Pages

Saturday, June 29, 2013

જાત સાથેના સંવાદ અને જગતના અવલોકનમાંથી સ્ફુરેલી કવિતા

ન બોલે તો કહે મૂંગો છે બોલે તો કહે કેમ બોલે છે 
કાં અમે છીએ ઊંઘમાં કાં તું ચડ્યો કોઈ ઝોલે છે


વ્યર્થ વાતોમાં વખત ન આપું, સદા રહું નિજ મસ્તીમાં 
ખણખોદ મારી કરવા મારા નિંદકો વળ્યા ટોળે છે 


કીર્તિ મારી આંબી ગઈ અલકમલકનાં સીમાડાં
અલેલટપ્પુ જો એ ઊભા પંચાત કરતાં પોળે છે 


દાઝેલાંને મૂકું પડતાં, દૂઝે એને દુ:ખવું નહીં
અલગારી છે જાત મારી, ક્યાં લીધા કોઈને ખોળે છે


વાંચી કોઈ ઝૂમે ખરું તો કોઈ અચાનક ઝૂરે પણ
સંવેદનાની શાહીમાં કોઈ કલમ મારી ઝબોળે છે


અનુભવોનું ફલક વિશાળ અંદાજ એવો બેમિસાલ 
ઓથમીર એ અક્કલના જે મુજ સર્જન સ્રોત ખોળે છે

Wednesday, June 19, 2013

મંગળ-અમંગળ : જ્યોતિષ વિષે શ્રી વિનોદ ભટ્ટનાં હાસ્યલેખો

બે અઠવાડિયા પહેલાં આણંદના સાર્વજનિક પુસ્તકાલયમાંથી જ્યોતિષ વિશેના વિનોદ ભટ્ટનાં હાસ્યલેખોનું પુસ્તક "મંગળ-અમંગળ" લાવ્યો અને સ-રસ (રસપૂર્વક) વાંચી ગયો. હકીકતોની સાથે પોતાના આગવાં હ્યુમરનો ઍન્ગલ ઉમેરીને લખવાની વિનોદ ભટ્ટની શૈલી જ્ઞાન સાથે ગમ્મત આપે છે. પ્રસ્તાવનાથી લઈને છેલ્લાં લેખ સુધી મને જે કંઈપણ સ્પર્શી ગયું તેના અંશો ટાઈપ કરવાની જહેમત ઉઠાવીને અહીં રજૂ કરું છું. ઓવર ટુ મંગળ-અમંગળ !

(1) પ્રસ્તાવના:

આથી, હું વિનોદ ભટ્ટ, આજરોજ સત્ય, સંપૂર્ણ સત્ય તેમ જ ભેળસેળ વગરના આઈ.એસ.આઈ. માર્કાના શુદ્ધ સત્યના સોગંદ ખાઈને જાહેર કરું છું કે 'મંગળ-અમંગળ' હાસ્યલેખોનું પુસ્તક છે અને અંગત રીતે આ પુસ્તક લખવા પાછળ વાચકને હસાવવા સિવાય વધારે કશું જ મને અભિપ્રેત નથી. 'ચિત્રલેખા' જેવાં સામયિકોમાં અમુક લખાણના મથાળા પર ખૂણામાં નાના અક્ષરે એવું લખવામાં આવે છે કે 'આ જાહેરખબર છે.' એ પ્રમાણે આ પુસ્તકના નામને કારણે કોઈના મનમાં થતી ગેરસમજ ટાળવા જણાવું છું કે આ હાસ્યરસનું પુસ્તક છે, જ્યોતિષવિજ્ઞાનનું નથી. અલબત્ત, આ પુસ્તક વાંચતી વેળાએ હસવાની જવાબદારી વાચકોના શિરે છે એવું કહેવાનો મારો આશય નથી.આ જાહેરાત કરવા પાછળનું કારણ એ છે કે મારા ગ્રહો આજકાલ ખરાબ ચાલી રહ્યા છે એટલે બનવા જોગ છે કે 'મંગળ-અમંગળ' જેવું પુસ્તકનું શીર્ષક વાંચીને કોઈ વાચક તે ખરીદે ને તેને જ્યોતિષશાસ્ત્ર અંગેની જોઈતી એક પણ વિગત તેમાંથી ન જડે એટલે છેતરાયાની લાગણી સાથે સીધો તે ગ્રાહક સુરક્ષા મંડળ પાસે જઈને ફરિયાદ કરે કે આ લેખકે મારા મનમાં એવી ખોટી સમજ ઊભી કરેલી કે આ પુસ્તક જ્યોતિષ અંગેનું છે, પણ આમાં એમાંનું કશું જ નથી, એટલું જ નહીં, આ વાચતાં મને એક પણ વખત હસવું નથી આવ્યું. આમ આ પુસ્તક દ્વારા મને છેતરનાર લેખકે આ પુસ્તકની ખર્ચેલ કિંમત તથા તે વાંચવા પાછળ મેં બગાડેલ સમય જેટલી નુકસાની મને ચૂકવવામાં આવે.

કહેવાય છે કે આપણા ખ્યાતનામ (હવે સદગત) કવિ ઉમાશંકર જોશી અમેરિકા ગયા ત્યારે તેમનો કાર્યક્રમ ગોઠવનાર આયોજકે તેની પરિચિત બહેનને આમંત્રણ આપ્યું કે આજે સાંજે મારે ત્યાં ઉમાશંકર જોશી આવે છે. તમે ચોક્ક્સ આવજો. આ આમંત્રણનો સ્વીકાર કરતાં એ સ્ત્રીએ આયોજકને પૂછેલું કે સાથે મારા જન્માક્ષર લેતી આવું? જોશી જેવી અટક અને મહાત્મા જેવાં વિશેષણ ધરાવનારા તરફ પ્રજાનો ભક્તિભાવ વધી જતો હોય છે.

હતાશ માણસો અને હોશિયાર જ્યોતિષીઓ આ પૃથ્વી પર હશે ત્યાં સુધી જ્યોતિષશાસ્ત્રનો વાળ પણ કોઈ વાંકો કરી શકે તેમ નથી, રેશનાલિસ્ટો પણ નહીં.

(2) સૂર્ય-શનિનો યોગ:

જાતક જો ગુજરાતી લેખક હોય તો એ સતત એવું ફીલ કર્યા કરે કે મેં ગુજરાતીમાં આટઆટલાં વરસ ઘાસ કાપ્યું એને બદલે મરાઠી, બંગાળી કે હિન્દી ભાષામાં લખ્યું હોત તો ત્યાંના લોકો મને ઊંચકીને (જીવતો ઊંચકીને) ફરતા હોત. મારી હયાતીમાં મારાં બાવલાં મુકાયાં હોત, પણ આ કમબખ્ત ગુજુ પ્રજાને મારી સહેજ પણ પડી નથી. આ ત્રણમાંની એકેય ભાષા એને આવડતી ન હોય, અરે, શુદ્ધ ગુજરાતી લખતાંય મોંઢે ફીણ આવી જતાં હોય તોપણ જાતક આ પ્રકારની ગ્રંથિથી પીડાયા કરે.


આ લેખ લખવા બેઠો છું ત્યાં જ સૂર્યનાં સીધાં કિરણો મને દઝાડવા માંડ્યા છે. સૂર્યની અશુભ દ્રષ્ટિથી બચવા લેખ અહીં પૂરો કરું છું...


(3) ચન્દ્ર વિશે:

આજે જે રીતે માફિયાઓ વગદાર પોલિટિશિયનો સાથે ઘરવટ સંબંધો બાંધી પોતાનાં ધાર્યાં કામ કરાવી શકે છે એ રીતે એક જમાનામાં રાક્ષસો પણ અમુક દેવોને સાધી તેમની પાસેથી મનવાંછિત ફળ મેળવતા. એક દંતકથા પ્રમાણે વૃત્ર નામના રાક્ષસને અમર થવાની ઘેલછા જાગી એટલે ભગવાન ઈન્દ્ર પાસે જઈ તેણે પ્રાર્થના કરી કે કૃપા કરીને મને અમરતત્વ બક્ષી દો. પદ્મશ્રી કે પદ્મવિભૂષણની જેમ આ પ્રકારના ઍવોર્ડ્ઝ સહેલાઈથી આપી શકાતા હશે, કેમકે ઈન્દ્રે તરત જ સર્જરી દ્વારા તેના શરીરનો અમુક ભાગ કાઢી તેમાંથી ચન્દ્ર બનાવ્યો, પણ ચન્દ્રમાં શિથિલ ચારિત્ર્ય જેવા રાક્ષસી ગુણો ટક્યા હોય કે ગમે તે કારણ હોય, પણ બૃહસ્પતિની પત્ની તારા સાથે વ્યભિચાર કરવાને કારણે ચન્દ્ર કલંકિત બની ગયો. તેના પર પર્વતો જેવા જે કાળા ડાઘ દેખાય છે એ જ તેનું કલંક છે. તેને કલંકિત થવાની હૉબી હોય તેમ ઈન્દ્ર અને અહલ્યાના અવૈધ સંબંધમાંય તેણે મદદ કરી હતી. ઈન્દ્રે તેને અમર કરી દીધો એનું ઋણ ચૂકવવા, ઈન્દ્રને ઓબ્લાઈજ કરવા તે વહેલો-બીફોર ટાઈમ આથમી ગયો એટલે અહલ્યાના પતિ ગૌતમઋષિ નદીએ સ્નાન કરવા અડધી રાતે ઘરમાંથી બહાર નીકળી ગયા. ઈન્ડિયન પીનલ કોડમાં આને ગુનામાં સામેલગીરી કહેવામાં આવે છે. આ સામેલગીરી બદલ ગૌતમે ચન્દ્રને કલંકિત કે બ્લૅક લિસ્ટેડ જાહેર કરી દીધો.

પૃથ્વીના મુકાબલે ચન્દ્ર પરના તમામ પદાર્થો છગણા હળવા થઈ જાય છે. પરિણામે અહીંની જેમ માણસ ત્યાં પડી જતો નથી. તે ખુરશીમાં બેઠો હોય તો એમાંથી તેને સહેલાઈથી પાડી શકાતો નથી. ઉપરાંત ચન્દ્ર પર પડી જનારને વધારે પ્રમાણમાં વાગતુંય નથી. આથી ત્યાં અસ્થિભંગના કિસ્સા નહીંવત બને છે. એટલે ત્યાં ઑર્થોપેડિક ડૉક્ટરો માટે રળવાની તકો ઘણી ધૂંધળી છે. ચન્દ્ર પર હવા નથી અને અવાજ પણ સાંભળી શકાતો નથી. આ કારણે પ્લેબેક સિંગર્સ ત્યાં સ્ટેજ શો માટે જાય તો ધરમધક્કો પડે. મિમિક્રી આર્ટિસ્ટો માટે પણ બજાર નથી. હા, માઈમ કરતો કલાકાર કદાચ ચાલી જાય. ત્યાં ઘાસ, વૃક્ષો વગેરે ઊગતાં નથી. આથી માણસ વડે ઘાસચારામાંથી પોતાનો ખોરાક મેળવી શકાતો નથી તેમ જ વધુ વૃક્ષો વાવો જેવી ઝુંબેશ પર્યાવરણવાદીઓ ચલાવી શકે તેમ નથી.

અમાસ-અમાવસ્યાની રાતે સૂર્યના તેજમાં ચન્દ્ર ઢંકાઈ જાય છે એટલે દેખાતો નથી. જૂની પેઢીનાં ઘણાં ઘરોમાં સાસુઓની ધાકમાં પુત્રવધૂઓ આજે પણ ઢંકાઈ જાય છે ને પાછી લાજ કાઢીને પોતાના અસ્તિત્વને જાતે જ ઢાંકી દે છે એમ !

