Pages

Sunday, August 13, 2017

યાહોમ કરીને કવિતા લખો...લાઇક્સની ઢગલી છે આગે!

શબ્દકોશમાં સર્જનાત્મકતા અથવા ક્રિએટિવિટી જેવો શબ્દ પોતે અસલામતીનો ભાવ અનુભવવા માંડે એટલી હદે ફેસબુક પર રોજેરોજ વિપુલ સર્જનના અંશો લઈને હાજર થઈ જતા મહાસર્જનાત્મક લોકોને જોઈને અનાદરથી મસ્તક કમ્પ્યૂટર સ્ક્રીનથી વિપરીત દિશામાં ફરી જાય છે. 'વાંચે ગુજરાત'ની ઝુંબેશ ચલાવવી પડે, જ્યારે 'લખે ગુજરાત'ની ઝુંબેશ વગર પ્રચારે અવિરત ચાલતી રહે છે. વિશ્વના કોઈ પણ ફિલસૂફને અહોભાવ થઈ જાય એવો સુંદર વિચાર સ્ફુર્યો છે તો એ વિચારપુષ્પનો વિસ્તાર કરીને કવિતાનો ફૂલહાર બનાવી ફેસબુક પર પમરાટ પ્રસરાવવાના શુભ કાર્યમાં વિલંબ કેમ કરવો? યાહોમ કરીને કવિતા લખો, લાઇક્સની ઢગલી છે આગે!

શું કહ્યું? ગુજરાતી કવિતાના છંદો આઉટડેટેડ થઈ ગયા છે? અરે, કંઈ વાંધો નહિ, આપણે પોતાનું આગવું મીટર ઊભું કરીએ, પછી જુઓ કે કવિતાનું મીટર મુંબઈની કોઈ ટૅક્સીના મીટરની જેમ ચક્કર ચક્કર ફરવા માંડે છે કે નહિ! સવારે હાઈકુ લખ્યું છે, બપોરે અછાંદસ કાવ્ય આવ્યું જ સમજો! સાંજે ગઝલ અને રાત્રે મુક્તક ન લખીએ તો અરૂઝનો ઊંડો અભ્યાસ એળે જાય! હજી તો મોનો ઇમેજ, તાંકા, ક્ષણિકા....ઓહોહો! કાવ્યનાં કેટલાં બધાં સ્વરૂપો રાહ જોતાં ઊભાં છે! સતત ચર્ચામાં રહેવું છે એટલે જલનસાહેબની જેમ કવિતામાં ફૅમિલિ પ્લાનિંગ કરવું પોસાય નહિ! 'કલાપીનો કેકારવ', 'સમગ્ર ઉમાશંકર' અને 'આઠો જામ ખુમારી' એ ત્રણેયના સંયુક્ત કદની બરોબરી કરી શકે એવો સંગ્રહ આપણો થાય તો જીવતર સાર્થક થયું ગણાય!

Tuesday, July 4, 2017

મને ચિંતા નથી (ગઝલવિશ્વ જૂન 2017માં છપાયેલી મારી એક ગઝલ) (નેહલ મહેતા)

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ત્રૈમાસિક ગઝલવિશ્વના જૂન 2017ના અંકમાં મારી એક ગઝલ સ્વીકૃતિ પામી છે. ગઝલ મોકલતી વખતે અહીં ટાઇપ કરેલા પાંચમા શેરનો સમાવેશ કરવાનું ટાળ્યું હતું.

કોઇ શું કહે એ વિચારોની મને ચિંતા નથી,
હો હજારો મત, હજારોની મને ચિંતા નથી.

અંતરાત્મા જે કહે એ સાંભળું છું ધ્યાનથી,
બહારના બીજા પુકારોની મને ચિંતા નથી.

છે જીવનમાં અલ્પ મિત્રો એનો આ છે ફાયદો,
પીઠ પાછળનાં પ્રહારોની મને ચિંતા નથી!

