળે છે. (પ્રમાણ વધારે હોય તો રોગ વધારે ભયજનક). કોર્ટિઝોનની ગોળી ગળવાને કારણે તબિયતમાં જાદુઈ ફેરફાર થાય છે અને પાંચેક દિવસ આરામ કરીને કૉલેજ જવાનું શરૂ કરે છે અને ગુમાવેલા અભ્યાસક્રમ સાથે કૅચ અપ કરી લે છે. કોર્ટિઝોનની માત્રા ઘટાડ્યા બાદ ઝીણો તાવ આવવો શરૂ થયો અને શ્રાવણ મહિનો શરૂ થતાં હાથે મોઢે શીળસ નીકળવા લાગ્યાં. સોળ વર્ષની છોકરીને શીળસના કારણે આવતી કદરૂપતા દુ:ખી કરે તે સ્વાભાવિક છે. દિવાળીની રજાઓ આવતાં પૂરતો આરામ મળ્યો અને શીળસ તથા તાવમાં ઘટાડો જણાય છે. તબિયતની ચિંતા કર્યા વગર બહેનપણીઓ સાથે ઉત્સાહથી દિવાળીની ઉજવણીમાં જોડાય છે. નવેમ્બરમાં એના જન્મદિનની પાર્ટી ઉજવાય છે. 

સમય વીતે છે. ક્રિસમસની રજાઓ પણ પૂરી થાય છે. બારમા ધોરણનાં છેલ્લાં ત્રણ મહિનામાં સખ્ત મહેનત કરીને મૅડિકલમાં પ્રવેશ મેળવવાની નેમ ક્યારની લઈ લીધી છે. પણ રોગ એને લક્ષ્ય પૂરું કરવા દે તો ને? ડાબા ગાલ પર જણાતો એક ગાંઠો અને ડાબા પગના ગોઠણ નીચે બે ગાંઠા થયા બાદ ડૉક્ટર આ રોગને અસાધ્ય માનીને હાર સ્વીકારી ચૂક્યા હતાં. એમાં વાળ ખરવાની ઉપાધિનો ઉમેરો થાય છે. ઘરમાં બધે જ એના ખરેલા વાળ દેખાય છે.  એલોપથી, હોમિયોપથી અને આયુર્વેદ ત્રણેય આ રોગ સામે લાચાર હતાં. દરમિયાન એકાદ મહિનો વિદેશ યાત્રા પર ગયેલાં રમેશભાઈ પરત આવે છે ત્યારે વિદેશથી ખરીદેલી ભેટો પુત્રીઓને બતાવવાં જાય છે ત્યારે નીતાનો સૂજી ગયેલો ચહેરો જોઈને ચોંકી જાય છે અને કોઈક ગંભીર માંદગીની શક્યતા નકારતાં આવેલા રમેશ પાસે છેવટે રોગની ભયંકરતા સ્વીકાર્યા વિના છૂટકો રહેતો નથી. 