ચન્દ્રની કળાની વધઘટ પ્રમાણે ગુનાખોરીમાં પણ વધઘટ થતી હોય છે. પૂનમે ગુનાખોરોને ગુનો કરવાનું પ્રોત્સાહન સ્વયંભૂ રીતે પ્રાપ્ત થાય છે. ચોરલોકો આમ તો પૂનમની રાતના અજવાળાથી ડરતા હોય છે એટલે તે ચોરી કે લૂંટ સિવાયના અપરાધ કરે છે. અને જે લોકોમાં ગુનો કરવાની ત્રેવડ નથી, તાકાત નથી એવા કેટલાક લોકો પૂનમના દિવસે, સમાજ તરફના વેરભાવથી, ઝનૂનપૂર્વક કવિતાઓ કરે છે.

ચન્દ્ર-મંગળનો પ્રતિયોગ હોય એવી વ્યક્તિ ખાવા-પીવાની શોખીન હોય છે [આમાં ખાવા-પીવાનું ઘણીવાર આગળ-પાછળ હોય છે.] એમાંય ફરસાણ અતિપ્રિય. આ જાતકની બીજી ખાસિયત એ હોય છે કે જમવામાં તે પ્રથમ પંગતમાં બેસવાનું પસંદ કરે છે. [પહેલી પત્રાળી સવા લાખની], વરઘોડામાંય તેને આગળ ચાલવાનું ગમે છે [જેથી વિડિયો કૅસેટમાં અચૂક દેખાય], સરઘસમાં વચ્ચે રહે છે [જેથી કંઈ ગરબડ થાય તો નાસતાં ફાવે] અને સ્મશાનયાત્રામાં છેલ્લે [આ કારણે નનામી ઊંચકવાની લપમાંથી બચી શકાય.]

ડ્રાઈવિંગમાં અન્ય વાહનોને પાછળ પાડી દઈને, ઓવરટેક કરીને આગળ નીકળી જવાની જીદ મનમાં કાયમ રહે છે અને ઓવરટેક કર્યાથી જ મોટા ભાગે જાતકનું અશાંત મન શાંત થાય છે. પણ આ કારણે કોઈક વાર બધાંથી આગળ, જ્યાંથી યુ ટર્ન લઈ પાછા ફરી શકાતું નથી એવા મુલકમાંય પહોંચી જવાય છે.

ચન્દ્રનો એક દિવસ આપણા ચૌદ દિવસ જેવડો મોટો છે - આનો અર્થ એવો થાય કે ત્યાં જો માણસો વસવાટ કરે ને સરકારી કચેરીઓ સ્થપાય તો કર્મચારીઓનો પગાર દર બે દિવસે કરવો પડે, આપણા ફેબ્રુઆરી મહિનાની જેમ ત્યાં અઠ્ઠાવીસ દિવસનો મહિનો ગણાય. લેણદાર પાસેથી બે દિવસના વાયદે લીધેલ પૈસા અહીં અઠ્ઠાવીસ દિવસ સુધી વાપરી શકાય.

(4) નીલ આર્મસ્ટ્રૉંગ અને ચન્દ્ર :
1969માં ચન્દ્ર પર ગયેલા નીલ આર્મસ્ટ્રૉંગ અને એલ્વિન ઑલ્ડ્રિનની કુંડળીનો અભ્યાસ કરીને નક્કી કરવું જોઈએ કે તેમનો ચન્દ્ર સદોષ હતો કે નિર્દોષ ! ચન્દ્ર પરથી પાછા ફર્યા બાદ તેમનો ચન્દ્ર સુધરેલો કે બગડેલો!

પતિ બહારગામથી આવે ત્યારે તેની પત્ની રિવાજ મુજબ પૂછતી હોય છે કે મારા માટે શું લઈ આવ્યા? એ રીતે ચંદ્ર પરથી પાછા ફરેલા આર્મસ્ટ્રૉંગની સ્ત્રીએ પણ તેને પૂછ્યું હશે કે 3,65,192 કિલોમિટર ફરી આવ્યા, ત્યાંથી મારા માટે શું લઈ આવ્યા? 'ધૂળ ને ઢેફાં' આર્મસ્ટ્રૉંગે હસીને જવાબ દીધો હશે ત્યારે ખીજમાં તે સ્ત્રી બોલી હશે :'આ તો પાઉડર જેવી ઝીણી માટી છે, આનાથી તો વાસણ પણ ન મંજાય.'

આર્મસ્ટ્રૉંગમાં જરાય સંવેદનશીલતા હોત તો તેણે ચંદ્ર પરની ધૂળને બૂટ પર ઊંચકવાને બદલે એ ધૂળ પોતાના માથે ચડાવી ગણગણ્યો હોત :

ચંદ્રની ધૂળથી માથું ભરી લઉં આર્મી,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

(ઉપરની કાવ્યપંક્તિમાં આર્મી એટલે કે આર્મસ્ટ્રૉંગ.)


(5) મંગળ:

મંગળ સૂકો ને વેરાન પ્રદેશ છે, ત્યાં વસતિ નથી, માત્ર ઢેખાળા જ છે. જો ત્યાં વસતિ હોત તો ત્યાં સરકાર પણ હોત ને પોલીસ પણ હોત. પોલીસ સાથેની અથડામણમાં ત્યાં મોટી અનુકૂળતા એ થાય કે પોલીસને મારવા લોકોને પથરા શોધવા જવું ના પડે. પથરા જ માણસને શોધતા આવે એટલા વિપુલ જથ્થામાં ત્યાં પથરા છે.

લાલચટ્ટક રંગનાં મંગળનાં ચિત્રો ટીવી પર દેખાડવામાં આવ્યાં ત્યારે તે લાલને બદલે લીલાં દેખાતાં હતાં - આને જ મંગળની લીલા કહી શકાય ! અત્યારે ત્યાં પાણી હોવાનું માલૂમ પડ્યું નથી. ત્યાં જો પાણી હોત તો સારું થાત, કેમકે જ્યાં પાણી હોય ત્યાં પોરા-જીવજંતુ પણ થવાનાં એટલે જે લોકોને પાણીમાંથી માત્ર પોરા શોધવામાં જ રસ છે તેમની શોધકવૃત્તિને પ્રોત્સાહન મળત.

મંગળ પર ગુરુત્વાકર્ષણ બળ નથી. વિજ્ઞાની ન્યૂટન ખરેખર સદભાગી હતો. કેમ કે તે પૃથ્વી પર જન્મ્યો હતો. એના માથા પર સફરજન પડ્યું એટલે એ ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી શક્યો. બાકી મંગળ પર હોત તો તે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી શક્યો જ ન હોત. ત્યાં કશું જ પડતું નથી. સરકાર પણ નહીં પડતી હોય. ત્યાંની દરેક ચીજ વસ્તુઓનું વજન ત્રીજા ભાગનું થઈ જાય છે એવું વિજ્ઞાનીઓનું કહેવું છે. આથી 100 કિલો વજન ધરાવતી સ્ત્રી વગર ડાયેટિંગે 66 કે 67 કિલોની થઈ જવાની. તો તો પછી હિન્દી ફિલ્મનો હીરો ત્યાં વજનદાર હીરોઈનને ઊંચકીને હાંફ્યા વગર સ્ફૂર્તિથી દોડી શકશે.

સ્ત્રીમાં ઉત્પન્ન થતી સેક્સ (કામવાસના) મંગળ સંભાળે છે, જ્યારે પુરુષના મનમાં જે વિષયવાસના જાગે છે તે શુક્ર સંભાળે છે. આનો અર્થ એવો નીકળી શકે કે ગ્રહો પણ ડિવિઝન ઑફ લેબર અર્થાત શ્રમ-વિભાજનમાં માને છે.

મેં આ લેખ એક જ્યોતિષિ મિત્રને વંચાવ્યો. મને થોડી બીક હતી કે મંગળમહારાજ વિશે કંઈક યદવા તદવા લખાઈ ગયું હોય તો તે ક્રોધે ભરાઈને મારું ધનોતપનોત કાઢી નાખે. એક લેખ તેણે બે વખત ઝીણવટથી વાંચ્યો. પછી મારી સામે જોઈ કહ્યું : 'વિનુ, મંગળમાં બબ્બે ચન્દ્ર હોવાનું શોધાયું છે એ રીતે બબ્બે મંગળ પણ હોઈ શકે. એક તો અમેરિકાએ જેના પર યાન મોકલ્યું છે એ ને બીજો જ્યોતિષશાસ્ત્રવાળો મંગળ. લે, આ ધાણાની દાળને મસૂરની દાળ ગણી ફાકી જા - એટલે દૂર બેઠેલ મંગળને ક્યાં ખબર પડવાની છે કે તેં કઈ દાળ ફાકી?

(6) બુધ:
બુધ પર દિવસે 770 ફેરનહીટ ગરમી પડે છે અને રાત્રે માનવશરીરનાં હાડકાંનો ભૂકો થઈ જાય એવી અસહ્ય ઠંડી પડે છે. આથી અહીંથી કોઈને બુધ પર ધંધો કરવા જવાનું મન થાય તો એ લોકો દિવસના ભાગમાં બરફ, આઈસક્રીમ, ઠંડા પીણાં, ફ્રીજ, એસી, કૂલર્સ વગેરે વેચી શકે અને એ જ લોકો રાતે ગરમ કોટ, સ્વેટર્સ, ધાબળા તેમજ રૂમ હીટર્સનો ધંધો અનાયાસે સફળતાથી કરી શકે.

બુધ પર વાદળો ઘેરાતાં નથી એટલે કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓને એ વાતે નિરાંત રહેશે કે ત્યાંના કોઈ કવિ કાલિદાસને 'મેઘદૂત' લખવાની પ્રેરણા નહીં મળે એટલે તે ટેક્સ્ટબુક બની અભ્યાસક્રમમાં નહીં આવે. આમ 'મેઘદૂત' ગોખવામાંથી વિદ્યાર્થીઓને આપોઆપ મુક્તિ મળી જશે.

બુધના જન્મની એક કથા એવી છે કે કશ્યપમુનિને ધનુ યાને ધનગૌરી નામની પત્ની હતી. અને તેમને રજ નામનો પુત્ર હતો. તેનાં લગ્ન વરુણની પુત્રી જોડે થયાં. સંસ્કારી હોય કે અર્ધસંસ્કારી, પણ પતિ-પત્ની વચ્ચે નાની-મોટી વાતે તકરાર થતી જ હોય છે. પતિને બતાવી આપવા જ કદાચ રજની પત્ની એક દિવસ નદીમાં કૂદી પડી. શક્ય છે કે એ સમયમાં ચંદ્ર ફાયર બિગ્રેડમાં માનદ સેવાઓ આપતો હશે. તેને આ છોકરીને પાણીમાંથી જીવતી બહાર કાઢી લાવવાની કામગીરી સોંપવામાં આવી. ચંદ્ર પાણીમાં પડ્યો, પણ દીકરી હાથ લાગી નહીં, અને બદલે એક પુત્ર પાણીમાંથી આવ્યો, જેનું નામ બુધ પાડવામાં આવ્યું. જાતિ-પરિવર્તનનો કદાચ આ પ્રથમ કિસ્સો હશે. પણ ત્યારથી બુધને એક નપુંસક ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે, એટલે તો બુધમાં બુધવાર નથી એમ કહેવામાં આવે છે. તેનામાં કોઈનું અહિત કરવાની તાકાત નથી. તે નિર્દોષ હોવાને લીધે આમ તો તેને શુભ માનવામાં આવે છે. (સામેથી આવતા વ્યંઢળને પણ આ જ કારણસર આપણે શુકનવંતો માનીએ છીએ.)