રક્ષવી હો જાતને તો માત્ર મીઠ્ઠી ધારથી,
રક્તની પ્યાસી કટારોની મને ચિંતા નથી.

ફૂલ નોખું પામવામાં કંટકો વાગ્યા ભલે, 
રક્તરંજીત આ લટારોની મને ચિંતા નથી.

પાનખર બસ સાથ આપ્યે જાય છે થાક્યા વિના, 
બેવફાઈની બહારોની મને ચિંતા નથી!

કોઇ પરખંદો સમજશે મૂલ્ય મારા હીરનું,
બાકી ઊઘડતી બજારોની મને ચિંતા નથી.

(નેહલ મહેતા)


વિપરીત પરિસ્થિતિ માટેની આપણી પ્રીત

આ દુનિયામાં એક વિષમતા જોવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિને પોતે જે પરિસ્થિતિમાં હોય એની વિપરીત પરિસ્થિતિ વધારે શ્રેયસ્કર જણાતી હોય છે. પરિણીત માણસોને અપરિણીત વ્યક્તિઓની સ્થિતિ આદર્શ લાગે છે. અપરિણીત વ્યક્તિ "માંહી પડ્યાં તે મહાસુખ માણે, દેખણહારા દાઝે રે લોલ" એ કાવ્યપંક્તિ વાંચીને ભડકી ઊઠે છે (એ પંક્તિ વાંચતી વખતે શયનખંડમાં શયનસુખ માણી રહેલાં પતિ-પત્નીની કલ્પના એના મનમાં તરવરી ઊઠતી હશે!). તો ઘણી વખત માંહી પડેલાં લોકો દાઝતાં હોય અને એમને દાઝતાં જોઈને દેખણહારા મહાસુખ માણતાં હોય એ સંભાવના પણ અસ્થાને નથી હોતી. ટૂંકમાં, કોણ કઈ પરિસ્થિતિમાં સુખી કે દુખી હશે એ નિશ્ચિત હોતું નથી. આનો કોઈ થમ્બ રુલ નથી. ભારતીય સમાજમાં ફિટ ન થઈ શકતા હોવાને કારણે, આવી પડનારી કથિત સાંસારિક જવાબદારીઓની જંજાળના કાલ્પનિક ભયથી બીકણ ઉંંદરડાની જેમ ડરતાં હોવાને કારણે કે પછી અસલામતીથી ભરેલા પલાયનવાદી સ્વભાવને કારણે અપરિણીત અવસ્થાનો મહિમા ગાતાં વિચારો ઓક્યા કરતાં અને લગ્નનો વિરોધ કરતાં બૅન્ડવાજાં વગાડ્યાં કરતાંં લોકો ખાનગીમાં કોઈ આત્મીય વ્યક્તિ ખભો આપે ત્યારે નાના બાળકની જેમ પોક મૂકીને રડી પડતાં હોય એવું પણ બને.

નોકરિયાતને ફ્રીલાન્સરની સ્થિતિ આદર્શ લાગે છે. ફ્રીલાન્સર સ્વતંત્રતાથી કંટાળીને ક્યારેક નિશ્ચિત સમયગાળાવાળી સલામત નોકરી ઝંખે છે. નિ:સંતાન દંપતિને સંતતિસુખ મેળવનારા યુગલો બડભાગી જણાય છે. સંતાનના ઉછેરમાં, એને ભણાવવામાં જે આર્થિક-માનસિક તાણ અને પળોજણો રહેલી હોય છે એનાથી કંટાળેલાં અમુક માતા-પિતા નિ:સંતાન દંપતિને સુખી માને છે. મુસ્લિમોમાં એકથી વધુ પત્ની કરી શકાતી હોવાથી હિન્દુને વેરાઇટીના મુદ્દે મુસ્લિમ વ્યક્તિથી જલન થતી હશે. એકથી વધારે પત્નીઓની કચકચ સામે પહોંચી વળવાની ક્ષમતાના અભાવે મુસ્લિમ પુરુષ એકપત્નીત્વ પાળતા હિન્દુને ખુશકિસ્મત સમજતો હશે. કઈ સ્થિતિ આદર્શ છે કે કઈ સ્થિતિ આદર્શ નથી એની ચર્ચા કરવાનો આશય નથી, પરંતુ પ્રશ્ન એ છે કે શા માટે માણસો માટે પોતાની વર્તમાન પરિસ્થિતિઓમાં સંતોષકારક રીતે રહેવાનું અશક્ય બનતું હશે? પારકે ભાણે લાડુ મોટો કેમ લાગતો હશે?