આયુર્વેદિક, હોમિયોપથિક દવાઓ અને ઘરગથ્થુ ઉપચારોથી રોગના બાહ્ય લક્ષણોમાં ક્ષણિક સુધારાનો આભાસ થતો પણ તેથી વિશેષ કશું નહીં. આગોતરી ચેતવણી વિના ત્રાટકતાં આતંકવાદીઓની જેમ રોગ ક્યારે કયા અવયવ પર હલ્લો કરે એ નક્કી ન હોય. સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છેવટે ફી સ્વીકારવાનું બંધ કરે છે અને પતિ-પત્નીના સમાધાન ખાતર મલ્ટી-વિટામિન, કેલ્શિયમ જેવી ગોળી લખતાં રહે છે. જૂનમાં બારમા ધોરણની પરીક્ષાના પરિણામમાં નીતા સારા ગુણો મેળવી પાસ થાય છે. એ પછી એક દિવસ નીતા ઊંઘીને ઊઠે છે ત્યારે મોંમાંથી લોહી નીકળે છે જે ડેન્ટિસ્ટના મત મુજબ પડાવવા માટે સૂચવેલ દાંતમાંથી નીકળતું હોય એવું લાગે છે. ત્યારપછીના દિવસે લોહી નીકળવાના પ્રમાણમાં વધારો થાય છે અને ડૉક્ટરના સૂચનથી વિટામિન સી - કેલ્શિયમની ગોળીઓથી સુધારો થતો નથી. હેમેટોલોજીસ્ટ સાથે મુલાકાત થાય છે જે અમુક પ્રકારના ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે. ટેસ્ટના રિપોર્ટ આવે એ પહેલાં નીતાની હાલત બગડે છે. જીભ પર કાળા ડાઘા, હાથપગ પર લાલ છાંટ દેખાય છે. રાત સુધીમાં તાવ 103 ડિગ્રી પર પહોંચી ગયો. સતત પોતાં મૂકવા છતાં તાવ કાબૂમાં આવતો ન હતો. ડૉક્ટરના મત પ્રમાણે રોગે હવે રક્તવાહિનીઓ પર હુમલો કર્યો હતો. એને ક્વિનાઈન આપવામાં આવી. ત્રણ દિવસમાં નીતાના મોઢામાંથી લોહી ઝરતું બંધ થયું આંખો તથા હાથપગનો દેખાવ સામાન્ય થયો. હવે એનામાં સ્ફૂર્તિ આવવા લાગી હતી. મમ્મી એને મૂવી અને વાંચેલી વાર્તાઓ સંભળાવતા. પિતા-પુત્રી કૉલેજોમાં પ્રવેશ માટેના ફૉર્મ ભરતાં. 

નીતાનો ઉત્સાહ પાછો ફરતો જોઈને નવી આશા બંધાઈ હતી. થોડા દિવસ પછી કરાવેલી લેબોરેટરી તપાસમાં લોહીનો રિપોર્ટ સારો હતો પરંતુ પેશાબમાં પ્રોટીન જતું હતું. મતલબ કે રોગે કિડની પર હુમલો કર્યો હતો! કિડની પર હુમલો એટલે SLE રોગનું ટર્મિનલ સ્ટેજ ! સમય વીતતાં, પ્રોટીન વહેવાનું પ્રમાણ વધતું ગયું. સાથે સાથે શારીરિક નબળાઈ આવતી ગઈ અને માનસિક સહનશક્તિ પણ ઘટવા માંડી. અણગમતી વાતો કે વધારેપડતો અવાજ સહન ન થઈ શકતો. મૃત્યુનો અણસાર આવી ગયો હોવા છતાં કઈ કૉલેજમાં પ્રવેશ મળે છે એની ઉત્કંઠા હજી એને હતી. 

હવે બ્લડ કાઉન્ટમાં ક્રમશ: ઘટાડો થતો જતો હતો. આખા પગ સૂજી જવાને કારણે ચાલવામાં તકલીફ પડતી હતી. તેને બે વખત પ્લાઝ્માની બોટલ ચડાવવામાં આવી. એક દિવસ માં નીતાને સ્પંજ કરતી હોય છે ત્યારે તેને ફ્રેન્ચ આર્ટિસ્ટ હેન્રી લાટ્રેકના જીવન પર આધારિત નવલકથા "મૂલંરૂઝ" (Moulin Rouge)નો એક પ્રસંગ કહે છે. "હેન્રી નામનો એક તેજસ્વી અને ચપળ છોકરો એક દિવસ કોઈ ભયંકર રોગમાં સપડાય છે. હજી ગયે વર્ષે તો એ બાળક હતો અને આ વર્ષે પુરુષ થઈ ગયો! ઉતાવળમાં કુદરત કિશોરાવસ્થા કુદાવી ગઈ હતી. એનું ઉપલું શરીર પુરુષ જેવું થઈ ગયું હતું અને પગ નાના જ રહી ગયેલા. એ બેડોળ વામન લાગતો. એની માએ અપંગ બાળકને જિંદગીભર મોટો કરવાની તૈયારી રાખી હતી, પરંતુ આવા વિકૃત સ્વરૂપ માટે એ તૈયાર નહોતી. એ ભાંગી પડી, રડી પડી. હેન્રીના પિતાએ જ્યારે એનું આ સ્વરૂપ જોયું ત્યારે એ તો ભાગી જ છૂટ્યા, તે વર્ષો સુધી એને મળવા પણ ન આવ્યા." આમ નીતાનું શીળસવાળું મોઢું જોઈને ખળભળી ઊઠેલા રમેશભાઈની મૂલંરૂઝ નવલકથાના પિતા સાથે સરખામણી લેખિકાથી થઈ જાય છે. જો કે હેન્રીના પિતાથી વિપરીત રમેશભાઈએ લાંબી મુસાફરી બંધ કરી દીધી હતી અને ઑફિસમાંથી પણ વહેલાં ઘરે આવી જતાં. 