ભગવાન રજનીશને તો કદાચ ખબર પણ નહીં હોય કે તેમની કુંડળીમાં પણ મંગળ-બુધનો ગાઢ સંબંધ હતો. અને જેમની વાણીમાં સૉક્રેટિસ જેવો જાદુ છે એવા આપણા અટલ બિહારી બાજપાઈ ત્રણ ત્રણ વખત વડાપ્રધાન થઈ શક્યા, તેમની કુંડળીમાંય મંગળ-બુધ પ્રગાઢ રીતે જોડાયેલા છે. તેમને પત્ની ભલે ન મળી, પણ મંત્રમુગ્ધ કરે એવી વાણી મળી. શક્ય છે કે વાચાળતાનું વરદાન તેમને સ્ત્રી નહીં મળવાને લીધે જ પ્રાપ્ત થયું હશે, કે પછી વિકસ્યું હશે. બાકી જો તે પરણ્યા હોત તો માત્ર એક આદર્શ શ્રોતા જ બની રહ્યા હોત, આપણે એક ઉત્તમ વક્તા ગુમાવ્યો હોત.

પન્નાનું નંગ ગ્રહણ કરવાથી વજન વધે છે, શરીર પુષ્ટ બને છે. આ કારણે ડાયેટિંગ કરનાર જાતકે આ નંગ ધારણ કરવા અગાઉ પોતાના ફેમિલી ડાયેટિશિયન તેમ જ ફેમિલી જ્યોતિષી એ બન્નેની સલાહ લેવી હિતાવહ છે.

(7) ગુરુ

ગુરુને અધ્યાત્મ જોડે સંબંધ છે, એટલો શુક્રને પાર્થિવ ભોગવિલાસ અને સુખસમૃદ્ધિ સાથે છે. આમ તો બંને સામસામે છેડે છે, છતાં બંને ભેગા થાય તો સંભોગથી સમાધિ સુધી પહોંચી શકાય છે. આ કામ આપણે ત્યાં ભગવાન રજનીશે કર્યું છે. તેઓ શુક્રને ગુરુની ઊંચાઈ સુધી લઈ ગયા છે.

(8) શુક્ર
ઝાઝાં બાળ, જય ગોપાળ એ આમ તો શુક્રનું જ સૂત્ર છે. શુક્રની શક્તિથી માણસ કાં તો બ્રહ્મચારી બને છે અથવા તો વિલાસી થાય છે. ક્યારેય વિશ્વામિત્ર પણ બની જાય છે. આને બાવાનાં બેય બગડ્યાં એમ કહેવાય.
શુક્રથી પ્રભાવિત જાતક સારો તબલચી પણ બને છે અને પછી અમુક વિશિષ્ટ કિસ્સામાં તે જે સારા ગાયકની સંગત કરતો હોય એ ગાયકની ભાર્યાને ભગાડી જાય છે.

કિંતુ, કુંડળીમાં શુક્ર આઠમા કે બારમા સ્થાને, અશુભ ગ્રહોની દ્રષ્ટિમાં કે અશુભ શનિ સાથે પડેલો હોય ત્યારે યુવાની જાતકને છોડીને માઈલો દૂર ચાલી જાય ત્યાં સુધી એને સ્ત્રીનો મેળાપ થતો નથી. પરીકથાઓના સર્જક હાન્સ એન્ડરસનની કુંડળીમાં આવા જ ગ્રહો પડ્યા હોવા જોઈએ, કેમ કે હાન્સ એન્ડરસન એક પણ પરીને પામ્યા વગર ઊડી ગયેલો. ત્રણેક સ્ત્રીઓ એના જીવનમાં આવેલી ખરી, પણ એ ત્રણેય એને રાખડી બાંધવા જ તૈયાર થયેલી, પરણવા તો એક પણ નહીં. શુક્ર વગરનું જીવન એ મીઠા વગરની રસોઈ જેવું બેસ્વાદ હોય છે એવી લાગણી સાથે એન્ડરસન ગુજરી ગયેલો.

શુક્રના આશીર્વાદ માણસને શ્રીમંત બનાવે છે અને અઢળક ધન રેલાતું હોય ત્યાં શરાબ અને સુંદરી - વાઈન ઍન્ડ વુમન શરૂઆતમાં સંકોચ સાથે પાછળના દરવાજેથી અને ત્યાર બાદ આગળના બારણેથી બેધડક પ્રવેશે છે અને પછી કાયમ માટે રહી પડે છે. વ્હિસ્કી અને શિવાઝ રિગલ માટે ધનિકનું ઘર પિયર સમાન છે. શુક્ર શરૂઆતમાં મંગળને ઉછેરી વારંવાર શરાબના ઘૂંટડા પિવડાવે છે અને પછી નશામાં રહેવાની ટેવ પાડે છે. શુક્રને નશામાં રહેવાનું અધિક પસંદ છે. માદકતા તેને ઘણી પ્રિય છે. કદાચ આ જ કારણે શરાબ અને સુંદરીને સગાં ભાઈ-બહેન માનવામાં આવ્યાં છે.

(9) શનિ :

શનિ સગપણમાં યમનો મોટો ભાઈ હોવાનું મનાય છે, યમ માણસને એક ઝાટકે પતાવી દે છે, આ શનિ ટીવી પરની લાંબી સિરિયલની જેમ રિબાવી રિબાવીને મારે છે... હિન્દી ફિલ્મોમાં કેટલાંક પાત્રો વિલન તરીકે જ શોભતાં હોય છે, એ રીતે આકાશમાં વિહરતા નવ ગ્રહોમાં એક તગડા ખલનાયક તરીકે શનિ રીમોટ કન્ટ્રોલથી માણસોનાં સુખો પર નિયંત્રણ કરે છે. જોકે શનિનું નંગ વીંટીમાં જડી દેનાર સોનીઓ એવી ફરિયાદ ક્યારેય નથી કરતા કે અમને શનિ નડે છે. હા, આ ગ્રહની વીંટી પોતાના માટે બનાવનારને કેટલીક વાર શનિ તેમ જ સોની એ સાથે નડે છે, પણ એ પાછી જુદી વાત થઈ. 

આ શનિ નામનો ગ્રહ ઑફિસે નોકરી કરવા જતા સરકારી કર્મચારી જેવો અત્યંત ધીમો છે. તેની ચાલ ગજગામિનીને ઝડપી કહેવડાવે તેવી હોવા છતાં તેનું વાહન ગજને બદલે કાગડો છે. તે સૂર્યથી 88 કરોડ 60 લાખ માઈલ દૂર છે. સ્વભાવે તે ચીકણો ને ચોંટું હોવાને લીધે દરેક રાશિમાં તે અઢી વરસ સુધી રહી જાય છે. ને 30 વર્ષે આખી રાશિમાળા પૂરી કરે છે. ભાડવાતની જેમ જે ઘરમાં રહે છે તેમાં નુકસાન કરે છે, સાથે પાસ-પડોશના ગ્રહોને પણ પજવે છે. તે રીઝે તેને ન્યાલ કરે છે ને જેના પર ખીજે તેની ખાલ ખેંચી નાખે છે. જ્યોતિષની દ્રષ્ટિએ સૂર્ય એક રાશિ પર એક મહિનો નિવાસ કરે છે, ચન્દ્ર કોઈ હોટેલમાં ઊતરતો હોય એ રીતે એક રાશિ પર માત્ર સવા બે દિવસ રહે છે. મંગળનો મુકામ દોઢ મહિનો હોય છે. પણ આ શનિ સૌથી વધારે 30 મહિના -અઢી વરસ સુધી એક જ ઘરમાં વસે છે. એનું એક કારણ કદાચ એ હશે કે સ્વભાવે ધીમો ને આળસુ હોવાને લીધે જલદી ઘર બદલતા કંટાળતો હશે. આપણે ત્યાં લીવ એન્ડ લાઈસન્સ અગિયાર માસ ને અમુક દિવસોનું હોય છે એ રીતે શનિ અન્ય રાશિઓ પર અઢી વર્ષના કરારથી રહેતો હોવો જોઈએ.

આ શનિ પાસે પોતાની માલિકીના કહી શકાય એવા 23 ઉપગ્રહો છે. કોઈ ઈન્કમટૅક્ષ અધિકારીને થશે કે શનિએ તેના આ ઉપગ્રહો વેલ્થટૅક્ષના રિટર્નમાં બતાવ્યા હશે! સૂર્યમાળા કરતાં પણ વધારે સભ્યો તે ધરાવે છે. 'ઓછા બાળ જય ગોપાળ'વાળું સૂત્ર ત્યાં પહોંચ્યું નહીં હોવાથી શનિનો પરિવાર ખાસ્સો બહોળો છે.

(10)  રાહુ :
કેટલાક માફિયા દુબઈમાં બેઠાં બેઠાં મુંબઈ અને દિલ્હીમાં આતંક મચાવે છે એ રીતે, આ રાહુ એટલો બધો બળવાન છે કે ગ્રહણટાણે તે સૂર્ય અને ચન્દ્રને ગ્રસી લે છે, નિર્માલ્ય કરી નાખે છે. આડી લાઈનના માણસની પેઠે રાહુ વક્રગતિએ ચાલે છે એ બધાં જાણે છે. સૂર્ય તેમજ ચન્દ્ર સાથે તેને દુશ્મની કેમ થઈ એ માટેની દંતકથા એવી છે કે વિવિધ પક્ષો સરકાર ચલાવવા યુતિ રચે છે એ રીતે અમૃત મેળવવા સમુદ્રમંથન કરવા માટે દેવ-દાનવોએ યુતિ રચી હતી. (જોકે આ તુલનામાં ફરક એટલો છે કે સરકાર બનાવવા કાજે યુતિ કરનાર દરેક પક્ષ પોતાને દેવ અને બીજાઓને દાનવ માનતો હોય છે.) કોઈ મોટો લગ્ન-સત્કાર સમારંભ ચાલતો હોય ત્યારે કેટલાંક લોકો સુંદર-સુઘડ કપડાં પહેરીને વગર આમંત્રણે ઘૂસી જાય છે એ રીતે રાહુ પણ અમૃતની લાલચે છદ્મવેશે અમૃત પીનારાઓની પંગતમાં ગોઠવાઈ ગયો. તે સ્ટ્રૉ વડે અમૃતની સીપ લેતો હતો એ જ ઘડીએ સૂર્ય-ચન્દ્રની નજરની અડફેટે તે ચડી ગયો. ધાર્યું હોત તો આ બંને ભેગા થઈને રાહુને બોચીએથી પકડીને આ અમૃતપાર્ટીમાંથી બહાર હાંકી શકત, પણ આ પાર્ટીના તે યજમાન નહોતા અને કદાચ ત્યાંય આપણા સરકારી તંત્રની પેઠે બધુંય થ્રુ પ્રૉપર ચેનલ ચાલતું હશે એટલે તેમણે ભગવાન વિષ્ણુ પાસે જઈ તેમના કાનમાં કહી દીધું કે એક તો અમૃત ઓછું છે ને ગળતું જામ છે... અમૃત પીનારાઓમાં આ ખુદાબક્ષ રાહુ ઘૂસી ગયો છે. અમારી ફરજ તો તમારું ધ્યાન દોરવા પૂરતી જ છે, અને ભગવાન વિષ્ણુએ પોતાના ખિસ્સાવગા એવા સુદર્શનચક્રથી રાહુનું માથું વાઢી નાખ્યું. પણ ત્યાં સુધી તો રાહુના ગળા સુધી અમૃત પહોંચી ગયું હતું. તેના ધડ અને મસ્તક છૂટાં પડી ગયાં, પણ તે અમર થઈ ગયો. મસ્તકનો ભાગ રાહુ રહ્યો અને નીચેનો ભાગ કેતુ તરીકે ઓળખાયો. એટલે આમ તો એક જ શરીરના રાહુ અને કેતુ બે કટકા છે. રાહુ મસ્તકમાં રહે છે ને તેની છાપ માથાભારેની છે. વિષ્ણુને ખબર આપનાર સૂર્ય-ચન્દ્ર જેવા ખબરી યા બાતમીદારો પર ત્યારનો રાહુ ગુસ્સે છે. આ બંને તેના કટ્ટર વેરી છે. 