Wednesday, June 21, 2017

હવામાન અને શારીરિક દેખાવ: વાતચીતના બે પ્રેરક પરિબળો

અમુક લોકો મળે ત્યારે એમની વાતચીતમાં હવામાનની વિષમતા અને જેની સાથે મુલાકાત થઈ રહી હોય એ વ્યક્તિના બાહ્ય દેખાવ જેવી ગૌણ બાબતો પ્રાથમિકતા ધારણ કરી લે. જીવનને આગવી દૃષ્ટિથી જોવાનું કેળવતાં શીખવે એવા વિષયોમાં એમણે ક્યારેય ઊંડો રસ લીધો ન હોવાથી એમનું બૌદ્ધિક સ્તર રણનાં ઝાંઝવાં જેવું છેતરામણું હોય. તમારું વજન બહુ વધી ગયું છે! તમે પાતળા થઈ ગયા! માથામાં ટાલ પડવાની શરૂઆત થઈ ગઈ? આ વાતચીતના ઉઘાડ માટેના એમના સ્ટાન્ડર્ડ પ્રશ્નો હોય છે. આવા એક કિસ્સાનું સાક્ષી બનવાનું થયું હતું. એક યુગલ સાથે વાતચીત કરતાં એક મોટી ઉંમરની લગ્નવિરોધી કુંવારી મહિલાએ યુગલમાંની યુવતીના વધી ગયેલા વજન પર ટિપ્પણી કરતાં કહ્યું: "તું બહુ જાડી થઈ ગઈ છે ને!" પેલી યુવતીએ સામે રોકડું પરખાવતાં કહ્યું: "મારા પતિને મારા શરીર પર ચરબી વધારે હોય એ ગમે છે!"

રિવર્ઝ દુર્યોધન (નેહલ મહેતા)

અસત્ય, અનીતિ, ભ્રષ્ટાચાર શું છે એ હું જાણું છું અને એ રસ્તાઓ પર ચાલવાથી કેવાં ઘીકેળાં થશે અને જલસા કરવા મળશે એ હું જાણું છું છતાં હું મારી જાતને એ એવાં કામોમાં જોતરી નથી શકતો અને સંયમ, સદાચાર, પ્રામાણિકતાના માર્ગે ચાલવાથી કેટલી હાલાકીઓ ભોગવવી પડશે એ હું જાણું છું, છતાં આ ગુણોથી મારી જાતને અળગી કરી નથી શકતો!

Friday, August 26, 2016

અચાનક વહેણમાં બદલાવ આવે (ભાવેશ ભટ્ટ)

અચાનક વહેણમાં બદલાવ આવે;
નદીમાં જો અમારી નાવ આવે.

અમુક ચહેરા વિષે એવું બને છે,
અરીસાનો કોઈ પ્રસ્તાવ આવે.

કોઈ પણ પંખી જો માળો ન બાંધે,
તો ક્યાંથી વૃક્ષનો ઉઠાવ આવે !

નથી સાંભળતો વૃદ્ધોની કોઈ વાત,
નહીંતર બાંકડાને તાવ આવે.

ભર્યું આકાશ આંખોમાં ખીચોખીચ,
અને સપનામાં કાયમ વાવ આવે.
                               - ભાવેશ ભટ્ટ