હવે નીતાને ખોરાક પ્રત્યે રૂચિ ઘટી ગઈ હતી અને શારીરિક નિર્બળતા આવતી જતી હતી. કૉલેજનો પ્રથમ દિવસ આવ્યો, પરંતુ પથારીમાં પણ બેસી શકતી ન હોવાને જવાનો કોઈ પ્રશ્ન ન હતો. કિડની સ્પેશિયાલિસ્ટે આપેલી ગોળીઓ લીધા બાદ ઊલટીઓ થવા માંડી જે સતત ચાલુ રહી. ભાવતી ખાણીપીણીની વસ્તુઓ ચમચી ચમચી લઈને ચાખી. 

બપોરે એને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બીપી અત્યંત ઓછું થઈ ગયું હતું. એના નાકમાં ઑક્સિજનની નળી, હાથમાં પ્લાઝ્મા, ગ્લુકોઝ અને સોડિયમની ત્રણ સોય ખોસવામાં આવી હતી જે શરીરમાં જવાથી એનામાં ચેતન આવ્યું. છેલ્લે મમ્મીને સાંત્વન આપતાં કહે છે કે, "મમ્મી, મારા હાથમાં આટલી સોય અને નળીઓ જોઈને ગભરાઈશ નહીં. હું બહુ સુખમાં છું, તું તારું ધ્યાન રાખજે." બોલતાં બોલતાં એની જીભ ભૂરી થઈ ગઈ અને હોઠ બિડાઈ ગયા, ડોળા ઉપર ચઢી ગયા, પોપચાં નીચે ઢળી પડ્યાં, હાથ સહેજ ઊંચો થઈ નીચે પડ્યો અને એમાં ખોસેલી સોઈઓ નીકળી ગઈ! નીતા ચાલી ગઈ. માંએ એને છેલ્લી વાર નીરખી લીધી. એના મુખ પર કોઈ વેદના કે ગભરાટ નહોતો ! 

નીતાના અવસાનથી ખાલીપો અને એકલતા અનુભવતા લેખિકા છેલ્લે સ્વગત કહે છે, "નીતા, હવે તને કહું કે હું એકલી એકલી શું કરીશ ! તને, તારા હસતા ચહેરાને, તારી હિંમતને તારા જીવનના ઉત્સાહને હું યાદ કરીશ. તારા વિયોગની વિષમતાને હું મારા અંતરમાંથી ઉલેચી કાઢીશ, એટલે ભવિષ્ય પરનો મારો અવિશ્વાસ ભૂંસાઈ જશે. હું અલ્પાને એટલું જ વહાલ કરીશ. આશ્રમનાં બાળકોને પંપાળીશ. એક રસમય સક્રિય, ઉપયોગી જીવન જીવીશ. તને, તારા હસતા ચહેરાને યાદ કરીશ. સત્તર વર્ષની તારી મીઠી સ્મૃતિઓને, તારા પ્રેરણાત્મક જીવનને યાદ કરીશ અને મારી એકલતામાંથી હું ચોક્કસ બહાર આવીશ."

જતાં જતાં 
જીવન એટલે ખળખળ વહેતું ઝરણું. માર્ગમાં ભેખડ નડે તો ઝરણું દિશા બદલે, નવો વળાંક લે; પણ વહેવાનું તો ચાલુ જ રાખે !

(મૃત્યુ મરી ગયું, પૃ. 80)

No comments:

Post a Comment