(11) હર્ષલ :
આ ગ્રહ હર્ષલ હજી નવો નવો છે એ કારણે જ્યોતિષીઓ તેમ જ કર્મકાંડી બ્રાહ્મણો તેનો પરિચય બરાબર કેળવી શક્યા નથી. આથી એમને ખબર નથી કે એલેક્ઝાન્ડ્રા નંગની વીંટી કયા હાથની કઈ આંગળીએ પહેરવી, હર્ષલને રાજી કરવા બ્રાહ્મણોને કયા વારે, શેનું ને કેટલું દાન કરવું, કયા રંગનાં વસ્ત્રો પહેરીને પૂજા કરવી, વગેરે વગેરે. પણ આ ગ્રહ લીલા રંગનો છે એવું વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે એટલે બ્રાહ્મણને દાનમાં લીલા રંગના ઈમ્પોર્ટેડ ગૉગલ્સ આપવા હિતાવહ ખરા કે કેમ? વગેરે વિગતો શોધવી બાકી છે, પણ આ લખનારને એવી પાકી શ્રદ્ધા છે કે રાહુ, કેતુ, શનિ અને મંગળ જેવા કમાઉ દીકરાઓમાંથી સમય કાઢીને પણ પંદરથી વીસ વર્ષમાં જ્યોતિષીઓ હર્ષલને પ્રસન્ન રાખવાનાં વિધિવિધાનો શોધી કાઢશે અને જાતકને કહી પણ શકશે કે આ વિધિ કરાવવાથી જાતકને એન્જિનિયરિંગ કૉલેજમાં વગર ડોનેશને એડમિશન મળી જશે, કમ્પ્યુટર લાઈનમાં આગળ વધવું હશે, વિદેશમાં નોકરી કરવી હશે તો સામેથી અપોઈન્ટમેન્ટ ઑર્ડર તેમજ એચ-વન વિઝા મળી જશે. ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે અને શહેર પર ભારે બૉમ્બમારો થશે તો પણ જાતકના ઘર પર બૉમ્બ નહીં પડે ને ટેલિફોનમાં વધુપડતા રોન્ગ નંબરો પણ નહીં આવે...

(12) નેપ્ચૂન :
કોઈ માણસ બગાસું ખાતો હોય ત્યારે જ એના મોંમાં પતાસું એકાએક જઈ પડે તો તે ચોક્કસ રાજી થાય, સિવાય કે એને ડાયાબિટીસ થયો હોય. આ નેપ્ચૂન ગ્રહનું પણ બરાબર આવું જ થયું છે. હર્ષલ નામના વિજ્ઞાનીએ 1781માં યુરેનસની શોધ કરી અને આ યુરેનસ વિશે વધુ વિગતો જાણવા તેની સામે દૂરબીન માંડીને જોવામાં આવ્યું તો દૂરબીનની અડફેટે નેપ્ચૂન ચડી ગયો. તે ઈસવી સન 1846માં શોધાયો, તેની ઉંમર 154 વર્ષની ગણાય, પણ ગાંધીજી કરતાં તે માત્ર 23 વર્ષ જ મોટો કહેવાય. હા, તે મોટો ખરો, પણ મહાન નહીં. જોકે તેને ખબર નથી, કિન્તુ તે આપણી અસ્મિતાનું જીવંત સ્વરૂપ છે. તેને વિશે તેમજ અસ્મિતા અંગે આપણે અંધારામાં હતા. અસ્મિતા જેવો શબ્દ નર્મદને કદાચ તેણે જ સુઝાડ્યો હશે, જે ત્યારબાદ કનૈયાલાલ મુનશીએ ગુજરાતી સાહિત્યમાં ચલણી સિક્કાની જેમ ચલાવ્યો, જે આજેય ચાલે છે. આ નેપ્ચૂન આમ તો અંગ્રેજી નામ છે, પણ આપણે ત્યાં તે વરુણદેવના નામે ઓળખાય છે. તેને ગુરુ તેમજ શુક્રનો વિસ્તાર કહ્યો છે. તે મહાજ્ઞાની છે. તે કવિઓનો કવિ અને લેખકોનો લેખક છે. એ અર્થમાં તે કવિવાર રવીન્દ્રનાથ ટાગોર છે અથવા તો ગુજરાતી લેખક સુરેશ જોશી છે. આ બન્ને સાહિત્યકારો લેખકો માટે લખતા હતા એટલે ક્યારેક તો પોતાને પણ ન સમજાય એવું અઘરું લખી નાખતા.

(13) કાલસર્પયોગ:
મદારીઓ સાપને ટોપલીમાંથી બહાર કાઢે છે એટલી જ સરળતાથી જ્યોતિષીઓ રૂપિયા સાતસો એકથી માંડીને તે સિત્તેર હજાર એક લઈને જાતકની કુંડળીમાંથી કાળ અને સર્પ બન્નેને બહાર કાઢી આપે છે. ડાયાબિટીસ ઈન્સ્યુલીનને ગાંઠે છે એ જ રીતે કાલસર્પયોગના પ્રણેતા રાહુ-કેતુ મંત્રને જ ગાંઠે છે માટે તેમને પ્રસન્ન રાખવા મંત્રોની મદદ લેતા રહેવું.

તમારા કાલસર્પને શાંત કરવાની વિધિ કરનાર તમારા જ્યોતિષી બ્રાહ્મણનો કોઈ સગો નાસિકત્ર્યંબક રહેતો હોય અને ત્યાં જવાનું તે કહે તો ચોક્કસ જવું - એમાં વિશેષ કશું ગુમાવવાનું નથી. આના વિકલ્પે નર્મદા કિનારે ચાણોદ કરનારી, પ્રભાસ પાટણ અને છેવટે ત્યારે ત્યાંનું ભાડું ભલે એટલું સસ્તું નથી રહ્યું તોપણ સિદ્ધપુર જઈને જે તે વિધિ કરાવી લેવો. અને આવું બધું પરવડતું ન હોય એવા જાતકો માટે સમૂહ યજ્ઞોપવિત અથવા તો ગ્રુપ ટ્યુશનની જેમ નર્મદાકિનારે, એક સાથે 80થી 100 જેટલા કાલસર્પયોગથી પીડાતા માણસોને બસમાં ભરીને આ વિધિ માત્ર રૂપિયા 750 લઈને (જેમાં બસ-ભાડું, ચા-પાણી, બપોરનું ભોજન વગેરે આવી જાય) કેટલાક પ્રોફેશનલ બ્રાહ્મણો સંપન્ન કરે છે તેમાં જોડાઈ જવું - કાલસર્પ નર્મદાના પાણીમાં સસ્તામાં સરકી જશે.

(14) વાસ્તુશાસ્ત્ર:
જો મકાનનો ઢાળ નૈઋત્ય દિશા તરફનો હોય તો ધનનો નાશ થાય છે. અલબત્ત નાશ થવા માટે પણ ઘરમાં ધનનું હોવું જરૂરી છે.

(15) નોસ્ટ્રાડેમસની આગાહીઓ:

નોસ્ટ્રાડેમસના પ્રભાવનો પ્રચાર એટલો બધો થઈ ગયો છે કે જ્યોતિષમાં નહીં માનનારાઓ પણ તેણે ભાખેલા ભવિષ્યકથન રસપૂર્વક વાંચે છે. કહે છે કે, આ આર્ષદ્રષ્ટા પાસે કાચનો એક મોટો ગોળો હતો. તેમાં તેને જે કાંઈ દેખાતું એ બધું તેણે અપદ્યાગદ્ય શૈલીમાં આગાહી રૂપે લખી નાખ્યું. શક્ય છે કે કવિ ન્હાનાલાલને અપદ્યાગદ્ય શૈલીનાં કાવ્યો લખવાની પ્રેરણા નોસ્ટ્રાડેમસમાંથી મળી હોય.

(16) જ્યોતિષની આગાહીઓ:

1995માં હું ગંભીર બીમારીમાં પટકાયો હતો ત્યારે મુંબઈના એક જ્યોતિષીએ ભાખ્યું હતું કે જાતકના બચવાના ચાન્સિસ માંડ બેથી ત્રણ ટકા છે, બાકી આ માંદગીમાંથી તે બચી જશે તોપણ 'ગુડ ફૉર નથિંગ' જેવું જ સમજવું, હલનચલન કે શારીરિક કામ કરવાની ક્ષમતા ગુમાવી દેશે. એ માંદગીને આજે 7 વર્ષ થયાં, પણ ત્યારથી આજ દિન સુધી મારું માથુંત નથી દુખ્યું - હા, મારા કારણે બીજાઓનાં માથાં દુખતાં હશે, પણ એ તેમનો પ્રશ્ન છે.

(17) રાજકારણીઓ અને જ્યોતિષ:

જ્યોતિષ એ શ્રદ્ધાનો વિષય છે. પૉલિટિશિયનોને જેટલી શ્રદ્ધા તેમના હાઈકમાન્ડમાં નથી હોતી તેટલી, કદાચ તેથીય વધારે શ્રદ્ધા જ્યોતિષમાં હોય છે. જે લોકોને ખુરસી નથી મળી તે લોકો તેમને ખુરસીયોગ ક્યારે થવાનો છે એ જાણવા જ્યોતિષી પાસે દોડી જાય છે ને જેમને બેસવા માટે ખુરસી મળી છે તેમને ખુરસીમાંથી કોઈ પાડી ન નાખે એ અંગેનું માર્ગદર્શન મેળવવા જ્યોતિષીને પકડે છે - ખુરસી ન છૂટે એ વાસ્તે જ્યોતિષીને પકડે છે.

(18) મંગળ કે શનિવાળો જાતક દુ:ખી થાય જ એવું કંઈ નથી. પરણવાથી એ તો આમ પણ દુ:ખી થવાનો જ હોય છે. આમાં ગ્રહોને દોષ દેવા જેવો નથી. તમારે ત્યાં દીકરો જન્મે કે દીકરી, તમને પ્રમોશન મળે કે ન મળે, લાંચ લેવાના છટકામાં પકડાયા બાદ તમે નિર્દોષ છૂટો કે જેલવાસ વેઠો, તમને પ્રધાનપદ મળે યા ન મળે, તમને નખ્ખોદિયો વારસો મળે કે બીજાને મળે એમાં અહીંથી લાખો-કરોડો માઈલ દૂર બેઠેલી ગ્રહોને શો રસ પડે! કોઈ માણસ મહેસાણામાં સ્થાયી થાય કે તે માન્ચેસ્ટરમાં કાયમી વસવાટ કરવા ઊપડી જાય, પુરુષને સુલક્ષણા પત્ની મળશે કે સૉક્રેટિસને મળી હતી એવી કર્કશા મળશે, જાતક હાર્ટએટેકથી ગુજરી જશે કે ડાયાબિટીસને કારણે અવસાન પામશે - આ બધું જોવાની કયા ગ્રહને ફુરસદ છે?

(19) શુકન-અપશુકન:
શુકનમાં માનનારાઓ બિલાડી આડી ઊતરે તો એને અપશુકન ગણે છે, પણ ખરેખર તો બિલાડીનું સામે આવવું એ ઉંદર માટે અપશુકન ગણાય, ને મ્યુનિસિપલ કૉર્પોરેશનની કૂતરા પકડવાની કૂતરાગાડી સામે મળે તો કૂતરા માટે અપશુકન કહેવાય. આ બધું સાપેક્ષ છે. આપણા ભૂતપૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાને મેં એક વાર પૂછેલું કે તમે પૉલિટિશિયનો કોઈ સારા કામ માટે બહાર નીકળતા હો ને એ જ વખતે કોઈ બિલાડી આડી ઊતરે તો તમે એને અપશુકન ગણી પાછા વળી જાવ ખરા? જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે બિલાડી આડી ઊતરે તો અમને કંઈ ન થાય, જે કંઈ થાય તે બિલાડીને જ થાય. આ રીતે એકવાર મને આડી ઊતરેલી બિલાડી તરત જ એક ટ્રક નીચે ચગદાઈને મરી ગઈ હતી. 

ઘરનો ઉંબરો ઓળંગી બહાર જવા તૈયાર થતાં ઉપાડેલો પગ એકાએક અટકી જાય તો બહાર જવાનું મુલતવી રાખવું, સિવાય કે આર્થરાઈટિસની બીમારીને કારણે જ પગ અટકી ગયો હોય.

જતાં જતાં.... 

નાની ભીખ મંદિરની બહાર બેસીને મંગાય જ્યારે મોટી ભીખ માંગવા મંદિરની અંદર જવું પડે.

(મંગળ-અમંગળના એક પાન પર કોઈ વાચકે પેનથી લખેલું વાક્ય) 

Friday, June 14, 2013

મૃત્યુનું ઍલાર્મ વાગે ત્યારે Snoozeનું ઑપ્શન હોતું નથી

હમણાં 4થી જૂને એક સ્વજનનાં લગ્નના સત્કાર સમારંભ યાને રિસેપ્શનમાં જવાનું થયું અને બીજે દિવસે 5મી જૂને બપોરે અન્ય એક સ્વજનનું મૃત્યુ થતાં અંતિમક્રિયામાં જવાનું બન્યું. ઉત્સવથી ઉદાસી સુધીની સામસામા છેડાની લાગણીઓ વચ્ચે ઝોલાં ખવડાવતાં પ્રસંગોમાં હાજરી પૂરાવવા દરમિયાન હમણાં યોગાનુયોગે સુરેશ દલાલનું એક વાક્ય વાંચ્યું હતું તે યાદ આવ્યું: "હું એક બેસણામાંથી લગ્નના સત્કાર સમારંભમાં એવી રીતે જઉં છું જેમ મારા ડ્રૉઈંગ-રૂમમાંથી બેડરૂમમાં જઉં છું."

રિસેપ્શન માટે વહેલી સવારે નીકળતાં પહેલાં ટીવી ઑન કર્યું અને અભિનેત્રી જિયાહ ખાનનાં આપઘાતનાં સમાચાર જાણ્યાં અને ફેસબુકનાં સ્ટેટસ અપડેટ્સમાં શ્રદ્ધાંજલિનો સફેદ રંગ છવાયેલો રહ્યો. મૃત્યુની ગરિમાને છાજે એવી રીતે શાલીનતા અને સ્વસ્થતાથી બધાં પાસાંઓને મૂલવીને જિયાહને શ્રદ્ધાંજલિ આપનારાં પણ જોયાં તો બીજી તરફ જિયાહના છેલ્લાં પત્ર અને અડવાણીનાં છેવટનાં પત્રમાંની ભારોભાર વેદનાની મૂર્ખતાભરી સરખામણી કરીને ટ્રેજીકૉમેડી સર્જનારા કટારલેખક પણ ભટકાયાં. એના છ દિવસ અગાઉ બંગાળી ફિલ્મ સર્જક ઋતુપર્ણો ઘોષનું અવસાન થયું હતું. બહુ જ ઓછા સમયમાં ફિલ્મ ઉદ્યોગની બે હસ્તીઓનું અકાળે અવસાન અને આ જ અરસામાં કેન્સરગ્રસ્ત સ્વજનની વિદાયને કારણે મૃત્યુ વિશે કંઈક લખવું જોઈએ એવું લાગ્યું.

ઉપરવાળો એક એક્ઝામિનર, સુપરવાઈઝર, મોનિટર છે અને એણે આપણને દુનિયામાં લાવીને એક પ્રશ્નપત્ર જેવી જિંદગી જીવવા-સુલઝાવવા માટે મૂકી દીધાં છે. જીવનનાં પ્રશ્નપત્રમાં મૃત્યુ એક એવો પ્રશ્ન છે જેને ઑપ્શનમાં છોડી શકાતો નથી. એના જવાબમાં ચિતા પર આંખો મીંચીને સૂઈ જવાનું હોય છે. ચિતા પર ભડભડ સળગી જવાની સાથે જ માણસે કરેલી ભૂલો, પાપો, કુકર્મોની ખરાબીઓ ધુમાડો થઈને હવામાં વિલીન થઈ જાય છે અને પાછળ અધૂરા અરમાનોનાં અસ્થિ અને સારપની રાખ રહી જાય છે. અગ્નિદાહથી દેહ ભસ્મીભૂત થાય છે પરંતુ જીવાતાં જીવનમાં રોજેરોજ જે દાહ સહન કરવો પડે છે એનાથી કાયમી મુક્તિ મળે છે. 

રોજ રાત્રે છથી આઠ કલાકની જે ઊંઘ લઈએ છીએ એ પણ આમ તો વર્ષો પછી દબાતાં પગલે આવનારા મૃત્યુનું રોજેરોજ થતું રિહર્સલ કે ડ્રાય રન જ છે ને? મોબાઈલમાં રાત્રે ઍલાર્મ મૂકીને સૂઈ જઈએ અને સવારે ઊઠતી વખતે આળસ આવતી હોય ત્યારે Snooze દબાવીને ઍલાર્મને પાછું ઠેલી શકીએ છીએ એ રીતે મૃત્યુને પાછું ઠેલી શકાતું નથી. કાળની ઘડિયાળમાં જ્યારે મૃત્યુના નિર્ધારિત સમયનું ઍલાર્મ વાગે છે ત્યારે Snooze દબાવવાનો મોકો મળતો નથી.

ક્યારે કયા સ્વજનનાં મરણ વખતે રડવું આવશે કે નહીં આવે એનું કોઈ ચોક્કસ ગણિત હોતું નથી. ક્યારેક રડવું ધાર્યું ન હોય એવી જગ્યાએ હૈયાફાટ રુદન થઈ જાય છે તો જ્યાં રુદન અપેક્ષિત હોય ત્યાં આંસુઓ કાળમીંઢ ખડકની જેમ થીજી જાય છે ત્યારે એક સ્વરચિત પંક્તિ યાદ આવે છે :

લાગણીનો પ્રદેશ થયો છે કોરોધાકોર 
આંસુઓ હવે આવતા નથી નવાનક્કોર

મૌન ધારણ કરીને મૃત્યુ આપણી ચારેતરફ નાચી રહ્યું છે અને જ્યારે આસપાસમાં કોઈના મૃત્યુના ખબર મળતાં નથી ત્યાં સુધી એ નાચની થપાટો આપણને સંભળાતી નથી. થપાટ સંભળાયા પછી પણ ઔપચારિકતા નિભાવવા ખાતર ખોટો-ખરો ખરખરો કરી આવીને આપણે આપણાં રોજીંદા જીવનની ઘટમાળમાં ગૂંથાઈ જઈએ છીએ. રુગ્ણાવસ્થા અને જર્જરાવસ્થા જોઈને બધાં જ સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ બની જતાં હોત તો સંસારમાં વરણાગી લોકો કરતાં વૈરાગી લોકોની સંખ્યા અનેકગણી વધારે હોત. ગમે તેટલી વખતે સ્મશાનનાં ફેરા કરી આવ્યા હોય છતાં વૈરાગ્ય એટલી સરળતાથી આવતો નથી અને સંસારનું ચક્ર ખોરવાતું બચી જાય છે. આવા સંજોગોમાં વધુ એક સ્વરચિત પંક્તિ યાદ આવે છે:

કંઈકેટલીયે વાર કર્યો હશે સ્મશાનનો ફેરો 
હઠીલી માયા તોય તાણીને બેઠી છે તંબૂ-ડેરો  

હવે વાત કરવા માંગું છું, ગયા મહિને વાંચેલા ઉષા શેઠના સત્યઘટના પર આધારિત પુસ્તક "મૃત્યુ મરી ગયું" વિષે. કોઈનાં પણ સુઝાવ વિના માંત્ર આંતરસૂઝથી ખરીદેલી આ સત્યકથાના લેખિકા વિશે હમણાં થોડાં અરસાં પહેલાં ચંદ્રકાંત બક્ષીના બિંદુ ભટ્ટ વિશેના લેખમાં વખાણ વાંચ્યા ત્યારે મને મારી પસંદગી માટે આનંદ-ગર્વ થયો. (મીરાં યાજ્ઞિકની ડાયરી વિશેના લેખમાં બક્ષીબાબુએ લખ્યું હતું કે "ગુજરાતી નવલકથામાં તેજસ્વી સ્ત્રી નથી, આવી રહી છે. એકાદ ઉષા શેઠ, એકાદ હિમાંશી શેલત આવી જાય છે, વાંચવું ગમે છે. બાકી તો નામની આગળ 'પ્રો.' લગાવીને નવલકથાઓ લખનારાઓ પણ ગુજરાતીમાં છે.)

નવલકથા ખરીદી હશે દોઢેક વર્ષ પહેલાં, વાંચી ગયા મહિને. સરકારી યોજનાઓ કાગળ પર આકાર લે અને વાસ્તવમાં સાકાર થાય એની વચ્ચે જેમ લાંબું અંતર પડી જતું હોય છે, એમ હું કોઈ પુસ્તક ખરીદું પછી એનો વાંચવાનો વારો ક્યારે નીકળે એ નક્કી હોતું નથી.'મૃત્યુ મરી ગયું' નવલકથામાં પતિ રમેશ અને બે પુત્રીઓ નીતા અને અલ્પા સાથે સુખી જીવન વીતાવતાં લેખિકાનો પરિવાર છે. આ કથામાં ઉંમર સહજ ઉત્સાહ, કૂતુહલ, જીવનને જાણવાના રોમાંચથી થનગનતી અને નાની બહેન અલ્પા માટે પ્રેરણાનો સ્ત્રોત બનેલી ટીન-એજમાં કદમ માંડતી નીતાને થયેલા સિસ્ટેમિક લ્યુપસ એરિથેમેટોસસ (Systemic lupus erythematosus ટૂંકમાં SLE) રોગ સાથેના લાંબા સંઘર્ષ બાદ થતાં મૃત્યુની વાત છે. ડૉક્ટર સાથેની અપોઈન્ટમેન્ટના દિવસે વાસ્તવિક નિદાનને હંમેશા હાથતાળી આપીને છટકી જતાં ગંભીર રોગના લક્ષણોની અહીં સામાન્ય માણસને સમજાય એવી શૈલીમાં માંડેલી વાત છે. સામાન્ય બિમારી માનીને તાવની દવાઓ આપીને રોગને હળવાશથી લેતાં ટૂંકી દ્રષ્ટિવાળા ડૉક્ટરોની લાપરવાહી અને કશીક ગંભીર બિમારી થઈ હોવાનો ગેબી સંકેત પામીને દીકરીની કાળજી લેવામાં જરા પણ પાછીપાની ન કરતી માતાની લાજવાબ શુશ્રૂષાની પણ અહીં વાત છે. વ્યવસાયની જરૂરિયાતને કારણે સતત પ્રવાસમાં વ્યસ્ત રહેતાં પતિની ગેરહાજરીમાં દીકરીની સારવારમાં એકલપંડે પૂરી નિષ્ઠાથી ફરજ બજાવતી માતાની આ હૃદયસ્પર્શી કથા છે. ગંભીર બિમારી છતાં ઉચ્ચ શૈક્ષણિક કારકીર્દિ ઘડવા માટે ખંતપૂર્વક અભ્યાસ કરીને પ્રબળ જીજીવિષા દાખવતી નીતાએ મૃત્યુનાં ડર પર મેળવેલા વિજયનું અહીં સરસ આલેખન થયું છે.

એક દિવસ એક મેગેઝિનમાં એસએલઈ નામના જટિલ રોગ પર વિજય મેળવનાર નૃત્યાંગના વિષે પ્રકટ થયેલાં  લેખમાં રોગના લક્ષણો વાંચીને લેખિકાને પોતાની દીકરીને આ રોગ થયો હોવાની આશંકા જાગે છે. નવમા ધોરણમાં એડમિશન બાદ નીતા સ્કૂલે જવાનું શરૂ કરે છે એનાં માંડ પંદર દિવસ બાદ સતત તાવ, ગરમી, ગભરામણ જેવા લક્ષણો દેખા દે છે. બાળપણથી નીડર રહેલી નીતા આસપાસ ન હોય એવા કાલ્પનિક આકારો ભાળીને ડરી જાય છે. છેવટે એક દિવસ વાસ્તવિક રોગનું નિદાન થાય છે અને માંની આશંકા સાચી પડે છે. નિદાનમાં પણ ડૉક્ટર ડર ઓછો કરવા માટે રુમેટોઈડ થયું હોવાનું કહે છે જે એસએલઈ રોગના મથાળા હેઠળ આવતો ઓછો જોખમી રોગ છે. રોગની ટૂંક સમજ આપીએ તો કહી શકાય કે તેમાં રોગપ્રતિકારક તંત્ર પોતેરોગના જંતુઓ સામે લડવાને બદલે શરીરના તંદુરસ્ત કોષોનો નાશ કરે છે. રક્ષક પોતે જ ભક્ષક બને એ આનું નામ. ચામડીને અસર થાય ત્યારે ચહેરા પર રીતસર પતંગિયા જેવા દેખાતા આકારનું ચકામું થાય છે.

એક સમયે નૃત્યની શોખીન એવી નીતાને જમીન પર પગ મૂકતાં અસહ્ય પીડા થવા માંડે છે. કાર્ડિયોગ્રામ, ફેફસાં અને હૃદયનાં એક્સ-રે, લોહીની તપાસનો સિલસિલો શરૂ થાય છે. દવાઓ અને ઈન્જેક્શનોને કારણે હાલતમાં ધીરેધીરે સુધારો આવતો જાય છે પરંતુ બિમારીને કારણે આવેલાં નિયંત્રણો જેમના તેમ રહે છે. છએક મહિના બાદ શાળાએ જવા માંડે છે, પરીક્ષા આપીને પાંચમો ક્રમ મેળવે છે ડાન્સ ક્લાસિસમાં હજીપણ જઈ ન શકવાનો અફસોસ રહે છે. હવે ઝડપભેર સુધરી રહેલી તબિયત વચ્ચે નીતા એસએસસીનો અભ્યાસ ઉત્સાહથી કરે છે અને 74 ટકા મેળવે છે. 11માં ધોરણમાં શાળાનો એકપણ દિવસ ફાજલ જવા દીધો ન હતો પરંતુ રોગના લક્ષણો કોઈકને કોઈક સ્વરૂપે ઝબકી જતાં. ગમે ત્યારે રોગ ફરીથી ઉથલો મારી શકે એવી આશંકા વચ્ચે અગિયારમું ધોરણ પણ 74 ટકા સાથે પાસ કરે છે. 

નીતા લગભગ સાજી થઈ જાય છે અને કૉલેજ શરૂ થવાને માંડ એકાદ અઠવાડિયું રહે છે ત્યાં જ રોગ ફરીથી ઉથલો મારે છે. વાંસાનો દુ:ખાવો થાય છે, લોહીની તપાસમાં સૅડિમેન્ટેશનનાં પ્રમાણમાં વધારો જોવા મળે છે. (પ્રમાણ વધારે હોય તો રોગ વધારે ભયજનક). કોર્ટિઝોનની ગોળી ગળવાને કારણે તબિયતમાં જાદુઈ ફેરફાર થાય છે અને પાંચેક દિવસ આરામ કરીને કૉલેજ જવાનું શરૂ કરે છે અને ગુમાવેલા અભ્યાસક્રમ સાથે કૅચ અપ કરી લે છે. કોર્ટિઝોનની માત્રા ઘટાડ્યા બાદ ઝીણો તાવ આવવો શરૂ થયો અને શ્રાવણ મહિનો શરૂ થતાં હાથે મોઢે શીળસ નીકળવા લાગ્યાં. સોળ વર્ષની છોકરીને શીળસના કારણે આવતી કદરૂપતા દુ:ખી કરે તે સ્વાભાવિક છે. દિવાળીની રજાઓ આવતાં પૂરતો આરામ મળ્યો અને શીળસ તથા તાવમાં ઘટાડો જણાય છે. તબિયતની ચિંતા કર્યા વગર બહેનપણીઓ સાથે ઉત્સાહથી દિવાળીની ઉજવણીમાં જોડાય છે. નવેમ્બરમાં એના જન્મદિનની પાર્ટી ઉજવાય છે. 

સમય વીતે છે. ક્રિસમસની રજાઓ પણ પૂરી થાય છે. બારમા ધોરણનાં છેલ્લાં ત્રણ મહિનામાં સખ્ત મહેનત કરીને મૅડિકલમાં પ્રવેશ મેળવવાની નેમ ક્યારની લઈ લીધી છે. પણ રોગ એને લક્ષ્ય પૂરું કરવા દે તો ને? ડાબા ગાલ પર જણાતો એક ગાંઠો અને ડાબા પગના ગોઠણ નીચે બે ગાંઠા થયા બાદ ડૉક્ટર આ રોગને અસાધ્ય માનીને હાર સ્વીકારી ચૂક્યા હતાં. એમાં વાળ ખરવાની ઉપાધિનો ઉમેરો થાય છે. ઘરમાં બધે જ એના ખરેલા વાળ દેખાય છે.  એલોપથી, હોમિયોપથી અને આયુર્વેદ ત્રણેય આ રોગ સામે લાચાર હતાં. દરમિયાન એકાદ મહિનો વિદેશ યાત્રા પર ગયેલાં રમેશભાઈ પરત આવે છે ત્યારે વિદેશથી ખરીદેલી ભેટો પુત્રીઓને બતાવવાં જાય છે ત્યારે નીતાનો સૂજી ગયેલો ચહેરો જોઈને ચોંકી જાય છે અને કોઈક ગંભીર માંદગીની શક્યતા નકારતાં આવેલા રમેશ પાસે છેવટે રોગની ભયંકરતા સ્વીકાર્યા વિના છૂટકો રહેતો નથી. 

આયુર્વેદિક, હોમિયોપથિક દવાઓ અને ઘરગથ્થુ ઉપચારોથી રોગના બાહ્ય લક્ષણોમાં ક્ષણિક સુધારાનો આભાસ થતો પણ તેથી વિશેષ કશું નહીં. આગોતરી ચેતવણી વિના ત્રાટકતાં આતંકવાદીઓની જેમ રોગ ક્યારે કયા અવયવ પર હલ્લો કરે એ નક્કી ન હોય. સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છેવટે ફી સ્વીકારવાનું બંધ કરે છે અને પતિ-પત્નીના સમાધાન ખાતર મલ્ટી-વિટામિન, કેલ્શિયમ જેવી ગોળી લખતાં રહે છે. જૂનમાં બારમા ધોરણની પરીક્ષાના પરિણામમાં નીતા સારા ગુણો મેળવી પાસ થાય છે. એ પછી એક દિવસ નીતા ઊંઘીને ઊઠે છે ત્યારે મોંમાંથી લોહી નીકળે છે જે ડેન્ટિસ્ટના મત મુજબ પડાવવા માટે સૂચવેલ દાંતમાંથી નીકળતું હોય એવું લાગે છે. ત્યારપછીના દિવસે લોહી નીકળવાના પ્રમાણમાં વધારો થાય છે અને ડૉક્ટરના સૂચનથી વિટામિન સી - કેલ્શિયમની ગોળીઓથી સુધારો થતો નથી. હેમેટોલોજીસ્ટ સાથે મુલાકાત થાય છે જે અમુક પ્રકારના ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે. ટેસ્ટના રિપોર્ટ આવે એ પહેલાં નીતાની હાલત બગડે છે. જીભ પર કાળા ડાઘા, હાથપગ પર લાલ છાંટ દેખાય છે. રાત સુધીમાં તાવ 103 ડિગ્રી પર પહોંચી ગયો. સતત પોતાં મૂકવા છતાં તાવ કાબૂમાં આવતો ન હતો. ડૉક્ટરના મત પ્રમાણે રોગે હવે રક્તવાહિનીઓ પર હુમલો કર્યો હતો. એને ક્વિનાઈન આપવામાં આવી. ત્રણ દિવસમાં નીતાના મોઢામાંથી લોહી ઝરતું બંધ થયું આંખો તથા હાથપગનો દેખાવ સામાન્ય થયો. હવે એનામાં સ્ફૂર્તિ આવવા લાગી હતી. મમ્મી એને મૂવી અને વાંચેલી વાર્તાઓ સંભળાવતા. પિતા-પુત્રી કૉલેજોમાં પ્રવેશ માટેના ફૉર્મ ભરતાં. 

નીતાનો ઉત્સાહ પાછો ફરતો જોઈને નવી આશા બંધાઈ હતી. થોડા દિવસ પછી કરાવેલી લેબોરેટરી તપાસમાં લોહીનો રિપોર્ટ સારો હતો પરંતુ પેશાબમાં પ્રોટીન જતું હતું. મતલબ કે રોગે કિડની પર હુમલો કર્યો હતો! કિડની પર હુમલો એટલે SLE રોગનું ટર્મિનલ સ્ટેજ ! સમય વીતતાં, પ્રોટીન વહેવાનું પ્રમાણ વધતું ગયું. સાથે સાથે શારીરિક નબળાઈ આવતી ગઈ અને માનસિક સહનશક્તિ પણ ઘટવા માંડી. અણગમતી વાતો કે વધારેપડતો અવાજ સહન ન થઈ શકતો. મૃત્યુનો અણસાર આવી ગયો હોવા છતાં કઈ કૉલેજમાં પ્રવેશ મળે છે એની ઉત્કંઠા હજી એને હતી. 

હવે બ્લડ કાઉન્ટમાં ક્રમશ: ઘટાડો થતો જતો હતો. આખા પગ સૂજી જવાને કારણે ચાલવામાં તકલીફ પડતી હતી. તેને બે વખત પ્લાઝ્માની બોટલ ચડાવવામાં આવી. એક દિવસ માં નીતાને સ્પંજ કરતી હોય છે ત્યારે તેને ફ્રેન્ચ આર્ટિસ્ટ હેન્રી લાટ્રેકના જીવન પર આધારિત નવલકથા "મૂલંરૂઝ" (Moulin Rouge)નો એક પ્રસંગ કહે છે. "હેન્રી નામનો એક તેજસ્વી અને ચપળ છોકરો એક દિવસ કોઈ ભયંકર રોગમાં સપડાય છે. હજી ગયે વર્ષે તો એ બાળક હતો અને આ વર્ષે પુરુષ થઈ ગયો! ઉતાવળમાં કુદરત કિશોરાવસ્થા કુદાવી ગઈ હતી. એનું ઉપલું શરીર પુરુષ જેવું થઈ ગયું હતું અને પગ નાના જ રહી ગયેલા. એ બેડોળ વામન લાગતો. એની માએ અપંગ બાળકને જિંદગીભર મોટો કરવાની તૈયારી રાખી હતી, પરંતુ આવા વિકૃત સ્વરૂપ માટે એ તૈયાર નહોતી. એ ભાંગી પડી, રડી પડી. હેન્રીના પિતાએ જ્યારે એનું આ સ્વરૂપ જોયું ત્યારે એ તો ભાગી જ છૂટ્યા, તે વર્ષો સુધી એને મળવા પણ ન આવ્યા." આમ નીતાનું શીળસવાળું મોઢું જોઈને ખળભળી ઊઠેલા રમેશભાઈની મૂલંરૂઝ નવલકથાના પિતા સાથે સરખામણી લેખિકાથી થઈ જાય છે. જો કે હેન્રીના પિતાથી વિપરીત રમેશભાઈએ લાંબી મુસાફરી બંધ કરી દીધી હતી અને ઑફિસમાંથી પણ વહેલાં ઘરે આવી જતાં. 

હવે નીતાને ખોરાક પ્રત્યે રૂચિ ઘટી ગઈ હતી અને શારીરિક નિર્બળતા આવતી જતી હતી. કૉલેજનો પ્રથમ દિવસ આવ્યો, પરંતુ પથારીમાં પણ બેસી શકતી ન હોવાને જવાનો કોઈ પ્રશ્ન ન હતો. કિડની સ્પેશિયાલિસ્ટે આપેલી ગોળીઓ લીધા બાદ ઊલટીઓ થવા માંડી જે સતત ચાલુ રહી. ભાવતી ખાણીપીણીની વસ્તુઓ ચમચી ચમચી લઈને ચાખી. 

બપોરે એને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બીપી અત્યંત ઓછું થઈ ગયું હતું. એના નાકમાં ઑક્સિજનની નળી, હાથમાં પ્લાઝ્મા, ગ્લુકોઝ અને સોડિયમની ત્રણ સોય ખોસવામાં આવી હતી જે શરીરમાં જવાથી એનામાં ચેતન આવ્યું. છેલ્લે મમ્મીને સાંત્વન આપતાં કહે છે કે, "મમ્મી, મારા હાથમાં આટલી સોય અને નળીઓ જોઈને ગભરાઈશ નહીં. હું બહુ સુખમાં છું, તું તારું ધ્યાન રાખજે." બોલતાં બોલતાં એની જીભ ભૂરી થઈ ગઈ અને હોઠ બિડાઈ ગયા, ડોળા ઉપર ચઢી ગયા, પોપચાં નીચે ઢળી પડ્યાં, હાથ સહેજ ઊંચો થઈ નીચે પડ્યો અને એમાં ખોસેલી સોઈઓ નીકળી ગઈ! નીતા ચાલી ગઈ. માંએ એને છેલ્લી વાર નીરખી લીધી. એના મુખ પર કોઈ વેદના કે ગભરાટ નહોતો ! 

નીતાના અવસાનથી ખાલીપો અને એકલતા અનુભવતા લેખિકા છેલ્લે સ્વગત કહે છે, "નીતા, હવે તને કહું કે હું એકલી એકલી શું કરીશ ! તને, તારા હસતા ચહેરાને, તારી હિંમતને તારા જીવનના ઉત્સાહને હું યાદ કરીશ. તારા વિયોગની વિષમતાને હું મારા અંતરમાંથી ઉલેચી કાઢીશ, એટલે ભવિષ્ય પરનો મારો અવિશ્વાસ ભૂંસાઈ જશે. હું અલ્પાને એટલું જ વહાલ કરીશ. આશ્રમનાં બાળકોને પંપાળીશ. એક રસમય સક્રિય, ઉપયોગી જીવન જીવીશ. તને, તારા હસતા ચહેરાને યાદ કરીશ. સત્તર વર્ષની તારી મીઠી સ્મૃતિઓને, તારા પ્રેરણાત્મક જીવનને યાદ કરીશ અને મારી એકલતામાંથી હું ચોક્કસ બહાર આવીશ."

જતાં જતાં 
જીવન એટલે ખળખળ વહેતું ઝરણું. માર્ગમાં ભેખડ નડે તો ઝરણું દિશા બદલે, નવો વળાંક લે; પણ વહેવાનું તો ચાલુ જ રાખે !

(મૃત્યુ મરી ગયું, પૃ. 80)

Monday, June 10, 2013

બાંયો ચડાવીને લખેલી કૃતિ : બાયોગ્રાફી

બાયોગ્રાફી : બાંયો ચડાવીને લખેલી કૃતિને બાયોગ્રાફી કહે છે. 

ઑટોબાયોગ્રાફી : ઑટોમાં બેસીને બાંયો ચડાવીને લખેલી કૃતિને ઑટૉબાયોગ્રાફી કહે છે.

કરકસર : જેના કારણે રસ માણવામાં કસર રહી જાય છે તેને કરકસર કહે છે.

છાંટોપાણી : વરસાદના પાણી ભરાયા હોય એવા રસ્તાઓ પર ચાલતાં કે વાહન હંકારીને જતી વખતે આપણાં પર જે છાંટા ઊડે છે એને છાંટોપાણી કહે છે.

ખેલદિલી : કોઈના દિલ સાથે ખેલી લીધા પછી પશ્ચાતાપની લાગણી સાથે જે આત્મબોધ થાય છે તેને ખેલદિલી કહે છે.

ફુગાવો : ફુગને "આવો, આવો" કહીને આમંત્રણ આપતાં જે સ્થિતિ સર્જાય તેને ફુગાવો કહે છે.

નોળવેલ : બેહોશ થઈ જવાય એવી નૉવેલ વાંચ્યા બાદ હોશમાં આવવા માટે સૂંઘવી પડતી એક વનસ્પતિ.

તત્કાલ ટિકિટ : રેલ્વેમાં જે ટિકિટ ખરીદવા માટે અનંત કાલ સુધી રાહ જોવી પડે એને તત્કાલ ટિકિટ કહે છે.

2જી-3જી-4જી ડેટા કનેક્શન : ભારતમાં વેબ બ્રાઉઝિંગ કરતી વખતે વેબ સાઈટ ઓપન થવામાં અનુક્રમે બે, ત્રણ અને ચાર જનરેશન જેટલો સમય લાગે છે એ કનેક્શનને 2જી-3જી-4જી ડેટા કનેક્શન કહે છે.

વેબપેજ : ઈન્ટરનેટમાં વેબ સાથે સંકળાયેલા બધાં શબ્દો કરોળિયાનાં જાળા એટલે કે Cob web પરથી આવ્યા છે. ભારતમાં ધીમા ડેટા કનેક્શન પર એક વેબપેજ  ખૂલે ત્યાં સુધીમાં કરોળિયો અસંખ્ય જાળાં ગૂંથી લે છે.

સ્પિરિચ્યુઆલિટી : રિચ્યુઅલ (રોજીંદા રૂટિન, દિનચર્યા)માં સ્પિરિટ (ઉમંગ, ઉત્સાહ) ભળે એને સ્પિરિચ્યુઆલિટી કહે છે.

નિસાસા : શાસ્ત્રીય સંગીતનાં કોઈ રાગની સરગમમાં સાત સૂરો પૈકીના બે નિશાદ અને ષડજ એક પછી એક ગવાય (નિ પછી સા અને સા) એવા સ્વરસંયોજનને નિસાસા કહે છે.

ડેન્જરસ : સાહિત્યનાં અનેક રસ પૈકીનો એક ભયાનક રસ.

ડૉક્યુનોવેલ : બીજાના જીવનમાં ડોકિયું કરતી નૉવેલ. (રાધેશ્યામ શર્માનાં એક લેખમાં વાંચેલું).

સાહિત્યકાર : કાર વિશે અઢળક સાહિત્ય વાંચનાર સાહિત્યકાર હોવો જરૂરી નથી એ જ રીતે સાહિત્યકાર હોય એની પાસે કાર હોવી જરૂરી નથી. સાહિત્યકારને મકાનનાં પ્લૉટ વિશે સપનામાં પણ વિચારવું પોસાતું નથી એટલે એ માત્ર વાર્તાઓના પ્લૉટમાં જ વિચાર વિહાર કરે છે.

પાઠક : પોતાને ગમતાં લેખકનાં નામનો જ પાઠ કર્યા  કરે એવી વ્યક્તિ.

ગૌરવ : ગાયનો ભાંભરવાનો અવાજ.

અગ્નિસંસ્કાર : બળતામાં ઘી હોમવું?

લાઈટ બિલ : આ બંને Oxymoron એટલે કે એક સાથે ગોઠવાયેલા પરસ્પર વિરોધી શબ્દો છે. વીજળીનું બિલ ક્યારેય લાઈટ બિલ હોતું નથી, પણ હંમેશા હૅવી બિલ હોય છે.

ફોન બિલ : ફોન શબ્દને ઉલટાવતાં નફો બને છે. ટેલિકૉમ કંપનીઓને નફો કરી અપાવતું બિલ એટલે ફોન બિલ.

સટ્ટાયુગ : ત્રેતા, દ્વાપર, કલિ અને સતયુગ સિવાયનો નવો શોધાયેલો પાંચમો સટ્ટાયુગ, જેમાં સટ્ટાખોરોને ઘી-કેળાં હોય છે.

સૂનમૂન : આકાશમાં રાત્રે જ્યારે મૂન બરાબર દેખાતો નથી ત્યારે આકાશ સૂનમૂન છે એમ કહેવાય છે.

બેસૂરાંપણું : એક સાથે બબ્બે સૂરમાં ગાઈ શકવાની ક્ષમતા.

મિયા કી ટંગડી : શાસ્ત્રિય સંગીતમાં મિયાં તાનસેન રચિત મિયા કી તોડી નામનો રાગ છે એવી રીતે મંત્રણા, વાતચીત, સમજાવટમાં ટસ ના મસ ન થાય અને પોતાનો કક્કો ખરો કરીને જંપે એવા લોકોનો આ પ્રિય રાગ છે.

Monday, June 3, 2013

વાળ કપાવતાં આવેલા વિચારોનો જુવાળ

દર એકાદ-બે મહિને લાઈટ બિલ કે ફોન બિલ નિયમિત ભરતાં રહેવાનું હોય છે, એમ લઘરવઘર દેખાવમાં લાલિત્ય લાવવા માટે સમયે સમયે વાળ કપાવતા રહેવું પડે છે. ભીખ માંગીને જીવવાનો વ્યવસાય હોય એણે દેખાવમાં કરુણતા લાવવા માટે વાળ શક્ય તેટલા અસ્તવ્યસ્ત હોય એનું ધ્યાન રાખવાનું હોય છે, પણ એ સિવાયના સામાન્ય સંસારીઓને આવો પ્રમાદ પોસાતો નથી. 

માનવશરીર બનાવનાર ભગવાન બહુ સમજદાર છે એટલે જ ચામડીનું રક્ષણ કરતાં વાળને કાતરથી કાપીએ ત્યારે કોઈ વેદના થતી નથી, કારણ કે મગજને વેદના-સંવેદનાનાં સિગ્નલ્સ મોકલતાં નર્વ એન્ડિંગ્ઝ (Nerve Endings) વાળમાં હોતા નથી. વિચારો કે શરીરના અન્ય અંગોની વાઢકાપ કરવામાં આવે ત્યારે જે દુ:ખાવો થાય છે એવો જ દુ:ખાવો વાળ કાપતી વખતે થતો હોત તો? હેરકટિંગ સલૂનમાં વાળંદે એનેસ્થેશિયા આપવા માટે એનેસ્થેસિસ્ટને પોતાના હૅલ્પર તરીકે રાખવા પડતા હોત ! જેમ મેડિકલ સ્ટોર - ફાર્માસ્યુટિકલ કંપની અને ડૉક્ટર વચ્ચે સાંઠગાંઠ હોય એમ ડૉક્ટર-વાળંદ-એનેસ્થેસિસ્ટનું વ્યાવસાયિક ગઠબંધન જોવા મળતું હોત ! પણ અગાઉ કહ્યું એમ ભગવાને સમજી વિચારીને શરીર રચના આપી છે એટલે વાળ કપાવતી વખતે વાળ પણ વાંકો થતો નથી. માત્ર, હેર-વીવિંગ, હેર ટ્રાન્સપ્લાંટ જેવી વિધિઓ કરાવવા માટે કે વાળ વિષયક અન્ય સમસ્યાઓ માટે ક્લિનિકની મુલાકાતો લેવી પડે છે.

અલગ અલગ પ્રકારનાં હેર કટિંગ સલૂનમાં જવાનું બન્યું છે. એક સલૂન એવું હતું જેની દીવાલો પર લૂણો લાગ્યો હોય અને ગરોળીઓ ફરતી હોય ત્યારે પાટલી પર બેસીને વારો આવવાની રાહ જોતાં મારો જીવ તાળવે ચોંટતો હતો. ગમે તે ગરોળી માથા પર પડશે એ ડરથી પાટલી પર રાખેલાં ઢગલાબંધ ફિલ્મ મેગેઝિન્સમાં હિરોઈનોની તસ્વીરો જોવાનો ચાર્મ એ વખતે ચૂકી જવાય.

હવે થોડાંઘણાં અરસાથી એવા સલૂનમાં વાળ કપાવવા જઉં છું જે અનેક સૌંદર્ય પ્રસાધનો, ઉપકરણો અને સગવડોથી સુસજ્જ છે. આવા સલૂનનાં વાળંદ માટે બાર્બર કે હેરડ્રેસર કે હેરસ્ટાઈલિસ્ટ જેવા માનભર્યાં અંગ્રેજી શબ્દો વાપરવાનો રિવાજ હોય છે. અહીં વાળ કાપતાં પહેલાં જ્યારે બાર્બર શેમ્પૂ કર્યા પછી મારા વાળ બર્બરતાથી વિખેરી નાંખે છે ત્યારે અરીસામાં મારો દેખાવ જોઈને થોડી ક્ષણો માટે મને શ્રી સત્ય સાંઈબાબા અને તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન કુરેશી જેવી મહાન વિભૂતિઓની પંગતમાં બેઠા હોવાની અલૌકિક અનુભૂતિ થાય છે.


શરીરનાં વાળ આકાશના તારાની જેમ ગણી ન શકાય એટલા અગણિત છે, પરંતુ વાળ સાથે સંબંધિત રૂઢિપ્રયોગો શોધી જોયા તો આંગળીના વેઢે ગણાય એટલાં જ પ્રયોગો જોવા મળ્યાં. મહામહિમોપાધ્યાય કેશવરામ શાસ્ત્રીના બૃહદ ગુજરાતી જોડણી કોશમાં વાળની એન્ટ્રી પર નજર કરતાં બે રૂઢિપ્રયોગો અને મોવાળો શબ્દ સામે એક રૂઢિપ્રયોગ જોવા મળ્યો : 

(1) વાળ ન તૂટવો/ વાળ ન વાંકો થવો = જરા પણ ઈજા ન થવી. 
(2) વાળ વડા કરાવવા =  બાળકના બાળ-મોવાળા ઉતારવાનો માંગલિક વિધિ કરવો.
(3) મોવાળો ચીરવો = ચોખ્ખો અદલ ન્યાય આપવો.

શબ્દનો અર્થ ન સમજાય ત્યારે એ અર્થનો બીજો શબ્દાર્થ જોવા માટે ડિક્શનરી ફંફોસવી પડે એવું English to English ડિક્શનરીમાં ઘણી વખત મારી સાથે થતું હોય છે. બાળ-મોવાળાનો અર્થ જોવા માટે પાના ફેરવ્યાં તો અર્થ મળ્યો : નાના બાળકના એક પણ વાર કાપ્યા ન હોય તેવા વાળ (માંગલિક વિધિથી એ ઉતારવામાં આવે છે).

વાળઝૂડ નામનો પણ એક શબ્દ છે જેનો અર્થ થાય છે વાળીચોળીને સાફ કરવું. સ્ત્રીઓને વાળ ખરવાની સમસ્યા ઘણી હોય છે અને સ્ત્રીએ વાળ ઓળી લીધા પછી બેસિનમાં કે આસપાસ ફર્શ પર વાળનું ગૂંચળું પડ્યું હોય એ દ્રશ્ય સામાન્ય હોય છે. (સ્નાન વખતે બાથરૂમની દીવાલ પર બિંદી ચોંટાડેલી રહી ગઈ હોય છે એમ જ!). મને લાગે છે કે જમીન પર એકપણ વાળ ન રહે તે રીતે ચોકસાઈથી ઝાડુ મારીને સફાઈ કરવામાં આવે તેના પરથી જ વાળઝૂડ શબ્દ આવ્યો હશે. કુદરતમાં પાનખરની સીઝનમાં પાંદડાં ખરે એમ જે લોકોને વાળ ખરવાની તીવ્ર સમસ્યા હોય એ લોકો માટે વાળખર જેવો શબ્દ બનાવી શકાય?

Sunday, June 2, 2013

અત શ્રી ફેસબુક આખ્યાનમ

પારસમણિનાં સ્પર્શથી કથીર જેમ કંચન થઈ જાય એમ મારા એક મિત્ર પારસ શાહ ફોટોગ્રાફી કરે એટલે કેમેરાના મેમરી કાર્ડમાં ઝીલાઈ ગયેલી કોઈપણ છબી મનની મેમરીમાંથી જલ્દી દૂર ન થાય એવી ચિરંજીવી બને છે. એમની તસવીરકળામાં તદબીર સાફ સાફ દેખાય છે અને જેનો ફોટો લે એનું તકદીર ખૂલી જાય છે. (મેટ્રિમોનિઅલ હેતુ માટે છોકરાનો ફોટો પાડે તો છોકરીઓની લાઈન લાગી જાય !). જેને ફોટાં સારા ન આવવાનો જેનેટિક પ્રોબ્લેમ હોય એ ફોટોજેનિક બની જાય ! એ કોઈ ચાંપલા, ચિબાવલા, ચીલાચાલુ ન્યુ યર રેઝોલ્યુશન લેતાં નથી પણ માત્ર તસ્વીરનાં રેઝોલ્યુશન પર જ વધારે ફોકસ કરે છે!

ફોટોગ્રાફી કરવા ઉપરાંત એ લખીને પણ સારી અભિવ્યક્તિ કરી જાણે છે. પારસભાઈએ 2જી જૂનનાં રોજ બ્રહ્મ મૂહૂર્તમાં ફેસબુકને લગતી એક ક્રિએટીવ પોસ્ટ લખી : 

દિન રાત ફેસબુકને ભાંડતા લોકો જોઉં
ને એમને જ ફેસબુક પર આળોટતા જોઉં


હવે આ પોસ્ટ વાંચીને મને કોણ જાણે શું થયું કે માત્ર બે જ પંક્તિઓના મર્યાદિત પટ પર મને કવિતાના પત્તાનો મહેલ ચણવાની એક ગૂઢ પ્રેરણા મળી. My friend's two poetic lines acted like a pillar for me to form a majestic palace of poetry. કહો કે એક ધક્કો વાગ્યો અને ફેસબુક અંગે મારા સુષુપ્ત મનમાં સંચિત થયેલાં અવલોકનોને વ્યક્ત કરવા માટે એક મિનિ ફેસબુક-આખ્યાનનું ઝરણું ફૂટ્યું, તો ઝાઝી લાંબી પ્રસ્તાવનાની લપ્પન-છપ્પન વિના પેશ છે મિનિ ફેસબુક આખ્યાન: 

દિન-રાત પોતાનો કક્કો ખરો કરતાં લોકો જોઉં
મોટા માથાનાં મોત પર ખરખરો કરતાં લોકો જોઉં

આત્મરતિના કોશેટોમાં કેદ થઈને લોટતા લોકો જોઉં
વાહિયાત વિચારધારામાં અન્યોને પલોટતા લોકો જોઉં

કુતર્ક-કુચેષ્ટાના કીચડથી નંદવાતા લોકો જોઉં
સજ્જતા-સજ્જનતાના લીરેલીરા ઉડાવતા લોકો જોઉં

લાઈક-કમેન્ટનાં ખપ્પરમાં હોમાઈને વળ ખાતાં લોકો જોઉં
સતત સદંતર ઉપેક્ષાથી દુ:ખી થઈને ગમ ખાતાં લોકો જોઉં

કવિતાનો કૉન્સ્ટન્ટ કલવો પીરસ્યા કરતાં લોકો જોઉં
તકલાદી સર્જનનાં સ્ટન્ટ પર પોરસાયા કરતાં લોકો જોઉં

લવેબલ લેખકની દીવાલે ચકરાવા લેતાં લોકો જોઉં
આકરી અસહ્ય ટીકાથી ભાગીને રફુચક્કર થતાં લોકો જોઉં

મસ્ત માલનાં ફોટા જોઈને ચક્કર ખાતાં લોકો જોઉં
સૅટિંગ કરીને બૅટિંગ મેળવવા શક્કર ખવડાવતાં લોકો જોઉં

છીછરાં પાણીના પરપોટાં જેવી પ્રતિક્રિયા ચરકતાં લોકો જોઉં
ફેક આઈડીથી સનસનાટીનાં વમળમાં સરકતાં લોકો જોઉં

પ્રાઈવસીના ઊભા પાકમાં ઢોરોનું ભેલાણ કરતાં લોકો જોઉં
પ્રિય પિઠ્ઠુ થવા માટે લેખકોને પાયલાગણ કરતાં લોકો જોઉં

ઘડીનાં છઠ્ઠા ભાગમાં અસંખ્ય સ્ટેટસ શેર કરતાં લોકો જોઉં
સુંદરીની ટાઈમલાઈનમાં કાયમ લાઈક અને કેર કરતાં લોકો જોઉં

એક જ દિ'માં અગણિત પોસ્ટની ઝડી વરસાવતા લોકો જોઉં
દિવસો સુધી એક જ પોસ્ટ માટે ઘડી ઘડી તરસાવતા લોકો જોઉં